જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 82-83: સુખ અને દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પ્રકૃતિ અને પુરુષ દ્વારા સમજો.

0
246

ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૮૨ – ૮૩

જે પ્રમાણે અગ્નિના અંગારા ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય, પણ તેમનામાં રહેલી ઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે, તે પ્રમાણે ચરાચર જીવોમાં એક જ અવિનાશી બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે જ જ્ઞેય છે) તે બ્રહ્મ શરીરની અંદર પણ છે અને શરીરની બહાર પણ છે. દૂર છે અને નજીક પણ છે. તે બ્રહ્મ સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે. ચાર પ્રકારના (જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવોમાં તેની અખંડ વ્યાપ્તિ છે.

જેમ હજારો જુદા જુદા ઘડાઓમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે, પણ તેમાં જેમ ભેદ નથી, તેમ બ્રહ્મ સર્વમાં છે. (૧૬)

તે બ્રહ્મ “આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી. પણ ચરાચર પ્રાણીઓમાં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.

જેવી રીતે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થાને એક જ શરીર આધારભૂત છે, સવાર, બપોર અને સાંજ એ ત્રણ સમય પસાર થાય પણ આકાશને તેનાથી કોઈ ફરક પડતો નથી, તેવી રીતે સૃષ્ટિના ઉત્પત્તિ સમયે જેને આપણે બ્રહ્મદેવ કહીએ છીએ, સ્થિતિના સમયે સર્વનું પોષણ કરનારને વિષ્ણુ કહીએ છીએ, લય (નાશ) ના સમયે જેને આપણે રુદ્ર (મહેશ) કહીએ છીએ. અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ, સ્થિતિ, લય) જ્યારે સમાપ્ત થાય છે ત્યારે જે “શૂન્ય” હોય છે તેને આપણે “પ્રકૃતિ” કહીએ છીએ. આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે તેને “મહાશૂન્ય” કહ્યું છે.

(શ્રુતિએ વર્ણન કર્યા મુજબ) આ “મહાશૂન્ય” તે જ આપણું “જ્ઞેય” બ્રહ્મ છે. (૧૭)

તે બ્રહ્મ “પ્રકાશોનો પણ પ્રકાશ” એટલે કે સૂર્યપ્રકાશ કે જે સમસ્ત જગતને પ્રકાશ આપે છે તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત તે સૂર્યને પણ પ્રકાશ આપે છે!) તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે એમ કહેવાય છે.

તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે, તે જ “જ્ઞેય” છે. તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને તે જ સર્વના હૃદયમાં રહેલો (વિદ્યમાન) છે.

આ રીતે ક્ષેત્ર – ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી. જેને જાણવાથી, જ્ઞાની ભક્ત, પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે (તદ્રુપ થાય છે). (૧૮-૧૯)

અત્યાર સુધીમાં “સર્વત્ર આત્મા (પરમાત્મા) છે” આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે એક જ બ્રહ્મના ચાર વિભાગ કરી બતાવ્યા. (ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય)

આટલું કર્યા પછી પણ અર્જુનને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું એટલે હવે એક બ્રહ્મના ચાર ભાગને બદલે અને તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં અર્જુનને આ વસ્તુ સમજાવવા માટે હવે શ્રીકૃષ્ણ તે બ્રહ્મના બે ભાગ કરે છે. પુરુષ અને પ્રકૃતિ (આત્મા અને અનાત્મા).

પુરુષ અને પ્રકૃતિનું જેમાં વર્ણન છે તે માર્ગને “સાંખ્ય માર્ગ” પણ કહે છે. અને જે સાંખ્યમાર્ગનું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.

પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) એ બંને અનાદિ (આરંભનું મૂળ તત્વ) છે. જેમ છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી પણ તે છાયા સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે, કેજેમ બીજ વાવ્યા પછી દાણો અને ફોતરાંની ઉત્પત્તિ એક સાથે જ થાય છે તેમ પુરુષ અને પ્રકૃતિ એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.

બહુ સરળતાથી સમજવા માટે આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું તે સર્વની “પ્રકૃતિ” સમજવી અને જેને ક્ષેત્રજ્ઞ કહ્યો તેને “પુરુષ” સમજવો. નામો જુદા જુદા છે પણ એ નામો દ્વારા જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે તે વસ્તુ ભિન્ન (જુદી) નથી. જેની સત્તાનો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને જેની સત્તાના યોગથી જે જે “ક્રિયા”ઓ થાય છે તેને “પ્રકૃતિ” કહે છે.

વિકારો (મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે) અને ગુણો (સત્વ, રજ, તમસ) એ પ્રકૃતિમાંથી ઉપજે છે. અને તે વિકારો અને ગુણોના દ્વારા કર્મો થતા રહે છે. (૨૦)

પ્રકૃતિમાં સહુ પ્રથમ ઈચ્છા, ઈચ્છામાંથી બુદ્ધિ અને બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. બુદ્ધિ ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મમાં પ્રવૃત કરે છે. આમ ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે તેને “કાર્ય” કહે છે.

આ રીતે ઉપર બતાવ્યા મુજબ પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છાની સહાયથી બુદ્ધિને જાગ્રત કરી, તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે કાર્ય, કર્તૃત્વ અને કારણ એ ત્રિપુટીનું મૂળ પ્રકૃતિ જ છે. અને આમ આ ત્રણે ભેગાં થતાં પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.

હવે તે પ્રકૃતિમાં જે ગુણ (સત્વ, રજસ, તમસ) ની વધારે પ્રબળતા હોય તે ગુણ પ્રમાણે તે પ્રકૃતિ-ક્રિયા કરે છે. જે કર્મ સત્વગુણમાંથી ઉપજે છે તેને સત્કર્મ કહે છે. જે કર્મ રજોગુણ માંથી ઉપજે છે તેને મધ્યમ કે કામ્ય કર્મ કહે છે. જે કર્મ તમોગુણ માંથી ઉપજે છે તેને નિષિદ્ધ (ધર્મ વિરુદ્ધ) કર્મ કહે છે.

આ પ્રમાણે પ્રકૃતિ(માં) થી જ સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે. અને તે કર્મો દ્વારા સુખ-દુઃખ થાય છે. સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે અને ખરાબ (માઠાં) કર્મોથી દુઃખ પેદા થાય છે. અને શરીરમાં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખને ભોગવે છે.

જ્યાં સુધી પ્રકૃતિ વ્યાપાર કરે છે ત્યાં સુધી સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે અને પુરુષ તે ભોગવે છે. (ભોગવવાં પડે છે). (૨૧)

કેવું આશ્ચર્ય! કેવો ચમત્કાર! કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસીને ખાય છે. સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી, અને તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત.

વધુ આવતા અંકે.

(શિવોમ પરથી.)