ગુરૂત્વાકર્ષણ ટૂંકીવાર્તા – અવસર ચૂકેલા અને માઝા મૂકેલા અહીં કેટલાયે ચકનાચૂર થઈ ગયાં છે

0
593

હું કાળું પણ કામણગારું હતું. અષાઢ ઉતરતો જતો હતો. પવનની પાંખમાં બેસી હું દુનિયાની સફરે નીકળ્યું હતું. પાણીથી છલોછલ એવી મારી કાયા વીશાળ હતી છતાં પવનની મજબૂત ભુજાએ મને બરાબર જકડી રાખ્યું હતું. લોકો ધરતી પરથી મને જોતાં હર્ષિત થતાં હતાં પરંતુ તેઓ કરતાં મારો હર્ષ અનેરો હતો.

સુકાભઠ્ઠ ખેતરમાં બેઠેલો એક માયકાંગલા જેવો ખેડૂત મને નિહાળી ઉભો થઈ ગયો ! હાથ ઊંચો કરી ” આઇવ બાપ …આઇવ ” એવું કૈંક બબડ્યો તે મેં આટલે દૂર પણ સાંભળ્યું. મને ખડખડાટ હસવું આવી ગયું. મારાં પ્રચંડ હાસ્યથી તે ડરી ગયો તોયે તેણે મારાં ઉપરથી નજર હઠાવી નહિ. હસતાં હસતાં મારી આંખોમાંથી અશ્રુ ટપકવાં લાગ્યાં, તે ધરતી પર નાચવા લાગ્યો ! મેં તેને હાથનો અંગુઠો દેખાડી કહી દીધું ‘ આવજે દોસ્ત, મારે હજું ઘણી મુસાફરી બાકી છે, ઘણાં પ્રદેશો જોવાનાં બાકી છે…. તારાં સુકાભઠ્ઠ ખેતરમાં વરસી હું મારું અસ્તિત્વ ખોવાં માંગતું નથી !

થોડું આગળ વધી મેં જોયું એક ઉકરડા પાસે કેટલીક ગાયો કાગળના ડૂચાં માટે ઝ ઘડતી હતી. આવાં દ્રશ્યો જોવાં મારી પાસે વખત ન હતો. ત્યાંથી આગળ વધી જોયું તો થોડે દૂર મેદાનમાં કેટલાક ગીધ – કાગડાઓ મ રેલાં પશુનાં હા ડમાસ ચૂંથતાં હતાં ! મને ઘૃણા થઈ આવી ! મેં ખુબજ તકેદારી રાખી કે આવી ગંદી જગ્યાએ મારું એક ટીપું પણ પડવું જોઈએ નહિ ! એવી ગંદકીમાં બેસવું કોને ગમે?

થોડે દૂર એક વેપારી જેવો માણસ પવાલું ભરી ભરી કૈંક ધાન જેવું વેચતો હતો. એકઠાં થયેલાં લોકો તેને ધિક્કાર તથા અહોભાવની મિશ્ર લાગણીથી તાકી રહ્યાં હતાં ! બાજુમાં આવેલ તળાવમાં કાંકરા ઉડતાં હતાં અને ભાઠાં ઝાડો પર બેઠેલાં કાગડાઓ ‘ કાઉં કાઉં ‘ કરી રહ્યા હતા. એક ક્ષણ તો મને થયું કે આ તળાવમાં વરસીને એને છલોછલ ભરી દઉં, પરંતુ પછી તરતજ મને વિચાર આવ્યો કે આવી બંધિયાર જિંદગીને શું કરે ! મારે હજું ઘણા મુલક જોવાના બાકી હતા ને અત્યારે જ તો મોકો હતો !

હું ત્યાંથી ભાગ્યું. સડસડાટ દૂર ગયાં પછી મેં નીચે જોયું એક મહાસાગર ઘૂઘવતો હતો ! પાણીથી ભરપૂર જાણે લાખો વાદળાઓનો સમૂહ ! મને માન થઇ આવ્યું ‘ આ જ મારી દોસ્તીને લાયક છે ! સંબંધ ને સાહચર્ય હોઈ તો મોટાં સાથે, તુચ્છ ને રાંક સાથે દોસ્તી શું કામની? ‘

સાગરે મને આલિંગન માં લેવાં પોતાના મોજા ઉછળ્યાં ને હું મન મૂકીને વરસી પડ્યું ! થોડીવારમાં જ મેં અફાટ જળરાશિ સાથે ઐક્ય સાધી લીધું. મારું અસ્તિત્વ ભૂંસાઈ ગયું ! મીઠા જળનું બનેલું હું ખારું ઊસ થઈ ગયું. મને ધ્રાસ્કો પડ્યો ! પરંતુ હવે ઘણું જ મોડું થઈ ગયું હતું …. !

કિનારે રહેલા ખડકો મારી સામે ક્રોધભરી નજરે બોલ્યા,

” અરે મૂર્ખ વાદળ ! તને ખબર નથી, જે પોતાનાં અહમને પોસવા ખુબ ઊંચે ને ઊંચે ચઢે છે તે એક દિવસ તારી જેમ જ પસ્તાય છે. તારી કદર કરનારની કદર કરતાં તને આવડ્યું નહિ, તને ખબર છે? અવસર ચૂકેલા અને માઝા મૂકેલા અહીં કેટલાયે ચકનાચૂર થઈ ગયાં છે ! ”

– મહાવીરસિંહ ચુડાસમા / ‘ અંતર્યામી ‘ (અમર કથાઓ ગ્રુપ)