જ્ઞાન અને ભક્તિના સાધનથી અહંતા-મમતાનો અભાવ ભાગ – 2 : જાણો કેવું જીવન જીવનારને પ્રભુ મળે છે.

0
176

એક હજામ અને બહુરૂપીની આ સ્ટોરી દ્વારા સમજો વ્યક્તિએ કેવા ભાવ સાથે જીવન જીવવું જોઈએ.

ભગવાને ગીતામાં જણાવ્યું છે –

ये त सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।

अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥

तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।

भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૧૨/૬-૭)

“પરંતુ મારા પરાયણ રહેનારા જે ભક્તજનો સમસ્ત કર્મો મને અર્પણ કરીને સગુણરૂપ મુજ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા રહીને ભજે છે, હે અર્જુન! તે મારામાં ચિત્ત જોડનારા પ્રેમી ભક્તોનો હું શીઘ્ર જ મૃત્યુરૂપી ભવસાગરમાંથી ઉદ્ધાર કરનારો થાઉં છું.” તેવો ભક્ત હરહંમેશ કર્મ કરતો હોવા છતાં પણ કશું જ કરતો નથી અને ભગવાનની કૃપાથી ભગવાનને પ્રાપ્ત કરે છે.

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्वयपाश्रयः ।

मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥ (શ્રીમદ્ભગવદગીતા -૧૮/૫૬)

“મારા પરાયણ રહેલો કર્મયોગી ભક્ત બધાં જ કર્મો કરતો રહીને પણ મારી કૃપાથી સનાતન અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે.” તેથી, ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેવા જ બનવા આજ્ઞા કરે છે –

चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।

बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૧૮/૫૭)

“બધાં કર્મો મનથી મને અર્પણ કરીને તથા સમબુદ્ધિરૂપી યોગનું અવલંબન કરીને, મારા પરાયણ બનીને નિરંતર મારામાં ચિત્ત રાખનાર થા.”

ઉપર્યુક્ત પ્રકારે સાધન કરતાં કરતાં મનુષ્ય જ્યારે ભગવાનને સર્વથા શરણે થઈ જાય છે ત્યારે તેનામાં અહંતા-મમતાનો સર્વથા અભાવ થઈ જાય છે અને તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે તથા તે પછી તો તે ગીતા-વચન પ્રમાણે ભગવાનનો જ્ઞાની ભક્ત બની જાય છે –

अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।

निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥

संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।

मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૧૨/૧૩-૧૪)

“જે મનુષ્ય સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવરહિત, સ્વાર્થભાવરહિત, સર્વનો પ્રેમી અને નિર્હેતુક દયાળુ છે તથા મમતારહિત, અહંકારરહિત, સુખદુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાવાન છે અર્થાત્ અપરાધીઓને પણ અભય આપનારો છે તેમ જ જે યોગી નિરંતર સંતુષ્ટ રહે છે, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખે છે અને મારામાં દૃઢ નિશ્ચયવાળો છે તે પોતાનાં મન-બુદ્ધિને મારામાં અર્પણ કરી દેનારો મારો ભક્ત મને પ્રિય છે.”

આ જ ભગવાનને પ્રાપ્ત કરનારા મનુષ્યની કસોટી છે. આ રીતે ભગવાનનો સાધક ભક્ત અનન્ય ભક્તિ દ્વારા પોતાનાં નેત્રો વડે ભગવાનનાં સાક્ષાત્ દર્શન પામીને અને શુદ્ધ બુદ્ધિથી ભગવાનને તત્ત્વતઃ યથાર્થરૂપે જાણીને ભગવાનમાં તદ્રુપ થઈ જાય છે. ગીતામાં ભગવાન પણ કહે છે –

भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।

ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ॥

मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।

निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૧૧/૫૪-૫૫)

“પરંતુ હે પરંતપ અર્જુન! આ પ્રકારના રૂપવાળા મને પ્રત્યક્ષ જોવો, મને તત્ત્વતઃ જાણવો તથા મારામાં પ્રવેશ કરવો – અર્થાત્ એકાત્મભાવે મને પ્રાપ્ત કરવો એ અનન્ય ભક્તિ વડે શક્ય છે. હે અર્જુન! જે મનુષ્ય કેવળ મારા માટે જ સમસ્ત કર્મો કરનારો છે, મારા પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિરહિત છે અને સમસ્ત ભૂતો-પ્રાણીઓમાં વેરભાવરહિત છે તે અનન્ય ભક્તિવાળો ભક્ત મને જ પ્રાપ્ત કરે છે.”

આ રીતે જ્ઞાનમાર્ગમાં તો ‘હું સાક્ષાત્ પૂર્ણબ્રહ્મ પરમાત્મા છું’ – એ રીતે મોટામાં મોટા બનીને અહંકારનો નાશ કરવાનો છે, જ્યારે ભક્તિમાર્ગમાં ‘હું બધાંનો સેવક છું, દાસાનુદાસ છું, ચાકર છું, બધાંના ચરણોની ધૂળ છું, હું કંઈ જ નથી’ – એ રીતે નાનામાં નાના બનીને અહંકારનો નાશ કરવાનો છે. સૌથી પહેલાં દેશ, જાતિ, વર્ણ, આશ્રમ વગેરે વિશેના સાંસારિક અહંકારનો નાશ કરવાનો છે; એ પછી જ અંતમાં ‘હું ભક્ત છું, સાધક છું’ – એવા શુદ્ધ અહંકારનો નાશ થાય છે.

જ્ઞાનમાર્ગમાં તો યથાર્થ જ્ઞાનથી બધા પ્રકારના અહંકારનો નાશ થાય છે, જ્યારે ભક્તિમાર્ગમાં ભગવાનની કૃપાથી બધા પ્રકારના અહંકારનો નાશ થાય છે. આ બંનેય સાધનો થકી અહંતા-મમતાનો નાશ થતાં તે મનુષ્યનાં કર્મ અકર્મ બની જાય છે. એનું ‘કરવું’ ‘થવું’માં બદલાઈ જાય છે; તથા આ બંનેય માર્ગના સાધકોને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ અંતિમ ફળ તો બંનેયનું એક જ છે. (જુઓ, શ્રીમદભગવદગીતા – ૧૮/૫૪-૫૫ તથા ૧૧/૫૪-૫૫.)

પરંતુ બાહ્ય રીતે ભક્તનો વ્યવહાર (વર્તન, આચરણ) તેવો જ હોય છે કે જેવો ઉચ્ચ કોટિના સાત્ત્વિક સાધકનો વ્યવહાર હોય છે. લૌકિક દૃષ્ટિમાં તે બ્રહ્મચારી, સાધુ કે ગૃહસ્થ – જે પણ હોય તે, પરંતુ પોતાના સ્વાંગ અર્થાત્ સ્વ-ધર્મ પ્રમાણે તેનો વ્યવહાર શ્રેષ્ઠ બ્રહ્મચારી, શ્રેષ્ઠ સાધુ કે શ્રેષ્ઠ ગૃહસ્થ તરીકેનો હોય છે, તેમાં સ્વાભાવિક જ કોઈ દોષ આવતો નથી, તે પોતાના સ્વાંગને લજાવતો નથી. આ વિશે એક નાની વાર્તા છે.

એક બહુરૂપી હતો. તે પોતાના સ્વાંગને (અર્થાત્ પોતે જે વેશ લે તેને) અદલ પૂરેપૂરો પ્રસ્તુત કરતો હતો, તેમાં લેશમાત્ર પણ દોષ અર્થાત્ ત્રુટિ આવવા દેતો ન હતો. તે એક દિવસે રાજા પાસે ગયો અને બક્ષિસ મેળવવાના આશયથી તેણે રાજાને કહ્યું – ‘તમે કયો સ્વાંગ જોવા માગો છો?’ રાજાએ કહ્યું – ‘તમે કેસરી સિંહનો સ્વાંગ કરી બતાવો.’

બહુરૂપીએ વિનંતી કરી – ‘સિંહનો સ્વાંગ કરી બતાવવાનું ન કહો. તે સ્વાંગ ઘણો ક્રૂર છે. જ્યારે સિંહના વેશમાં હું આવીશ ત્યારે હું સિંહના સ્વભાવને અનુરૂપ જ ક્રિયા કરીશ; એમાં કોઈ દોષ કે ત્રુટિ આવવા નહિ દઉં, સ્વાંગને લજવીશ નહિ. તે સમયે સ્વાંગ સાચવવા ખાતર મારાથી કોઈ અપરાધ થઈ જાય તો તેને તમારે ક્ષમા કરવાનો રહેશે.’

રાજાએ કહ્યું ‘બહુ સારું. સ્વાંગ સાચવવા ખાતર તમારાથી કોઈ અપરાધ થશે તો તે ક્ષમ્ય ગણવામાં આવશે. તમે સિંહનો સ્વાંગ બતાવો.’ આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને તેથી સર્વે નગરજનો સાવચેત થઈ ગયાં.

તે બહુરૂપી બીજે દિવસે સિંહ બનીને ગર્જતો, ત્રાડ નાખતો બજાર વીંધીને રાજદરબારમાં આવી પહોંચ્યો. નગરજનો અને રાજસભાના સભ્યો – એ બધા સ્તબ્ધ બનીને ચૂપચાપ તે સિંહને જોતા રહ્યા; પરંતુ રાજાના એક નાના દીકરાએ ‘હું રાજકુમાર છું’ એવા અભિમાનમાં આવીને સિંહની ગુદામાં એક દાતણ ઘુસાડી દીધું, ત્યારે તે સિંહે બે હાથથી – આગળના પગના બંને પંજાઓથી પેલા રાજકુમાર ઉપર અદ્લ સિંહની જેમ જ હુમલો કર્યો, જેથી તે રાજકુમારના પ્રાણ છૂટી ગયા. સિંહ ત્રાડ નાખતો પાછો વળી ગયો.

રાજકુમારનું મૃત્યુ થઈ જવાથી રાજપરિવાર અને રાજસભાના સભ્યોને ઘણું દુ:ખ અને ગ્લાનિ થયાં. બીજે દિવસે પેલો બહુરૂપી પોતાના અસલી રૂપમાં આવ્યો અને તેણે ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું.

તેણે વિનયપૂર્વક રજૂઆત કરી કે, ‘મહારાજ! આટલા માટે જ હું તમને વિનંતી કરતો હતો કે મને સિંહનો સ્વાંગ લઈ આવવાનું કહો નહિ. મારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો કે હું રાજકુમારના મૃત્યુનું કારણ બન્યો. અત્યારે તો હું બહુરૂપી છું, અત્યારે તમે ઇચ્છો તેટલું અપમાન કરી શકો, શિક્ષા કરી શકો છો; પણ તે સમયે હું કેસરી સિંહના સ્વાંગમાં હતો અને કેસરી સિંહની સ્વભાવસહજ ક્રિયા કરી રહ્યો હતો.

તમે જ કહો કે જો કોઈ કેસરી સિંહની ગુદામાં દાતણ ઘુસાડી દે તો તે ધૃષ્ટતાને કેસરી સિંહ કેવી રીતે ખમી શકે? હું સ્વાંગ લજવતો નથી, સ્વાંગને લજવું તો હું સ્વાંગને સફળતાથી રચી શકું પણ નહિ અને હું જીવી શકું પણ નહિ. હું ભગવાનનો ઉપાસક છું. તેમની જ કૃપાથી મારો સ્વાંગ સફળ નીવડે છે અને તેમાં મને વિજય પ્રાપ્ત થાય છે.’

રાજા આ બધું સાંભળી રહ્યા હતા, પણ તેમના હૃદયમાં રાજકુમારના મૃત્યુના કારણે ઘણું દુ:ખ અને ખેદ હતાં. પરંતુ પોતે વચનબદ્ધ હતા તેથી કશુ કરી શક્યા નહિ. બહુરૂપીએ પૂછ્યું – ‘મહારાજ! હવે બીજો કયો સ્વાંગ કરી બતાવું?’ આ સાંભળીને રાજકુમારના મૃત્યુના દુ:ખથી શોકગ્રસ્ત મંત્રીએ કહ્યું – ‘તમે મહાત્મા શુકદેવજીનો સ્વાંગ રચી બતાવો.’

બહુરૂપી વિદાય થયો અને પંદર દિવસ પછી શ્રીશુકદેવજીના જેવો જ, એક ઉચ્ચ કોટિના જ્ઞાની મહાત્માનો સ્વાંગ રચીને આવ્યો અને નગરના છેવાડે, ઉત્તર દિશામાં રેતીના ટેકરા પર જઈને બેસી ગયો. આથી નગરમાં તરત જ સમાચાર પ્રસરી ગયા કે ઘણા મોટા, ઉચ્ચ કોટિના એક મહાત્મા રેતીના ટેકરા પર બેઠા છે. સમાચાર સાંભળતાં ત્યાં દર્શનાર્થીઓની ભીડ જામી ગઈ.

જ્યારે આ સમાચાર મંત્રીએ સાંભળ્યા ત્યારે તેમણે રાજાને કહ્યું – ‘મહારાજ! હું માનું છું કે પેલો બહુરૂપી જ આ સ્વાંગ ધારણ કરીને આવ્યો છે. રાજકુમા૨ને તેણે મારી નાખ્યા તેનું મારા હૃદયમાં ભારે દુઃખ હતું અને છે; અને એ હેતુથી જ મેં તેને શુકદેવજીનો સ્વાંગ કરી બતાવવા કહ્યું હતું. આ સ્વાંગ ઘણો અઘરો છે, એટલે જો તે ક્યાંક આ સ્વાંગને લજવે તો તેને શિક્ષા કરી શકાય તેમ છે. તો, તમે પણ મારી સાથે તે જોવા ચાલો કે જેથી તેને વિશેષ લોભ-લાલચ આપીને તેને સ્વાંગના સ્વરૂપમાંથી વિચલિત કરી શકાય.’

આ રીતે વિચારણા કરીને તેઓ બંને ત્યાં ગયા. મંત્રી અને રાજાએ મહાત્માને વંદન કર્યાં અને તેમના ચરણોમાં રત્નો તથા સોનામહોરોની થેલીઓ ધરી દીધી. તે મહાત્મા તે થેલીઓની અવગણના કરીને તત્ક્ષણ ત્યાંથી ઊભા થઈને જંગલ તરફ ચાલી નીકળ્યા. મંત્રી તેમની પાછળ પાછળ ગયા.

જ્યારે એકાન્ત સ્થળે પહોંચ્યા ત્યારે મંત્રીએ તેમના કાનમાં કહ્યું – ‘તું બહુરૂપી છે અને તું મહાત્મા શુકદેવજીનો સ્વાંગ રચીને આવ્યો છે એ હું જાણું છું. આ થેલીઓમાં કેટલાયે લાખ રૂપિયાનું ધન છે. તેથી મારો એવો આગ્રહ છે કે તું આ બધું દ્રવ્ય સ્વીકારી લે. પછી આપણે બંને અડધું-અડધું વહેંચી લઈશું.’ મહાત્માના રૂપમાં આવેલા તે બહુરૂપીએ મંત્રીની વાત બિલકુલ કાને ધરી નહિ અને વિક્તભાવે જંગલમાં ચાલ્યો ગયો. એ પછી રાજા અને મંત્રી પાછા ફર્યા.

બે દિવસ પછી ફરીથી તે બહુરૂપી રાજભવનમાં આવ્યો અને તેણે કહ્યું – ‘મહારાજ! શુકદેવજીનો સ્વાંગ તમને કેવો લાગ્યો?’ રાજાએ કહ્યું – ‘ઘણો સારો.’ ત્યારે બહુરૂપીએ ફરી પૂછ્યું – ‘હવે કયો સ્વાંગ રચી બતાવું?’ ત્યાં રાજાનો વફાદાર એક હજામ હતો. તેણે વિચાર્યું – ‘આ બહુરૂપીએ રાજકુમારની હત્યા કરી છે એ તેનો મોટો અપરાધ છે, તેને ખાસ શિક્ષા થવી જોઈએ.’ આવું વિચારીને તેણે કહ્યું – ‘પતિવ્રતા સતીનો સ્વાંગ રચી બતાવો.’ રાજા તથા મંત્રીએ પણ એનું સમર્થન કર્યું. બહુરૂપી તેનો સહર્ષ સ્વીકાર કરીને ઘરે ગયો.

કેટલાક દિવસો પછી તે બહુરૂપીએ જોયું કે એક શબ તરતું તરતું આવીને નદીના કિનારે પડેલું છે. તે શબને તે ઘરે લઈ આવ્યો. તેણે તે શબને પતિના રૂપમાં સજાવ્યું તથા પોતે પણ સોળે શણગાર સજીને પતિવ્રતા સતી સ્ત્રીનો સ્વાંગ ધારણ કર્યો અને પતિની વૈકુંઠી (નનામી) બનાવીને ભારે ધામધૂમ સાથે વાજતે-ગાજતે બજાર વચ્ચે થઈને સ્મશાનયાત્રા કાઢી.

આ સમાચાર આખા નગરમાં તરત જ પ્રસરી ગયા. હજારો સ્ત્રી-પુરુષો તે શબ સંગાથે સ્મશાનઘાટ પર પહોંચ્યાં. આ સમાચાર જ્યારે મંત્રીને મળ્યા ત્યારે તેણે રાજાને કહ્યું – ‘આ પેલો બહુરૂપી જ છે. તે પતિવ્રતા સતીનો સ્વાંગ રચીને આવ્યો છે. તેને બાળી મૂકવાનો પ્રબંધ કરવા હું જાતે જ જાઉં છું.’ આમ કહીને મંત્રી ઘણાબધા માણસોને લઈને સ્મશાન-સ્થાને ગયા.

લગભગ સો મણ લાકડાનો ઢગલો ખડકીને ચિતા બનાવડાવી. તે પતિવ્રતા સતી સ્ત્રી પોતાના પતિના શબને પોતાના ખોળામાં લઈને બળી મરવા માટે ચિતામાં બેસી ગઈ. ચિતાની ચારે તરફ આગ મૂકવામાં આવી. બરાબર તે જ સમયે પ્રચંડ આંધી-વંટોળ જાગી ઊઠ્યો અને તે કા૨ણે મંત્રી, મંત્રીની સાથે આવેલા માણસો અને નગરનાં બધાં લોકો ત્યાંથી ભાગી નીકળ્યાં. આંધીની સાથે ભારે વરસાદ પડવા લાગ્યો.

વરસાદ એટલો જોરથી પડ્યો કે તેણે ચિતાની ભડભડતી આગની જ્વાળાઓને શમાવી દીધી. એ પછી તે બહુરૂપી ચિતાની જે બાજુએ આગ લાગી શકી ન હતી તે બાજુથી નીચે ઊતરી આવ્યો અને તેણે ફરીથી ચિતાની ચારે તરફ આગ પેટાવી. ત્યારબાદ તે પોતાના ઘરે પાછો આવ્યો. તે આગથી પેલું શબ ભસ્મ થઈ ગયું. બીજે દિવસે મંત્રી અને રાજાએ ત્યાં જઈને જોયું કે ત્યાં ભસ્મ અને શબનાં અસ્થિ સિવાય કશું જ ન હતું.

કેટલાક દિવસો પછી તે બહુરૂપી પોતાના રૂપમાં રાજભવનમાં આવ્યો અને તેણે કહ્યું – ‘મહારાજ! સતીનો સ્વાંગ કેવો રહ્યો?’ રાજાએ કહ્યું – ‘ઘણો સારો.’ રાજાએ પછી પૂછ્યું – ‘તમે જીવતા કેવી રીતે રહ્યા?’ તેણે કહ્યું – ‘મહારાજ! હું સ્વાંગ લજવતો નથી તેથી ભગવાન મારું રક્ષણ કરે છે. હું સ્વર્ગમાં ગયો હતો, તમારા પિતા-પિતામહને પણ મળ્યો હતો. તેમનાં દાઢી-મૂછ, નખ ઘણાં-બધાં વધી ગયેલાં હતાં.

મેં તેમને પૂછ્યું હતું કે તમે સહુ કુશળ તો છોને? કંઈ કષ્ટ તો નથી ને? તમારો શો સંદેશો રાજાને કહું? તેમણે કહ્યું કે અહીં બીજું બધું તો આનંદમંગળ છે, ફક્ત અહીં હજામ નથી એ એક તકલીફ છે; એક હજામ અહીં મોકલી આપજો.’ આ સાંભળીને રાજાએ પેલા હજામને કહ્યું – ‘તું જઈને તેમની સેવા કર.’ મંત્રીએ હજામને કહ્યું – ‘જે રીતે આ બહુરૂપી સ્વર્ગમાં ગયો તેવી જ રીતે તું કાલે સ્વર્ગમાં જા.’

ત્યારે હજામે બહુરૂપીને અળગો લઈ જઈને કહ્યું – ‘તમે મને શા માટે મારી નંખાવો છો?’ બહુરૂપીએ જવાબ આપ્યો – ‘તેં જ મારા અમંગળ (અનિષ્ટ)ની કામના કરી હતી, મારો નાશ થાય તે માટે મને સતીનો સ્વાંગ રચી બતાવવા કહ્યું હતું, તેથી જ હું તને ત્યાં મોકલું છું. જે મનુષ્ય બીજાનું અનિષ્ટ કરવાની કોશિશ કરે છે તેનું પોતાનું જ અનિષ્ટ થાય છે.’ હજામે કહ્યું – ‘મારો અપરાધ માફ કરો. હું તમારે શરણે છું. મને આ ભયંકર આફતમાંથી બચાવો.’

તે પછી, બહુરૂપીએ રાજસભામાં આવીને રાજા સમક્ષ મંત્રીને આરંભથી માંડીને અંત સુધીની બધી જ ઘટના સાચેસાચી કહી સંભળાવી કે, ‘હું સ્વાંગ લજવતો નથી, તેથી ભગવાન મારું તમામ પ્રકારે રક્ષણ કરે છે. તમે બધા ચિતામાં આગ ચાંપ્યા પછી આંધી-વંટોળ અને વરસાદની બીકે જ્યારે ચાલ્યા ગયા ત્યારે ઘણા જોરથી વરસાદ થયો અને તેથી આગ શમી ગઈ અને હું બચી ગયો.

એ પછી મેં ચિતાની ચારે બાજુએ આગ પેટાવી દીધી, જેથી પેલું શબ બળી ગયું. સ્વર્ગમાં જઈને તો કોઈ પાછું આવી શકતું નથી. હું તો ભગવાનની કૃપાથી બચી ગયો છું; આ બિચારા હજામના પ્રાણ લેવા જોઈએ નહિ.’

આ સાંભળીને રાજાએ તેને કહ્યું – ‘તમારા સ્વાંગથી અમે ઘણા જ પ્રસન્ન થયા છીએ. જે ઘટના બનવાની હતી તે બની ગઈ. હવે તમારે તેનો કોઈ શોક કરવો જોઈએ નહિ.’ આમ કહીને રાજાએ પ્રસન્નતાપૂર્વક તે બહુરૂપીને હજારો રૂપિયાની બક્ષિસ આપી. તે બહુરૂપી બક્ષિસ લઈને પોતાના ઘરે ગયો.

આ વાર્તામાંથી એક તો એ બોધ મળે છે કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ – જે કોઈ પણ આશ્રમમાં તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર – જે કોઈ પણ વર્ણમાં મનુષ્ય હોય, તેણે પોતાનો સ્વાંગ લજવવો જોઈએ નહિ. જે પોતાનો સ્વાંગ લજાવતો નથી તેનું ભગવાન તમામ પ્રકારે રક્ષણ કરે છે; જેમ કે ભગવાને તે બહુરૂપીનું રક્ષણ કર્યું. બીજો બોધ એ મળે છે કે બીજાના અનિષ્ટનો કદી પણ વિચાર કરવો જોઈએ નહિ. નહિતર જેવો હજામને ભય પ્રાપ્ત થયો તેવો ભય પ્રાપ્ત થઈ શકે છે.

આથી જ, ઉપર્યુક્ત સમીક્ષાથી એવું સમજવું જોઈએ કે જ્ઞાની મહાત્મા પુરુષ લોકસંગ્રહ માટે સ્વાંગની જેમ કાર્ય કરે છે. લોકો તેમને જે વર્ણના, જે આશ્રમના માને છે, તેઓ તેમની સમક્ષ તેવું જ આચરણ કરે છે. પોતાનો અસલી પરિચય પોતાના અંતરંગ-આત્મીય લોકો સિવાય અન્ય કોઈને પણ આપતા નથી. પરંતુ જે મનુષ્યો ‘હું જ્ઞાની છું, મહાત્મા છું, યોગી છું, મહાપુરુષ છું, અધિકારી પુરુષ છું’ એવું કહે છે તેઓ વાસ્તવમાં જ્ઞાની, મહાત્મા, યોગી વગેરે નથી, તેઓ તો માન-મોટાઈ-પ્રતિષ્ઠા-સેવાના ગુલામ છે, દંભી છે, પાખંડી છે.

જેઓ શ્રેષ્ઠ પુરુષ હોય છે તેઓ સુવર્ણ અને સુંદરીના લોભથી કે પોતાનાં માન-મોટાઈ-પ્રતિષ્ઠા વધારવા માટે બીજાઓની પોતાનામાં શ્રદ્ધા વધારવાનું કારણ બનતા નથી, કારણ કે તેમને કશુંક કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી અને તેમને કશુંક નહિ કરવાનું પણ કોઈ પ્રયોજન હોતું નથી. તેમનામાં સ્વાર્થનો અત્યંત અભાવ થઈ ગયો હોય છે. ગીતામાં ભગવાને જણાવ્યું છે –

नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।

न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૩/૧૮)

“તે મહાપુરુષનું આ સંસારમાં કર્મો કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી અને કર્મો નહિ કરવાનું પણ કોઈ પ્રયોજન હોતું નથી તથા તેમનો તમામ પ્રાણીઓ સાથે લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી.’’

તેથી, પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્યે જ્ઞાન કે ભક્તિના સાધન દ્વારા અહંતા અને મમતાનો અત્યન્ત અભાવ કરવો જોઈએ.

– જયદયાલ ગોયન્દકા.