“એ બાળક” : નાનકડા બાળ પર બનેલી આ રચના તમારા દિલમાં સ્થાન બનાવી લેશે.

0
885

જોયું, મેં શેરી માં, રમતું એ બાળક,

નાના મોટા સૌને ય, ગમતું એ બાળક,

કોઈ ને જોઈ, અમથું અમથું રડે છે,

કોઈ ને જોઈ, અમથું, હસતું એ બાળક.

હંસે છે, રડે છે, દોડે છે, પડે છે,

પડીને ઉઠે છે, ઉઠી ને, દોડે છે,

સજજાવી કોઈ એ, નથી તોય જાણે,

જીવન-ફિલસુફી ને, સમજતુ એ બાળક.

માં, પાછળ દોડે તો, આગળ એ ભાગે,

શેરીમાં રોજે, બેય ની, રેસ લાગે,

પકડાય તોયે, છૂટી જાય પાછું,

‘મમ્મી’ ને કેવું, પજવતું એ બાળક.

આખી શેરી એની, બધા ઘેર ફરતું,

જયાં જાય ત્યાં, કંઈ નવાજુની કરતુ,

બધે ઘેર, બધાય, શોધી વળે ત્યાં,

અણધાર્યે ઘરથી, નીકળતું એ બાળક.

ઘણાં તેડી-બિયર, ઘણાં છે રમકડાં,

ત્રાઈસીકલ, ને ગાડી, બહુ બધા કપડા,

છતાં, બીજા બાળક નું, જોતાં રમકડું,

એ લેવા ની જીદ, કેવી કરતું એ બાળક.

ફોટા ને જોતાં જ, ‘જે જે’ કરે છે,

તાળી પાડતાં, ‘રાધે રાધે’ કહે છે,

‘જો, તુજને ભુલ્યો નથી હું, હજી પણ’,

ઈશ્વર ને, જાણે કે, કહેતું એ બાળક.

‘ખાતો ન ક્યાંયે’ માં એ કહયું તો,

નૈ ખાઉં’ કહીને, નીકળ્યું એ ઘર થી,

બીજી મિનિટે જ, બાજુ ના ઘરમાં,’

‘બૌવો-ખીચી’ પર ઝપટતું એ બાળક.

મનસુખભાઇ, કાળી મૂછો, ને જાડા,

વહાલ થી બોલાવે, ને ચોકલેટ આપે,

છતાં, એમની પાસ, જાતું ન જલદી,

ઝિઝકતું, અને થોડુંક ડરતું, એ બાળક.

કાલું-કાલું બોલે એ, લહેકાની સાથે,

‘રકાબી’ ને કાયમ, ‘રપાકી’ કહે છે,

ભાષા શુદ્ધિ નો નથી કોઈ આગ્રહ,

કસોટી ભાષા-વિદ ની, કરતુ એ બાળક.

વિલસતું એ બાળક, વિકસતું એ બાળક,

સ્વછન્દે જગમાં વિહરતું એ બાળક,

ગયું પેલા ઘર માં, કરી કિલકારી,

ઘરો માં જ, સ્વર્ગો સરજતું એ બાળક.

ઈશ્વર નું છે, શ્રેષ્ઠ સર્જન એ બાળક,

પોતાની લીલાઓ, એનામાં જુવે છે,

સૂતું હોય ત્યારે તો, દેવદૂત લાગે,

જાણે હોય ઈશ્વર ને, સ્મરતું એ બાળક.

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)