જ્ઞાતિના કન્યા છાત્રાલયમાં વાર્ષિક વિદાય સમારંભ હતો. કનુભાઈને સહકુટુંબ નિમંત્રણ હતું.
કનુભાઈ ઠીક-ઠીક દરજ્જાના ઉદ્યોગપતિ હતા. અવારનવાર નાની-મોટી રકમ છાત્રાલયમાં મોકલતા રહેતા.
પાછાં વળતાં ગાડીમાં બેઠા-બેઠાં નિલમબેને કહ્યું.. “સંચાલન કરતી હતી.. તે છોકરી કેવી સરસ હતી…નહીં..? ”
” ગમે છે..? તો તપાસ કરીએ..” કનુભાઈ હસ્યા..
“વિવેકને જ પુછોનેે.. હા પાડે તો તપાસ કરાય..”
ગાડી ચલાવતા વિવેકે હા પાડી..
બીજે દિવસે કનુભાઈએ બે-પાંચ ટ્રસ્ટીઓને ફોન કરી.. માહિતિ મેળવી..
છોકરીનું નામ રુપા છે.. એમ.એ.ની છેલ્લી પરીક્ષા આપી છે.. ભણવામાં ને બધી રીતે હોંશીયાર.. ને સ્વભાવે સારી છે.. ગામડાના સામાન્ય કુટુંબની છે.. માણસો સારા છે..
ઘરમાં ચર્ચા થઈ.. નિલમબેને કહ્યું..” વીસ વરસ પહેલાં આપણે પણ સામાન્ય જ હતાં ને..”
જાણીતા નાતીલા મારફત કહેણ મોકલ્યું.. જોવા જવાનું નક્કી થયું..
મોટા ઘરનું માંગુ આવતાં મા-બાપ બહુ રાજી થયાં..
રુપાએ ઘરમાં કહ્યું ..” આપણે જેવા છીએ, તેવા જ દેખાવું છે.. બીજેથી માંગીને કાંઈ દેખાડો કરવો નથી..”
કનુભાઈ, નિલમબેન ને વિવેક સમયસર પહોંચ્યા.. ફળીયામાં ઢાળેલા ખાટલા પર સૌ બેઠાં..
ચા-પાણી .. આગતા-સ્વાગતા થઈ..
“તમારે એક-બીજાને કંઈ પુછવું કરવું હોય… તો રુમમાં બેસો..” રુપાની મમ્મીએ કહ્યું..
વિવેકે પહેલ કરી..” મેં પ્લાસ્ટીક કેમેસ્ટ્રીમાં ડીપ્લોમા કર્યો છે.. ને પપ્પાના ધંધામાં જ રહેવાનો છું.. તમે ડીગ્રી મેળવીને નોકરીનું વિચારો છો..?”
રુપા બોલી.. “ કમાવાની જરુર ન હોય તો નોકરી નથી કરવી.. પણ ઘર સાચવ્યા પછી વધારાનો સમય સમાજ માટે વપરાય તેમ માનું છું..”
“ને.. મારે એ ખાસ પુછવું છે કે.. તમારે કંઈ વ્યસન તો નથી ને.. ને.. હું રમકડાની ઢીંગલી નહીં બની શકું..” જાણે ઘણા સમયથી ઘુંટી રાખેલા શબ્દો એક સામટા નિકળી આવ્યા..
વિવેક હસ્યો.. ”પૈસાવાળા માટે બધા આવું જ વિચારે.. પણ મારા નાના ગાંધીવાદી શીક્ષક હતા.. અને એ જ સંસ્કારો મમ્મી મારફત મારા સુધી પહોંચ્યા છે..”
“તો મારી હા..”
“ને મારી પણ હા..”
બન્નેએ નજર મેળવી સુખદ સ્મિત કર્યું..
બન્ને બહાર આવ્યા.. વડિલોને પોતાનો વિચાર જણાવ્યો.. વડિલો પણ સહમત થયા..
નિલમબેને પોતાના ગળામાંથી સોનાનો અછોડો કાઢ્યો.. રુપાને પહેરાવી દીધો..
“આજથી આ દિકરી મારી…”
કનુભાઈએ મજાક કરી..
“ના.. હો..સાવ એમ ના ચાલે.. મારો પણ અડધો ભાગ..”

રુપા એમ.એ.માં પ્રથમ વર્ગમાં પાસ થઈ. કનુભાઈ અને નિલમબેન હરખ કરવા આવેલા હતા. ચારેય વેવાઈ વેવાણોએ મળી લગ્નનું આયોજન વિગતવાર નક્કી કરી લીધું
કનુભાઈ બોલ્યા.. “દિવાળી પછી તરત રાખીએ. મેં બધું વિચારી લીધું છે. હોલ રાખી લઈશું. તમારે બધાએ ત્યાં જ આવી જવાનું છે. મહેમાનોને પણ ત્યાં જ સીધા નોતરજો. ઉતારાની સગવડ થઈ જશે. અમારે હજારેક માણસ થશે. તમે પણ છુટથી તેડાવજો. આપણો સહિયારો.. એક જ પ્રસંગ..“
“પણ ખરચ ઘણું થશે..” બલદેવભાઈ બોલ્યા..
કનુભાઈએ કહ્યું.. “આશરે વીસ લાખ.. પણ તમારે ભાગના એક હજાર આપવાના થશે..”
નિલમબેન બોલ્યા.. “જો વાંધો ના હોય તો આપણે ચારેયના નામવાળી કંકોતરી પણ એક જ બનાવશું ને બેય પક્ષમાં મોકલશું ..”
બલદેવભાઈએ કહ્યું .. “ઉમંગ તો મને ય છે.. પણ હું સામાન્ય માણસ છું.. પણ તમારી ઈચ્છા હોય તેમાં અમને વાંધો નથી..”
જમ્યા પછી એકાંત મળતાં રુપા નિલમબેન પાસે ગઈ.. “પપ્પા મારી એક વાત માનશે..? “
નિલમબેને કનુભાઈને કહ્યું.. “રુપાને કંઈક તમને કહેવું છે..“
“બોલ બેટા..“
“પપ્પા, હું જ્યાં ભણી.. તે પાદરની નિશાળ સમારકામ માંગે છે.. ને થોડી સગવડ વધારવાની જરુર છે.. આપણે લગ્નમાં ખોટા ખર્ચા ઓછા કરીને.. બચત એમાં વાપરીએ તો..”
“હા , આવતી વખતે મેં એ જોયું.. પણ સમારકામથી ચાલે એમ નથી, નવેસરથી બાંધકામ કરવું પડે તેમ છે..“
આગળ બોલ્યા. “ભગવાને આપણને ઘણું આપ્યું છે.. જલ્સો તો કરવો જ છે.. ને તારી વાત તો માનવી જ પડે ને..”
રુપા કંઈ બોલી નહીં.. નિલમબેનનો હાથ પકડી લીધો..
નિલમબેને કહ્યું “તમને યાદ છે ને.. આ દિકરીમાં આપણો અડધો અડધો ભાગ છે.. નિશાળના ખરચામાં અડધી રકમ હું મારી બચતમાંથી આપીશ..“
લગ્ન થઈ ગયાં.. બીજે દિવસે નવી નિશાળનું ખાતમુરત નવદંપતીના હાથે ગોઠવ્યું હતું..
એક બાજુ વિધિ ચાલુ હતી. ને ગામની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું..
આજ રુડો અવસર મારે આંગણે રે..
વેવાણ હીરા સરીખો તારો દિકરો રે..
એના જુગજુગ થાય રે વખાણ.. આજ રુડો..
વેવાણ મોતી સરીખી મારી દિકરી રે..
એક દિવડીએ પાથર્યા અજવાસ.. આજ રુડો..
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)