જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 63: જે પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી શ્રીકૃષ્ણમાં અર્પણ કરી દે છે તેમને શું મળે છે?

0
187

ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૬૩

શ્રીકૃષ્ણ કહે છે કે – જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી મારી ઉપાસના કરે છે અને પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે, એટલે કે – જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના યોગક્ષેમને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ). (૨૨)

“પરમાત્મા સર્વ જગ્યાએ રહેલા છે” એવું જે લોકો જાણતા નથી તેવા લોકો જુદા જુદા સંપ્રદાયો-ધર્મો બનાવીને જુદા જુદા દેવ-દેવીઓ, પિતૃઓ, ભૂતોમાં ભગવાન છે, એમ માનીને તેમને ભજે છે.

જો કે આવું કરીને પણ તે પરમાત્માનું જ પૂજન કરે છે, કારણ કે ઈશ્વર સર્વ જગ્યાએ સર્વમાં છે. પરંતુ આવા પ્રકારનું દેવો-દેવીઓને ભજવાનું અને તેમનું પૂજન વિધિપૂર્વક(સમજપૂર્વક) નહિ હોતાં તે ભૂલ ભરેલું છે.(૨૩)

વૃક્ષની શાખાઓ, પાંદડાઓ વગેરે બીજમાંથી જ ઉત્પન્ન થાય છે, પાણી તો મૂળમાં જ સિંચવું પડે છે. તે જ રીતે પરમાત્મા એ મૂળ છે. અને દેવો-દેવીઓ એ શાખાઓ અને પાંદડાઓ છે.

ગમે તે દેવ કે દેવીની પૂજા કરીએ પણ તે પૂજા પરમાત્મા (બ્રહ્મ) ની પ્રીતિ અર્થે કરવી જોઈએ. જો આ જાણ્યા વગર પરમાત્માને જાણ્યા વગર દેવ-દેવીઓનું ભજન કરવામાં આવે તો તે ભજન નકામું છે. કારણ કે “જ્ઞાન-દૃષ્ટિ” માત્ર “કર્મના આચરણ” માં જ હોય તો આ જાતનું “જ્ઞાન” દોષ વાળું છે.

આવા લોકો તેમના કર્મ આચરણ (એટલે કે જુદા જુદા યજ્ઞો-કર્મો) નો ભોક્તા અને સ્વામી માત્ર એક પરમાત્મા જ છે તેવું “તત્વ” તે ભૂલી જાય છે, અને માત્ર જે તે યજ્ઞના દેવ-દેવીને જ ભજવાથી અને પૂજન કરવાથી તેમને જે તે દેવ-દેવીની જ પ્રાપ્તિ થાય છે, પણ તેમને પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ની પ્રાપ્તિ થતી નથી.

જુદા જુદા યજ્ઞોના (કર્મોના) આદિ (શરૂઆત) અને અંત માત્ર પરમાત્મા જ છે. પરંતુ દુર્બુદ્ધિ – મૂર્ખ મનુષ્યો તે પરમાત્મા (બ્રહ્મ)ને ભૂલીને (ત્યાગીને) દેવ-દેવીઓને ભજે છે.

જેવી રીતે ગંગાનું પાણી દેવ-દેવી-પિતૃઓને નામે ગંગામાં જ અર્પણ કરવામાં આવે છે. તેવી રીતે પરમાત્માની જ બનાવેલી બધી વસ્તુઓ પરમાત્માને જ અર્પણ થાય છે. પણ અહીં મનુષ્યોના જુદા જુદા ભાવને લીધે પરમાત્મ-ભાવ ભુલાય છે અને આવા મનુષ્યો ક્યારેય પરમાત્મા (બ્રહ્મ)ને પામતા નથી. પરંતુ તેઓ પોતાના મનમાં જેવી “ઈચ્છા” ધારણ કરે છે તે જ તે પામે છે.(૨૪)

દેવ-દેવીઓની ઉપાસના કરનારા મનુષ્યો દેવ લોકમાં જાય છે. પિતૃના વ્રતો કરનાર, પિતૃઓની ઉપાસના કરનાર પિતૃલોકમાં જાય છે. પિશાચ અને ક્ષુદ્ર દેવો (ભૂત-પિશાચાદિ)ને સાધવા અને જારણમારણ વગેરે મંત્રો સાધનારને મરણ પછી પિશાચયોનિ પ્રાપ્ત થાય છે.

આ પ્રકારે તેમના સંકલ્પ પ્રમાણે તેમનાં કર્મો તેમને ફળ આપે છે. પણ જે મનુષ્યો સદા-સર્વદા માત્ર પરમાત્મા (બ્રહ્મ)નું જ ભજન કરે છે તેમને જ માત્ર પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે.(૨૫)

ટૂંકમાં અહીં સહેલાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો એમ પણ કહી શકાય કે દેવ-દેવીઓ એ એક વિશિષ્ટ શક્તિ (વ્યક્તિત્વ) ધરાવનાર “આત્મા” ઓ છે.(પરમાત્મા નહિ) દરેક “આત્મા” એ “પરમાત્મા” છે એ નિયમાનુસાર તેમનું પૂજન કરતાં “જ્ઞાન-દૃષ્ટિ” ને પરમાત્મા (બ્રહ્મ) તરફ રાખવી જોઈએ.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત.

વધુ આવતા અંકે.

(શિવોમ પરથી.)