વિદાય વેળાનું લગ્નગીત – ‘દીકરી તો પારકી થાપણ કહેવાય.’ વાંચો અદ્દભુત ગુજરાતી રચના.

0
595

વિદાય વેળાનું લગ્નગીત :

બેના રે….

સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય,

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે,

રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે,

બેના રે…. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે,

સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે,

બેના રે…. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી,

સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી,

બેના રે…. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય,

દીકરી તો પારકી થાપણ કહેવાય.

ગુજરાતી લોક સાહિત્ય.