જાણો શું ફરક છે ગુજરાતી વર્ષ અને હિન્દી વર્ષમાં? ઘણી કામની છે આ માહિતી.

0
1878

ગુજરાત અને ગુજરાત બહાના ગુજરાતીઓ જે હિન્દૂ વર્ષને અનુસરે છે એ વિક્રમ સંવત તરીકે ઓળખાય છે. (રાજા વિક્રમાદિત્યે આ સંવત શરૂ કરી હોવાની માન્યતા છે.)

તો, ઉત્તર ભારતના યુપી, બિહાર, દિલ્હી તેમજ નેપાળમાં સુધ્ધાં, આ જ વિક્રમ સંવતને અનુસરીને તહેવારો ઉજવાય છે.

પરંતુ આપણા અને તેમના કેલેન્ડરમાં અમુક ફરક છે જે આપણા મનમાં ક્યારેક ગૂંચવણ અને પ્રશ્નો ઉત્પન્ન કરે છે. પણ જો થોડું સમજી લઈએ તો વસ્તુ દિવા જેવી ચોખ્ખી થઈ જાય.

હિન્દી ભાષીઓના મત પ્રમાણે એમનું વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર શરૂ થયું એના ૫૭ વર્ષ પહેલાં જ ચૈત્ર સુદ ૧ થી શરૂ થયું હતું.

પણ ગુજરાતી માન્યતા પ્રમાણે, ઇ.સ.ના ૫૬ વર્ષ પહેલાં, કારતક સુદ ૧ થી આપણું વિક્રમ સંવત શરૂ થયું હતું.

એટલે કે હિન્દી વિક્રમ સંવત કરતાં ૭ મહિના મોડું ગુજરાતી સંવત શરૂ થયું.

તો પછી, અત્યારે આપણું વિક્રમ સંવત ક્યુ ચાલે છે એ જો યાદ ન હોય તો આજના અંગ્રેજી વર્ષ ૨૦૨૧ માં ૫૬ વર્ષ ઉમેરી દેવાના. (કારણ સંવતની શરૂઆત અંગ્રેજી વર્ષ કરતા ૫૬ વર્ષ પહેલાં થઈ છે.) આમ ૨૦૨૧+૫૬=૨૦૭૭ એ આપણું વિક્રમ સંવત વર્ષ અત્યારે ચાલે છે.

(આમ કોઈપણ વર્ષ દરમ્યાન વિક્રમ સંવત વર્ષ જાણવા, એ અંગ્રેજી વર્ષમાં ૫૬ વર્ષ ઉમેરીને આમ ગણતરી કરી લેવી.)

તે ઉપરાંત, ગુજરાતી સંવત અને હિન્દી સંવતમાં બીજો એક ફરક એ છે કે તે ચૈત્ર મહિનાથી શરૂ થાય અને વૈશાખ, જેઠ, અષાઢ એમ ૧૨ મહિના બાદ ફાગણ માસે પૂરું થાય. જ્યારે ગુજરાતી સંવત વર્ષ કારતકથી શરૂ થઈને આસો માસમાં પૂરું થાય.

ચૈત્ર સુદી એકમથી હિન્દી વિક્રમ સંવત શરૂ થતું હોવાથી સમગ્ર હિન્દી ભાષીઓ નવું વર્ષ તે દિવસે ઉજવે છે જેને ગુડી પડવો તરીકે આપણે જાણીએ છીએ.

જો કે, જે થોડો વધુ ગૂંચવણભર્યો લાગે, તે ફરક એ છે કે, હિન્દી સંવતમાં એ લોકોનો કોઈપણ મહિનો વદ એકમથી શરૂ થાય. તો પછી, મહિનામાં મધ્યમાં અમાસ આવે. ત્યારબાદ સુદ પક્ષના પંદર દિવસ આવે અને એ પછી પૂર્ણિમાના દિવસે એમનો મહિનો પૂરો થાય.

અને માટે જ તેમનો કોઈપણ મહિનો ગુજરાતી મહિના કરતા ૧૫ દિવસ વહેલો શરૂ થાય અને ૧૫ દિવસ વહેલો પૂરો થઈ જાય છે.

ઉદાહરણ તરીકે, આપણા અષાઢ વદ ૧ ની તિથિ હોય ત્યારે, એ લોકોનો શ્રાવણ માસ શરૂ થઈ જાય. એટલે પછીના પંદર દિવસ આપણો અષાઢ ચાલતો હોય, તો ઉત્તર ભારતમાં શ્રાવણ ઉજવાતો હોય છે.

ત્યારબાદ પંદર દિવસ પછી અમાસે આપણો અષાઢ પૂરો થાય તો એમનો શ્રાવણ અડધો વીતી ગયો હોય. તે પછી આપણો શ્રાવણ શરૂ થાય એ સુદ પક્ષના પંદર દિવસ બાદ પૂનમના દિવસે ત્યાં શ્રાવણ પૂરો થઈ જાય જ્યારે આપણે અડધો શ્રાવણ હજુ બાકી હોય છે.

માટે જે હવેલીપંથીઓ હશે એ લોકોને હવે ખ્યાલ આવશે કે, હવેલીમાં શ્રાવણ માસના હિંડોળા-દર્શન આપણા અષાઢ વદ એકમથી શું કામ શરૂ થઈ જાય છે, તથા રાખડીપૂનમ પછી કેમ હિંડોળા-દર્શન નથી ઉજવાતા.

એનું કારણ એટલું જ કે ઉત્તર ભારત કે જ્યાં ગોકુળ મથુરા આવેલા છે, ત્યાં રાખડીપુનમના દિવસે શ્રાવણ પૂરો થઈ જાય છે અને બીજે દિવસે વદ પક્ષથી ત્યાં ભાદરવો શરૂ થઈ જશે.

આમ આપણા અષાઢ પુનમથી શ્રાવણ પૂનમ સુધી એ લોકોનો શ્રવણ માસ હોવાથી હિંડોળા-દર્શન પણ એ પ્રમાણે જ આપણી હવેલીમાં ઉજવાય છે.

ટૂંકમાં, વદમાં આપણો અને એમના મહિનાના નામમાં ફરક હોય પણ સુદ પક્ષમાં બેઉનો મહિનો એક થઈ જાય. ને વળી વદ પક્ષ આવતા મહિનો ફરક આવી જાય.

આમ, વદ પક્ષમાં મહિનો શરૂ થવાથી, આપણા આસો વદ એકમથી એમનો કારતક શરૂ થઈ જશે, તો દિવાળીને દિવસે હિન્દી ભાષીઓની તિથિ કારતક વદ અમાસ હશે જ્યારે આપણી આસો વદ અમાસ.

જોકે પછી આપણી દેવ-દિવાળી કારતક સુદ પૂનમને દિવસે એમની પણ એ જ તિથિ હશે, કારતક સુદ પૂનમ અને એ દિવસે એમનો કારતક પૂરો થશે ને બીજે દિવસથી માગશર શરૂ પણ થઈ જશે, જ્યારે આપણે કારતક વદ ના પંદર દિવસ બાકી હશે.

તો આ ફરક છે ગુજરાતી સંવત અને હિન્દી સંવત વર્ષમાં.

એક વાત એ પણ વિચારવા જેવી છે કે એ લોકો વદ પક્ષથી મહિનો શરૂ કરે એટલે અમાસને દિવસે અડધો માસ થાય જેને અર્ધ-માસ કહેવાય આ અર્ધ-માસ એટલે અમાસ.

તથા એ પછીના પંદર દિવસ બાદ પૂર્ણિમાના દિવસે એમનો માસ પૂરો થાય એટલે પૂર્ણ-માસ ગણાય. તો પૂર્ણ-માસ એટલે પૂર્ણિમા..!

એ પ્રમાણે જે નામકરણ થયું તે એ લોકોની પદ્ધતિમાં બંધબેસતુ લાગે છે, જ્યારે આપણે પૂર્ણિમા (પૂર્ણ-માસ) અધવચ્ચે આવે ને અમાસ (અર્ધ-માસ) છેલ્લે આવે છે.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)