ગુડી પડવો 2022 : જાણો હિન્દુ નવવર્ષનું મહત્વ, તેના પૌરાણિક તથ્ય અને ઉજવણીની રીત.

0
698

હિન્દુ નવું વર્ષ ખૂબ પ્રાચીન સમયથી ચાલી રહ્યું છે, પરંતુ વિશ્વ સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા 2057 ઇસ પૂર્વે તેની નવેસરથી સ્થાપના કરવામાં આવી હતી. વિક્રમ સંવતથી પહેલા 6676 ઇસ પૂર્વે શરૂ થયેલા પ્રાચીન સપ્તર્ષિ સંવતને હિન્દુઓનું સૌથી પ્રાચીન સંવત માનવામાં આવે છે, જેની વિધિવત શરૂઆત 3076 ઈસ પૂર્વે થઇ હોવાનું માનવામાં આવે છે. સપ્તર્ષિ પછી નંબર આવે છે કૃષ્ણની જન્મ તિથીથી કૃષ્ણ કેલેન્ડરનો અને પછી કળિયુગ સંવતનો. કલિયુગની શરૂઆત સાથે, કલિયુગ સંવતની 3102 ઈસ પૂર્વે શરૂઆત થઈ હતી. એ પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ.

(નોંધ : હિન્દી પંચાંગ અને ગુજરાતી પંચાગમાં થોડો તફાવત હોય છે. આ માહિતી હિન્દી પંચાંગ અનુસાર છે અને ફક્ત જાણકારી માટે છે.)

આ વિક્રમ સંવતને પહેલા ભારતીય સંવતનું કેલેન્ડર કહેવામાં આવતું હતું પરંતુ પાછળથી તેને હિન્દુ સંવતના કેલેન્ડર તરીકે પ્રચારિત કરવામાં આવ્યું હતું. જોકે ભારતનું રાષ્ટ્રીય સંવત ‘શક સંવત’ ગણાય છે જે ભારતનું નથી. આ હિન્દુ નવું વર્ષને દરેક પ્રદેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુડી પડવા, હોલા મોહલ્લા, ઉગાડી, વિશુ, વૈશાખી, કશ્મીરી નવરેહ, ચેટીચાંદ, ચિત્રૈય તિરુવિજા વગેરેની તિથી આ નવા વર્ષની આસપાસ આવે છે. મૂળભૂત રીતે તેને નવસંવત્સર અને વિક્રમ સંવત કહેવામાં આવે છે. આવો જાણીએ તેનું મહત્વ અને પૌરાણિક તથ્યો.

હિન્દુ નવા વર્ષનું મહત્વ :

રાજા વિક્રમાદિત્યના શાસન દરમિયાન, ભારતીય વૈજ્ઞાનિકોએ હિન્દુ પંચાંગને આધાર બનાવીને ભારતીય કેલેન્ડર વિકસાવ્યું હતું. આ કેલેન્ડરની શરૂઆત હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા (એકમથી) માનવામાં આવે છે.

તેને નવ સંવત્સર પણ કહેવામાં આવે છે. સંવત્સરના પાંચ પ્રકારો છે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, સાવન અને અધિમાસ. વિક્રમ સંવતમાં દરેકનો સમાવેશ થાય છે. આ વિક્રમ સંવતની શરૂઆત 57 ઈસ પૂર્વે થઈ. તેની શરૂઆત કરનાર સમ્રાટ વિક્રમાદિત્ય હતા, તેથી તેમના નામ પરથી આ યુગનું નામ પડ્યું. એ પછી 78 ઈસમાં શક સંવતની શરૂઆત થઈ.

ઉપર જણાવ્યા મુજબ વર્ષના પાંચ પ્રકાર છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક વગેરે સૂર્ય વર્ષના મહિનાઓ છે. તે 365 દિવસના છે. આમાં વર્ષની શરૂઆત સૂર્યના મેષ રાશિમાં પ્રવેશથી માનવામાં આવે છે. ત્યારબાદ જ્યારે મેષ રાશિનું પૃથ્વીના આકાશમાં ભ્રમણ ચક્ર ચાલે છે, ત્યારે ચંદ્રમાસના ચૈત્ર માસની શરૂઆત પણ થાય છે. આ સમયે સૂર્ય અન્ય કોઈપણ રાશિમાં ગોચર કરતા હોઈ શકે છે.

ચૈત્ર, વૈશાખ, જેઠ વગેરે ચંદ્ર વર્ષના મહિનાઓ છે. ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે, જેની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે. જો ચંદ્ર વર્ષમાં ચંદ્રની કળાઓમાં વૃદ્ધિ થાય છે, તો તે 13 મહિનાનું હોય છે. જ્યારે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં રહીને શુક્લ પ્રતિપદાના દિવસથી વધવાનું શરૂ કરે છે, ત્યારે તેને હિન્દુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. સૌર માસ 365 દિવસનો અને ચંદ્ર 355 દિવસનો હોવાથી દર વર્ષે 10 દિવસનો તફાવત રહે છે. આ દસ દિવસને ચંદ્રમાસ જ માનવામાં આવે છે. તેમ છતાં, આવા વિસ્તૃત દિવસોને મલમાસ અથવા અધિકમાસ કહેવામાં આવે છે.

લગભગ 27 દિવસનો એક નક્ષત્રમાસ હોય છે. તેમને ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા વગેરે કહેવામાં આવે છે. સાવન વર્ષ 360 દિવસનું હોય છે. આમાં એક મહિનાનો સમયગાળો પૂરા ત્રીસ દિવસનો હોય છે.

નવ સંવત્સર વિશે ઘણા લોકો જાણતા નહિ હોય. જ્યારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે નવા સંવત્સરની પણ શરૂઆત થાય છે. જેમ બાર માસ હોય છે તેમ 60 સંવત્સરો હોય છે. સંવત્સર એટલે બાર મહિનાનો સમયગાળો. સૂર્યસિદ્ધાંત અનુસાર સંવત્સરો ગુરુ ગ્રહના આધારે નક્કી થાય છે. 60 સંવત્સરોમાં 20-20-20 ના ત્રણ ભાગ છે જેને બ્રહ્માવિંશતિ (1-20), વિષ્ણુવિંશતિ (21-40) અને શિવવિંશતિ (41-60) કહેવામાં આવે છે.

સંવત્સરને વર્ષ કહેવામાં આવે છે : દરેક વર્ષનું અલગ નામ હોય છે. કુલ 60 વર્ષ થાય છે તો એક ચક્ર પૂરું થાય છે. હાલમાં પ્રમાદી નામનો સંવત્સર શરૂ થયો છે. તેમના નામો આ પ્રમાણે છે – પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવ, યુવા, ધાતા, ઈશ્વર, બહુધાન્ય, પ્રમાથી, વિક્રમ, વૃષપ્રજા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થિવ, અવ્યય, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃતિ, ખર, નંદન, વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલમ્બી, વિલમ્બી, વિકારી, શાર્વરી, પલ્વ, શુભકૃત, શોભકૃત, ક્રોધી, વિશ્વાવસુ, પરાભવ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદ, રાક્ષસ, નલ, પિંગલ, કાલ, સિદ્ધાર્થ, રૌદ્રિ, દુર્મતિ, દુન્દુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન અને અક્ષય.

પૌરાણિક તથ્યો:

1. બ્રહ્મ પુરાણ અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદા (એકમ) ના દિવસે બ્રહ્માએ સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી.

2. સતયુગની શરૂઆત પણ આ દિવસથી જ માનવામાં આવે છે.

3. આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો.

4. નવરાત્રિની શરૂઆત પણ આ દિવસથી જ માનવામાં આવે છે.

5. આ દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક થયો હતો અને સમગ્ર અયોધ્યા નગરમાં વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

6. આ દિવસથી રાત કરતાં દિવસ લાંબો થવા લાગે છે.

7. જ્યોતિષીઓ અનુસાર ચૈત્રી પંચાંગની શરૂઆત આ દિવસથી માનવામાં આવે છે, કારણ કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાનો અંત ચિત્રા નક્ષત્રમાં થવાને કારણે આ ચૈત્ર માસને નવા વર્ષનો પ્રથમ દિવસ માનવામાં આવે છે.

નવું વર્ષ કેવી રીતે ઉજવવું : રાત્રિના અંધકારમાં નવા વર્ષનું સ્વાગત થતું નથી. સૂર્યના પ્રથમ કિરણોનું સ્વાગત કરીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. નવા વર્ષના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ફૂલ, ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરેથી ઘરમાં સુગંધિત વાતાવરણ કરી દેવામાં આવે છે. ઘરને ધ્વજ, પતાકા અને તોરણથી શણગારવામાં આવે છે. બ્રાહ્મણો, કન્યા, ગાય, કાગડા અને કૂતરાઓને ભોજન આપવામાં આવે છે. પછી દરેક જણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. તેઓ એકબીજાને તિલક કરે છે. મીઠાઈઓ વહેંચે છે. નવા સંકલ્પો લેવામાં આવે છે.

(નોંધ : હિન્દી પંચાંગ અને ગુજરાતી પંચાગમાં થોડો તફાવત હોય છે. આ માહિતી હિન્દી પંચાંગ અનુસાર છે અને ફક્ત જાણકારી માટે છે.)

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.