ખુશી ખુશ ખુશાલ હતી.. છેલ્લા વર્ષની પરીક્ષા પુરી થઈ ગઈ.. બધી બેનપણીઓએ મળીને ઉજાણીમાં જવાનું નક્કી કર્યું હતું.. પપ્પાને પુછી જોયું.. જવાની મંજુરી અને એક નવો ડ્રેસ લેવાના વધારાના પૈસા પણ મળી ગયા..
એણે દાદી પાસે જઈને કહ્યું.. “બા, માથામાં તેલ ઘસી દઉં..?”
એ દાદીની લાડકી હતી.. ભણવા જવા નિકળે ત્યારે, કંઈક અટકચાળું કરતી જાય.. ક્યારેક પુછે.. ‘બા , હું કેવી રુપાળી લાગું છું..?’.. તો ક્યારેક માથામાં ટપલી મારતી જાય.. ક્યારેક જીદ કરીને દશ વીસ રુપિયા પડાવે.. તો ક્યારેક ગાલ પર ચુમી લેવડાવે..
દાદીને પણ એ બધું ગમતું.. દાદીએ પુછ્યું.. “આજ મારું આ વાવાઝોડું.. હળવી લેરખી કેમ બની ગયું..?”
ખુશીએ કહ્યું. “બા, એ તો તમારા જેવું કામ પડ્યું ને.. એટલે.. અમે બેનપણીઓ ઉજાણીમાં જઈશું, ત્યાં ચર્ચાની હરિફાઈ રાખી છે.. અમે ભણી લીધું.. એટલે હવે સાસરે જઈશું ને..? એટલે સાસરે જઈને કેમ રહેવું..? એની ચર્ચા કરવાની છે.. બા , મને કંઈક શીખવો ને..”
દાદી હસ્યા.. “લે, તને… પાનબાઈના ભજનના ઢાળ પર ગવાય તેવું એક ગીત શીખવું..”
સાસરીએ જઈને બેની.. સાંઢ થઈને રહેવું.. ને..
માનવી નહીં કોઈની વાત જી..
સાસુ ને સસરા બેની.. ઉભે પગે રેશે.. ને..
નણદી કરે કકળાટ જી.. સાસરીએ જઈને બેની…”
ખુશીએ મોં બગાડ્યું.. “બા.. એવું નહીં.. કંઈક સારું..”
દાદીએ કહ્યું.. “તો સાંભળ.. જો, સામે લીમડાના ઝાડ પર મધુમાલતીની વેલ ચડી છે.. અને પોતાના લાલ, ગુલાબી, સફેદ ફુલોથી ઝાડને સુંદર બનાવી દીધું છે.. વેલ પોતે તો સાવ કોમળ હોય.. પણ એણે ઝાડનો ટેકો લીધો.. અને બધે ફેલાઈ ગઈ..”
“એમ છોકરીઓએ પણ સાસરે જઈ દાદા દાદી, સાસુ સસરા, જેઠ જેઠાણી.. માં મોટા હોય તેનો ટેકો લઈ ખુબ ફેલાઈ જવું.. અને કુટુંબના ઝાડને પોતાના સંસ્કારી વર્તનના ફુલ અને સુગંધથી સમાજમાં સુંદર બનાવી દેવું.. બોલ, છે કંઈ અઘરું..?”
ખુશીએ તાલી પાડી.. “બા , ખુબ મજાનું શીખવ્યું.. પણ બા.. તમે તો જરાય ભણ્યા નથી.. તો ય તમને આવું કેમ આવડે છે..?”
દાદીએ કહ્યું.. “જો , મારા વાળ સફેદ થઈ ગયા છે ને.. એટલે..”
“અરરર.. વાત ને વાતમાં હું તેલ ઘસવાનું તો ભૂલી ગઈ.. લાવો , ઘસી દઉં..”
-જયંતીલાલ ચૌહાણ 23/09/21