(1) એન ઘેન, દીવા ઘેન…..
એન ઘેન, દીવા ઘેન,
ડાહીનો ઘોડો,
ખડ ખાતો,
પાણી પીતો
રમતો જમતો, છૂટ્યો છે
હાથમાં લાકડી, કમળ કાકડી,
ભાગો ભાગો, ઘોડો ચાલ્યો,
દોડો દોડો,
ના પકડશો,
ડાહીનો ઘોડો, રમતો જમતો, છૂટ્યો છે.
(2) અડકો દડકો દહીં દડૂકો……
અડકો દડકો દહીં દડૂકો,
શ્રાવણ ગાજે પીલું પાકે,
ઊલ મૂલ, ધતૂરાનું ફૂલ,
સાકર શેરડી ખજૂર.
ખજરે ખજરે આમ છે,
પીતાંબર પગલાં પાડે છે,
મોર પાણી ભરે છે, ઢેલ પાણી ઢોળે છે,
રાજિયો ભોજિયો ટીલડીનો ટચાકીયો.
(3) જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી જાય…
જંગલ કેરા પ્રાણીઓની છૂક છૂક ગાડી ચાલી,
સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય,
હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઇવર એ કહેવાય,
મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય,
જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય.
લાંબી ડોકે જિરાફભાઈ જંગલ જોતા જાય,
વરુ અને શિયાળ એના પગમાં અથડાય,
કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય,
હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય.
કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,
પાંદડાની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;
સૌની પાછળ ઝંડી લઈને રીંછભાઈ જાય;
પી-પી સીટી વગાડી, ગાડી ઉપડી જાય.