લોકો સાથે ઊંચા અવાજે વાત કરી તેમને ખીજવાઈ રહેલા કારકુનને વ્યક્તિએ આ રીતે શીખવ્યો જીવનનો પાઠ, વાંચો સ્ટોરી.
સરકારી કચેરીમાં લાંબી લાઈનો લાગી હતી. બારી પાસે બેઠેલો કારકુન ગરમ સ્વભાવનો હતો અને બધા સાથે મોટા અવાજમાં વાત કરી રહ્યો હતો. તે સમયે પણ તે એક મહિલાને ઠપકો આપતા કહી રહ્યો હતો કે “તમને જરાય ખબર નથી પડતી, તમે આ ફોર્મમાં શું ભરીને લાવ્યા છો, કંઈ પણ વ્યવસ્થિત ને સાચું લખ્યું નથી. સરકાર ફોર્મ ફ્રી આપે છે, તો કંઈપણ ભરી દેશો. તમારા ખીસાના પૈસા ખર્ચ થતે તો દસ લોકોને પૂછ્યા પછી ફોર્મ ભરતે.”
લાઈનમાં પાછળ ઊભેલો એક વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો. તે લાઈનમાંથી બહાર આવ્યો, પાછળના રસ્તેથી કારકુન પાસે ગયો અને ત્યાં જ ઊભો રહ્યો અને ત્યાં રાખેલા વાસણમાંથી પાણીનો ગ્લાસ ભરીને કારકુન તરફ લંબાવ્યો.
કારકુને એ વ્યક્તિ તરફ ગુસ્સા ભરેલી આંખે જોયું અને માથું ઊંચું કરી “શું છે?” નો ઈશારો કર્યો.
પેલા વ્યક્તિએ કહ્યું, “સાહેબ, તમે ઘણા સમયથી બોલી રહ્યા છો, તમારું ગળું સુકાઈ ગયું હશે. લો પાણી પી લો.”
કારકુને પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને તે વ્યક્તિ તરફ એ રીતે જોયું જાણે કે કોઈ બીજા ગ્રહનો જીવ જોયો હોય. પછી કહ્યું, “તમને ખબર છે, હું કડવું સત્ય બોલું છું, એટલે બધાને ગુસ્સો આવે છે, પટાવાળો મને પાણી પણ નથી આપતો!”
તે વ્યક્તિએ સ્મિત આપ્યું અને પછી લાઇનમાં પોતાની જગ્યાએ પાછા આવીને ઉભા રહી ગયા.
હવે પેલા કારકુનનો મૂડ બદલાઈ ગયો હતો, તેણે બધા સાથે ખૂબ જ શાંતિથી વાત કરી અને બધાને સારી રીતે સેવા આપવા લાગ્યો.
થોડા દિવસ પછી પેલા વ્યક્તિને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. તે ફોન પેલા કારકુનનો હતો. તેણે કહ્યું, “ભાઈ, મેં તમારા ફોર્મમાંથી તમારો નંબર લીધો છે. અને તમારો આભાર માનવા માટે ફોન કર્યો છે.
મારી મમ્મી અને મારી પત્નીને એકબીજા સાથે જરાય બનતું નથી. ગઈ કાલે પણ જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે બંને ઝગડી રહ્યા હતા, પરંતુ તમારો ગુરુ મંત્ર કામમાં આવ્યો.
તે વ્યક્તિ ચોંકી ગયો, અને બોલ્યો, “કયો ગુરુમંત્ર?”
“મેં એક ગ્લાસ પાણી મારી મમ્મીને અને બીજો મારી પત્નીને આપ્યો અને કહ્યું કે તમારું ગળું સુકાઈ રહ્યું હશે, પાણી પી
લે. એ પછી અમે ત્રણેય હસતાં-હસતાં વાતો કરીએ છીએ. સાહેબ, મારા તરફથી તમને જમવાનું આમાંત્રણ છે. તમે આજે અમારા ઘરે જમવા આવો. હું તમને સરનામું મેસેજ કરું છું.”
“હા! પણ, જમવા કેમ?”
કારકુને કર્કશ અવાજે જવાબ આપ્યો, “તમને ગુરુ બનાવ્યા છે તો તમને ગુરુ દક્ષિણા આપવી છે. અને મારે એ પણ જાણવું છે, જો એક ગ્લાસ પાણીમાં આટલો જાદુ છે, તો પછી ખાવાનો કેટલો જાદુ થશે?”
મિત્રો, બીજાના ગુસ્સાને પ્રેમથી જ દૂર કરી શકાય છે. ક્યારેક પ્રેમનું એક નાનકડું કૃત્ય અન્ય વ્યક્તિમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને પ્રેમ ભરેલા સંબંધો એકાએક શરૂ થાય છે જેનાથી ઘર અને કાર્યસ્થળ પર માનસિક શાંતિ મળે છે.