ગ્રામ્ય જીવન પર બનેલી આ કવિતામાં ત્યાંના જીવનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

0
670

ગ્રામ્ય – પ્રભાત :

છે શાંત હજી માર્ગો, ઓછી અવરજવર છે,

વાયુ માં છે શીતલત, હેમંત ની અસર છે.

સપ્ત -શ્વેત અશ્વ રથે, આવશે રવિ,

પૂર્વ નભે ફૂટી ચુકી, સ્વર્ણ ટશર છે.

વિહંગો નીડ છોડી, વિહરે છે ગગન ગોખે,

આવ્યું નવલ પ્રભાત છે, એનેય ખબર છે.

કળીઓ ખીલી ચુકી છે, પુષ્પો નું રૂપ ધરવા,

કમળ ની કેદ માંથી, થયો મુક્ત ભ્રમર છે.

આ સૂર્યમુખી ફૂલો, ડોલે પ્રસન્નતા થી,

રવિ-બિમ્બ ની દિશાએ, ઉગમણે નજર છે.

પનિહારીઓ પનઘટ પથે, ચાલે છે મચલતી,

આંખો માં છે ચંચળતા, કદમો માં ડગર છે.

ગો-ધન લઇ ગોપાલકો, વન-પંથે સંચર્યા,

શિર-પાઘ, કરે લાઠી, મુખે ગીત ના સ્વર છે.

દોહી-વલોવી, ગૃહિણીઓ ઘરકામમાં લાગી ગઇ,

શેરી સુધી છે વાળ્યું, ઘર ચોખ્ખું-ચણક છે.

પ્રેમી જનો ય જાગ્યા, જાગી ને રાતભર,

દીવાના ને શું શામ છે, અને શું સહર છે.

શ્રમિકો ય જઈ રહયાં છે, શ્રમ-થાનકે નિજના,

એમને પ્રતિદિન ની, રોટી ની ફિકર છે.

ગામના મંદિર માં, આ આરતી થઇ,

ઘંટારવ, જયકારા તણો, નાદ મુખર છે.

પ્રભાત રોજ આવે, આશાઓ નવી લઇ ને,

અંધાર પર ઉજાસ ના, વિજય નો પ્રહર છે.

સંધ્યા -પ્રભાત, રાત-દિવસ, પ્રકાશ-અંધકાર,

રચેલ રચયિતા નું, આ ચક્ર અફર છે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.