પતિના દુનિયા છોડીને ગયા પછી એકલી એકલી વાતો કરતી પત્નીનું સત્ય તમને ચકિત કરી દેશે, વાંચો આખી સ્ટોરી.

0
899

સાથી…..

લેખન – નટવરભાઈ રાવળદેવ થરા.

અઢારેકની ઉમરે રાજુએ સાસરીમાં પગ મુક્યો. સાસુએ લાડકોડથી રાજુનાં ઓવારણાં લીધાં. આજુબાજુમાં થયેલ ભીડમાંથી ગણગણાટ સંભળાયો રાજુને. ‘શંકરની વહુ તો ભઈ ખુબ રૂપાળી છે હો!

શંકર અને રાજુનું જોડું ખરેખર ભગવાને ખંતે ખંતે ઘડેલું હોય એવું! બાળપણથી જ શંકરનું ઘાટીલું શરીરને એમાં ખેતીનો સખત પરિશ્રમ! તો રાજુ તો જાણે આરસની પૂતળી!

ગામકુવે પાણી ભરવા કે તળાવે બપોરે કપડાં ધોવામાં જો રાજુની હાજરી હોય તો અન્ય સ્ત્રીઓનો ચર્ચાનો વિષય રાજુ જ હોય! એકદમ આછાબોલી અને સતત કામમાં ઓતપ્રોત રાજુ સૌની વ્હાલી.

સવારે બળદ લઈને ખેતરે જતા શંકર સાથે રાશવા પાછળ ચાલતી રાજુને જોઈને રસ્તામાં કોઈક તો ટકોર કરે જ. એ રાજુવઉં! એમ હાવ ચ્યેડે સું હેડો સો! અમારે શંકરભઈ પણ હાવ કાઢી નાખે એવા નથી હો!

ના કાચી! એવું નથી હોં! પણ આ મારગમાં એમ હાથમાં હાથ નાખીને થોડું હેંડાય!

બન્ને પતિ પત્ની વચ્ચેની મર્યાદા, પ્રેમ અને અન્ય સાથેનું વર્તન એટલું સુંદર કે દુશ્મનનેય કહેવું પડે કે, ‘જોડી તો ભાઈ શંકર -રાજુની!

ત્રણ વરસના સંસાર સુખમાં જ શંકરને ત્યાં પારણું બંધાયું. રાજુ દિકરાની મા બની. આખા ગામમાં ગોળ વહેંચાયો. શંકર-રાજુના આનંદનો કોઈ પાર નથી. પતિ પત્ની અને મા વચ્ચેની મીઠી ચર્ચા પછી દિકરાનું નામ કેશવ રખાયું.

દિકરો કેશવ અગિયાર વર્ષનો થયો ત્યારે એકસાથે બે ઘટનાઓ એક જ વર્ષમાં ઘટી ગઈ. રાજુનાં સાસુ અઠવાડિયાની ટુંકી બિમારીમાં જ દુનિયા છોડી જતા રહ્યા. આ ઘટનાને માત્ર ત્રણ મહિના થયા ત્યારે આઘાતજનક બનાવ બની ગયો.

બપોરના સમયે રાજુ શંકરને ભાતું ખવડાવવા ખેતરે ગઈ. શંકર હળ ચલાવી રહ્યો હતો. ખેડવાનું થોડુંક જ બાકી હોવાથી હળ છોડ્યા વગર બળદોને ખેતરની વાડ પાસે છાંયડે ઉભા રાખીને એ પણ છાંયડે ભાતું ખાવા આવ્યો. પતિ પત્ની સાંસારિક વાતો કરતાં કરતાં જમી રહ્યાં હતાં એ વખતે જ નજીકમાં ક્યાંક સુતળી બોમ જેવો ધડાકો થયો. શંકરે હમણાં જ નવો લાવેલ એક ઘાઘડીયો (યુવાન બળદ) ભડક્યો. ભડકીને હળ લઈને દોડ્યો. શંકર જમતાં જમતાં ઉભો થાય એના પહેલાં તો હળ શંકરના પેટમાં પેસી ગયું. રાજુ સાવ સેઢા પર બેઠેલ હતી એટલે બચી ગઈ.

હતું એટલું જોર એકઠું કરીને રાજુએ બળદેય ઉભા રાખ્યા. દોડીને શંકરને હળથીય અલગ કર્યો પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. રાજુ ચિત્કારી ઉઠી. એ ચિત્કારથી સીમ ધૃજી ઉઠી. આડોશ પાડોશના ખેતરોવાળા દોડીને ભેગા થઈ ગયા.

‘બચાવો કોઈ! બચાવો કોઈ!’ ના પડઘા સાવ નકામા હતા…. ‘મું નઈ જાવા દઉં તમને, મું નઈ જાવા દઉં તમને’-પોકાર સાવ વ્યર્થ હતો…..

દોડી આવેલ સૌએ મહામહેનતે શંકરના અચેતન દેહ અને રાજુને અલગ કર્યાં. સૌએ નિસાસો નાખ્યો શંકરને જોઈને…. પુરુ થઈ ગયું!

આખા ગામમાં કરુણતા છવાઈ ગઈ. રાજુ જડ બની ગઈ… કેશવ નબાપો થઈ ગયો.

સવા મહિને રાજુએ ઘરનો ખુણો છોડીને ખેતરમાં પગ મૂક્યો. જડવત્ તો હતી જ! સાથે સાથે શંકરના સબંધોની ભૂતાવળ મન પર સવાર થઇ ગઈ.

ખેતરમાં જ આજ પહેલા દિવસે રાજુ વલવલવા લાગી, ‘ખબેર સે તમને! આ ખુણાવાળા ચેરામાં આપણે રજકો વાઢીને ભારો બાંધ્યો’તો? તમે ઘણીય ના પાડી તોય બળ્યું મેં ભારો જાતે ઉપાડવાની જીદ કરીને ભારો ઉપાડ્યો! એમાં કેડ્યનો મણકો ખસી જ્યો ને વીસ હજારના ખરસામાં પેસી જ્યાં! મારા પગનાં કડલાં વેસવાં પડ્યાં ને આખા વરહની સીજન એમાં ખર્સાઈ એ નોખું! તોય કોય દા’ડો તમે આટલોય ઠેહ ઠબકો મને ના આલ્યો!

ખેતરના ભાગીયા અને એની પત્નિએ રાજુને ઘણીયે સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો…… રાજુને વાસ્તવિકતાનું ભાન થતાં જ સૂનમુન બની ગઈ.

વળી એક દિવસ વાડ પાસે બેસીને રડતા અવાજે…. ‘ખબેર સે તમને! આંય તમે વાડ્ય કરી રયા’તા? મું વળી તમને આઘે ઉભી ઉભી કાંકરીસાળો કરી રઈ’તી. એમાં આ થોરીયાને કાંકરી અડતાં એનું દુધ તમારી આંસ્યમાં પડ્યું’તું? ચેટલાંય દ વા ડા રુ પસી પનર દા’ડે સારુ થ્યું તમને. તોય તમારા મુંઢામાંથી મારા માટે એક ખોટો શબદેય ના આયો!’

ભાગીયાની પત્નિએ રાજુને ઘણોય દિલાસો આપ્યો.

એય હાંભળો સો! આપણો કેશવ બાર મઈનાંનો હતો ને તમે બાજરીનું હાલરૂ હાકતા’તા!મું એને ખળામાં આઘે બેસીને રમાડતી’તી એમાં એ બાજરીનું ડુરુ ગળી જ્યો. ઉલટીઓ ઉપર ઉલટીઓ કરે. આપડે ગાંમમાં જઈને ઘણાંયને વતાયું પણ કાંય ફેર ના પડ્યો એટલે તમે ઘી ની બાધા રાખેલી કે બાર મઈના ઘી નઈ ખઉં!

બાર મઈને કુળદેવી આગળ કેશવને સાકર ભાર્યોભાર જોખણું કરીને પછી જ ઘી મુંઢામાં મેલીશ. જમનાએ તો કેશવને જોઈને પછી એના ગળામાં માંખણ હાર્યે આંગળી નાખીને ડુરુ ઘડીકમાં કાઢી નાસ્યું પણ તમે બાર મઈના ઘી વગર રોટલો ખાધો. ભુલ્ય મારી હતી ને બાર મઈના વેઠ્યું તમે તોય કોય દા’ડો કાંય બોલ્યા જ નઈ. મું ચેટલી નસીબદાર સું કે તમારા જેવો ધણી મળ્યો!

ઘીમે ઘીમે ગામ આખામાં ચર્ચાઓનો દોર શરુ થઈ ગયો. આ કયા ભવનાં લેખાં હશે? મરદ જેવો આદમી કમોતે મ ર્યોને બાયડી ગાંડી થઈ ગઈ!!!!

‘સાંભળો સો તમે! કાલ્યે તમારો ભઈબંધ રૂડોભઈ આપડા ઘરે આયા’તા. મને દહ હજાર રૂપિયા આલતા’તા પણ મેં ના પાડી. કીધું કે છોકરાને પૈણાઈશું એ વખતે જરુર પડશે તો તમને કઈશ. એ ખુબ રો’તાતા એટલે મેં કીધું કે રોશો નઈ. તમારા ભઈને કાંય નથી થ્યું. અમે ખેતરમાં કાયમ વાતો કરીએ સે. ખબેર સે ને તમને! રૂડાભઈની બેનના વિવા ‘ હતા ને આપડી પાહે પાંસ હજારના ટેકા માટે આયા’તા. મેં મારા ગળાનો દોઢ તોલાનો દોરો કાઢીને તમને આલ્યોને તમે એ વેસીને પસી થોડા ખુટતા પૈસા ઘરમાંથી કાઢીને આલ્યા’તા?

પસી તો રૂડોભઈ પાંસ વરસ્યે વિયાજ ભેગા પૈસા આલી જ્યા પણ આપડે વિયાજ ના લીધું તે એમણે નવસારીથી મારા અને તમારા માટે લુઘડાં મોકલાયાં’તાં? અતારેય એમને હીરાનાં કારખાનાં ખુબ હારાં હેંડે સે. અને હાંભળો સો તમે! આપડા કેશવની કોઈ ચંત્યા તમે ના કરતા. એ તો નવસારીમાં રૂડાભઈના ઘરે મજામાં સે ને ખુબ હારુ ભણે સે.

હવે તો ભાગીયો અને તેની પત્નિ પણ ટેવાઈ ગયાં હતાં.

હાંભળો સો તમે! આજ તો કાંનોકાંન હાભળ્યું સે આપડા કુટુમમાં…. સંપામા કેતાં’તાં કે આ રાંડીરાંડને કોય પેહવા ના દેસ્યો. આંમેય ગાંડી સે એટલે લાંબું નઈ જીવે ને ઓલ્યો કેશલો તો નવસારીમાં જ આયખું પૂરું કરશ્યે એટલે આ ખેતર પાદર બધુંય આપડું જ સે. પણ તમે ચંત્યા ના કરતા હો! મું વાઝેણ જેવી બેઠી સું.

કેશવનાં લગ્ન લેવાઈ ગયાં ને ઘર પ્રમાણે વહુ પણ આવી ગઈ.

કેશવના સગપણ બાબતે તો શરૂ શરૂમાં ખુબ મુશ્કેલી આવેલી. જ્યાં પુછાય ત્યાં થોડા સમયમાં સમાચાર પહોંચી જાય કે ‘સાસુ ગાંડી છે’. સૌ પાછાં પડે પરંતુ જાનકી આ બાબતે તૈયાર થઈ ગઈ.

સાસરીમાં આવીને જાનકીને સાસુનો ખુબ સારો અનુભવ થયો. ભલે આખું ગામ રાજુને ગાંડી કહે પરંતુ જાનકીને એવું કશું જ લાગ્યું નહીં કારણ કે જાનકીના આવ્યાના બીજા જ દિવસે રાજુએ દિકરા વહુને પાસે બેસાડીને કહ્યું, ‘જો કેશવ, જોવો વઉૈ બેટા. આખું ગાંમ મને ગાંડી કે’સે પણ એવું કાંય નથી. એ મને કાયેમ દેખાય સે. મું એમની હાર્યે કાયેમ વાતો કરુ સુ. મું એમને ચ્યારેય ભુલી એકું એમ નથી એટલે બધાંય મને ગાંડી ગણે સે પણ મું ગાંડી નથી હો! બસ, ભગવાંનના ઘરનું હવે તેડું આવે તો ઉપડી જઉ એમને મળવા.

કેશવ જાનકી રડી પડ્યાં આટલું સાંભળતાં તો! મા તમે અટાણે “તેડા” ની વાત ના કરો. હું તમારી જીંદગીભર સેવા કરીશ અને આપણા પરિવાર વિશે તો ઘણું બધું કીધેલું છે તમારા દિકરાએ. રાજુના ખોળામાં માથું નાખીને કેશવ -જાનકી ખાસ્સું રડ્યાં.

આજે રાજુના આંગણે ખુશીનો દિવસ છે. જાનકીએ સવા મહિના પહેલાં તેના પિયરમાં પુત્રને જન્મ આપ્યો હતો ને આજે એ સાસરીમાં આવી રહી છે.

એ ઘડી આવી ગઈ. સૌ સગાં સબંધી આ પ્રસંગને માણી યથાયોગ્ય ભેંટસોગાદો સાથે રવાના થયાં.

દિવસ વીતી ગયો. બીજી સવારે રાજુએ પૌત્રને નવડાવવા માટે ખોળામાં લીધો….. લાગે તો છે તારા દાદા જેવો જ!

અચાનક રાજુની નજર પૌત્રના ડાબા ખભાના પાછલા ભાગ પર પડી…..

હોય નઈ!હા….. એ જ “લાખું”.(નિશાની) એ પણ કંકુનું! એ જ રંગ! એ જ રૂપ! એ જ લાખું!

‘લ્યો તારે! મું હવે ચ્યમ મોડું કરુ? આ જ ઘરે એક દા’ડો ફેર પાસી બેડું ઉપાડવા આવીશ્ય….’

જાનકીએ સાસુના શબ્દો સાંભળીને દોટ મુકી. દિકરો રાજુના નિશ્ચેતન દેહ પર રડી રહ્યો હતો. જાનકીએ પાંચેક મિનિટ એને રડવા જ દીધો……

લેખન – નટવરભાઈ રાવળદેવ થરા. (અમર કથાઓ ગ્રુપ)