જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 64: મનુષ્યે પોતાનું સર્વસ્વ, પોતાનો દેહ પરમાત્મા પર શા માટે ઓવારી નાખવો જોઈએ?

0
181

શ્રીકૃષ્ણે અર્જુનને એવું કેમ કહ્યું કે તું તપ-કર્મ કરે છે તે સર્વ અહંકાર ત્યજીને નિષ્કામ બુદ્ધિથી મને અર્પણ કર, જાણો કારણ.

ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૬૪

પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું – અહમ)” પરમાત્મામાં અર્પણ કર્યા સિવાય પરમાત્મામાં આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે એવું કહી શકાય નહિ. “હું ઈશ્વરનું જ્ઞાન ધરાવું છું” આવું જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે તેને ઈશ્વરનું જ્ઞાન નથી. “હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી. “હું મુક્ત થયો છું” એમ જે અહમથી બોલે – તે મુક્ત થયો નથી. “મેં યજ્ઞ કર્યા, મેં ધર્માચરણ કર્યા, મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે તેને ઈશ્વરની પ્રાપ્તિની યોગ્યતા નથી.

થોડો વિચાર કરવામાં આવે તો જો “જ્ઞાન” ની વાત કરવામાં આવે તો “વેદ” માં જે જ્ઞાન (પરમાત્મ-જ્ઞાન)નું નિરૂપણ કર્યું છે તેનાથી વધુ જ્ઞાન કોઈનું પણ ના હોઈ શકે!

નવાઈની વાત એ છે કે – વેદો પણ જે પરમાત્મા વિષે – “નેતિ-નેતિ” એટલેકે “આ વસ્તુ પરમાત્મા નથી” એમ કહીને અટકી જાય છે, મૌન થઇ જાય છે તેને અભિમાની લોકો શી રીતે પ્રાપ્ત કરી શકે? સનકાદિ ઋષિઓ જેવા પૂર્ણ બ્રહ્મજ્ઞાનીઓ પણ પરમાત્મસ્વરૂપનો નિર્ધાર કરતાં ભ્રમિત થઇ ગયા છે.

મહાદેવ શિવથી મોટો કોઈ તપસ્વી નથી પરંતુ તેમણે પણ અભિમાન છોડી પરમાત્માનું ચરણોદક એટલે કે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી છે. લક્ષ્મીએ પણ અભિમાનનો ત્યાગ કરી પુરા મનોભાવથી સેવા કરી ત્યારે તે પરમાત્માના ચરણ ધોવાના અધિકારને પ્રાપ્ત કરી શકી છે.

લક્ષ્મીજીનું ઐશ્વર્ય અને મહાદેવ શિવનું તપ પણ જ્યાં (ઈશ્વર આગળ) કોઈ વિસાતમાં નથી તો અજ્ઞાનીઓ, પાખંડીઓ, અને અભિમાની જીવો પરમાત્માને કેવી રીતે જાણી શકે?

સૂર્યના તેજ આગળ જો ચંદ્રના પ્રકાશની પણ વિસાત ના હોય તો પછી આગિયાઓ પોતાના તેજનો ઘમંડ કેવી રીતે કરી શકે? એટલા માટે જ સર્વ દેહાભિમાન છોડીને પોતાની સંપત્તિ વગેરેના અભિમાનને છોડીને મનુષ્યે પોતાનું સર્વસ્વ અને છેવટે પોતાનો દેહ પણ પરમાત્મા પર ઓવારી નાખવો જોઈએ.

પોતાની મહત્તાને ત્યજી દઈ, સર્વ શાસ્ત્રીય જ્ઞાનને ભૂલી જઈને પોતાની વિદ્વતાનું અભિમાન મૂકી દઈ જયારે વિનમ્રતા, ભક્તિ અને વિવેક આવે છે ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે.(૨૫)

અને જો આમ અહમને ત્યાગીને દૃઢ ભક્તિપૂર્વક જો કોઈ મનુષ્ય-પરમાત્માને પત્ર, પુષ્પ, ફળ અને પાણી પણ અર્પણ કરે તો તે શુદ્ધ ચિત્તવાળા ભક્તે પ્રેમપૂર્વક આપેલી આવી નાની ચીજોને પણ ઈશ્વર સગુણરૂપથી પ્રગટ થઇ ને સ્વીકાર કરે છે.(૨૬)

પત્ર, પુષ્પ, ફળો વગેરે તો ભક્તિ માટેનું નિમિત્ત માત્ર છે, મુખ વસ્તુ છે – અનન્ય, દૃઢ, તીવ્ર-ભક્તિ.

શ્રીકૃષ્ણ કહે છે કે – હે અર્જુન, તું જે જે વસ્તુનો ઉપભોગ કરે છે, જે કંઈ યજ્ઞ-કર્મ કરે છે, જે કંઈ દાન આપે છે, જે કંઈ સ્વધર્મ રૂપી તપ-કર્મ કરે છે તે સર્વ અહંકાર ત્યજીને નિષ્કામ બુદ્ધિથી મને અર્પણ કર.(૨૭)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત.

વધુ આવતા અંકે.

(શિવોમ પરથી.)