ગુરુએ શિષ્યો પાસે ગુરુદક્ષિણામાં માંગ્યા સુકા પાંદડા, તેની પાછળનું કારણ આપણને અગત્યની વાત શીખવે છે. 

0
576

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ અન્ય લોકોને અને વસ્તુઓને નકામી માને છે અને તેમની અવગણના કરતા રહે છે. જ્યારે સત્ય એનાથી વિરુદ્ધ પણ હોય છે. જેઓ કોઈ કામના જણાતા નથી, તેઓ જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ કામના નીકળે છે.

ઘણીવાર જે લોકો કે વસ્તુઓને આપણે નકામી માનતા હોઈએ છીએ, તે ક્યારેક આપણું મોટામાં મોટું કાર્ય પણ પૂરું કરી દે છે. આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે સમજાવે છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી. દરેકનો પોતાનો ઉપયોગ હોય છે.

જ્યારે ગુરુએ શિષ્યો પાસે સૂકા પાંદડા માંગ્યા :

એક ગુરુકુળમાં ત્રણ શિષ્યોએ તેમનો અભ્યાસ પૂરો કર્યા પછી પોતાના ગુરુને વિનંતી કરી કે, તેમને ગુરુદક્ષિણામાં લઇ વસ્તુ જોઈએ છે તે જણાવો. ગુરુએ તેમને કહ્યું, “મારે તમારી પાસેથી ગુરુદક્ષિમાંણા સૂકા પાંદડાઓથી ભરેલો થેલો જોઈએ છે, શું તમે તે લાવી શકશો?”

તે ત્રણેય શિષ્યો ખૂબ જ ખુશ થયા કારણ કે તેમને લાગ્યું કે, તેઓ તેમના ગુરુની ઈચ્છા ખૂબ જ સરળતાથી પૂરી કરી શકશે. સુકા પાંદડા જંગલમાં બધે પથરાયેલા હોય છે. આથી તેઓ ઉત્સાહપૂર્વક એક સાથે બોલ્યા – “જી ગુરુજી, જેમ તમે આદેશ આપ્યો છે તેમ જ કરીશું .”

ત્રણે શિષ્યો જંગલમાં પહોંચ્યા. પરંતુ ત્યાં માત્ર મુઠ્ઠીભર સૂકાં પાંદડાં જ હતાં. તે જોઈને તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેમને આશ્ચર્ય થયું કે જંગલમાંથી સૂકા પાંદડા કોણે લઇ લીધા હશે?

એટલામાં તેમણે દૂરથી એક ખેડૂતને આવતો જોયો. શિષ્યોએ વિચાર્યું કે કદાચ તેમની પાસે સૂકા પાંદડા હશે. તેઓ ખેડૂત પાસે પહોંચ્યા અને સૂકા પાંદડા માંગ્યા. ખેડૂતે તેમને કહ્યું કે, તે પહેલાથી જ સૂકા પાંદડાનો બળતણ તરીકે ઉપયોગ કરી ચૂક્યો છે. ખેડૂતે એક વ્યક્તિનું સરનામું જણાવ્યું અને કહ્યું કે તમને આમની સાથે સૂકા પાંદડા મળી શકે છે.

હવે ત્રણ શિષ્યો તે સરનામાં પાસે ગયા અને તે માણસને મળ્યા અને તેમની પાસેથી સૂકા પાંદડા માંગ્યા. પેલા માણસે કહ્યું કે : “મેં સૂકાં પાંદડાંમાંથી દડિયા બનાવીને વેચી દીધા છે. પણ નજીકમાં એક વૃદ્ધ મહિલા રહે છે, તેમની પાસેથી તમને સૂકાં પાંદડા મળી શકે છે.

ત્રણ શિષ્યો વૃદ્ધ મહિલા પાસે ગયા અને સૂકા પાંદડા માંગ્યા. તે વૃદ્ધ મહિલાએ કહ્યું કે “મેં તે પાંદડાઓમાંથી ઔષધિ બનાવી દીધી છે.” આ સાંભળીને ત્રણેય શિષ્યો નિરાશ થઈ ગયા અને ખાલી હાથે ગુરુકુળમાં પાછા ફર્યા. તેમણે પોતાના ગુરુને કહ્યું કે, “ગુરુદેવ, અમે તમારી ઈચ્છા પૂરી કરી શક્યા નહીં. અમે વિચાર્યું હતું કે, સૂકા પાંદડા નકામા હોય છે તેથી તે આખા જંગલમાં પથરાયેલા હોવા જોઈએ, પરંતુ જયારે તેને શોધવા ગયા તો ખબર પડી કે ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે.

ગુરુએ શિષ્યોને કહ્યું, “તમે નિરાશ કેમ છો? તમને આજે જે જ્ઞાન મળ્યું છે તે જ મારી ગુરુદક્ષિણા છે.” પછી ત્રણેય શિષ્યો ગુરુને પ્રણામ કરીને ખુશીથી પોતપોતાના ઘર તરફ ગયા.

બોધ : જગતમાં કંઈ પણ નકામું નથી હોતું. દરેક વસ્તુનું, દરેક વ્યક્તિનું પોતાનું મહત્વ હોય છે. કેટલીક વખત આપણને જે નકામું લાગતું હોય તે પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેથી કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુને નકામી ન ગણવી જોઈએ.