જાણો કેવી રીતે હનુમાનજીએ કૃષ્ણની પત્ની સત્યભામા અને વિષ્ણુના પ્રિય ગરુડ તેમજ સુદર્શનનું તોડ્યું હતું અભિમાન.
સંસારમાં કોઈનું કાંઈ નથી. દરેક વસ્તુને પોતાની સમજવી મૂર્ખતા છે, કારણે આપણું હોવા છતાં પણ આપણું કાંઈ હોતું નથી. તો અભિમાન કેમ? શા માટે? કોનું? અમુક રૂપિયા દાન કરવાવાળા જો એવું કહી દે કે તેણે આવું કર્યું છે, તો તેનાથી મોટો મૂર્ખ બીજો કોઈ નથી. અમુક એવા લોકો પણ છે જે મહિને લાખો રૂપિયા દાન કરે છે, પણ તેનો ઉલ્લેખ પણ નથી કરતા અને ઉલ્લેખ કરવા પણ નથી દેતા. હકીકતમાં જરૂરિયાતમંદ અને પીડિત લોકોની મદદ જ દાન છે, પુણ્ય છે. આવા વ્યક્તિ પર સરસ્વતીની કૃપા હંમેશા રહે છે.
પણ શું કરીએ અભિમાન તો દેવતાઓને પણ થઈ જાય છે, અને તેમના અભિમાનને દૂર કરવા માટે પરમાત્માએ જ કોઈ ઉપાય કરવો પડે છે. ગરુડ, સુદર્શન ચક્ર તથા સત્યભામાને પણ અભિમાન થઈ ગયું હતું, અને ભગવાન શ્રીક્રષ્ણએ તેમના અભિમાનને દૂર કરવા માટે હનુમાનજીની મદદ લીધી હતી.
શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાને સ્વર્ગમાંથી પારિજાત લાવીને આપ્યું હતું, અને એટલા માટે તે પોતાને શ્રીકૃષ્ણની અત્યંત પ્રિય અને અતિ સુંદર પત્ની માનવા લાગ્યા હતા. સુદર્શન ચક્રને એ અભિમાન હતું કે તેણે ઇંદ્રના વજ્રને નિષ્ક્રિય કર્યું છે, તે લોકાલોકના અંધકારને દૂર કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ અંતમાં તેની જ મદદ લે છે. ગરુડ ભગવાનના વાહન હતા, તે સમજતા હતા કે ભગવાન તેમના વિના ક્યાંય જઈ નથી શકતા, કારણ કે મારી ગતિની કોઈ હરીફાઈ નથી કરી શકતું.
ભગવાન પોતાના ભક્તોનું સદા કલ્યાણ કરે છે, એટલા માટે તેમણે હનુમાનજીનું સ્મરણ કર્યું અને હનુમાનજી તાત્કાલિક દ્વારકા આવી ગયા. તે જાણી ગયા કે શ્રીકૃષ્ણએ તેમને શા માટે બોલાવ્યા છે. તે એ પણ જાણતા હતા કે, શ્રીકૃષ્ણ અને રામ બંને એક છે. આથી તે સીધા દરબારમાં નહિ ગયા અને મસ્તી કરવા માટે બગીચામાં જતા રહ્યા. ત્યાં તે વૃક્ષો પર લાગેલા ફળ તોડવા લાગ્યા, તેમાંથી અમુક ફળ ખાધા અને અમુક ફેંકી દીધા, અમુક વૃક્ષો ઉખાડી નાખ્યા, અમુક કાપી નાખ્યા અને બગીચાને વેરાન બનાવી દીધું. ફળ તોડવા અને ફેંકી દેવા એ હનુમાનજીનો હેતુ ન હતો, તે તો ફક્ત શ્રીકૃષ્ણના સંકેત પર મસ્તી કરી રહ્યા હતા.
પછી શ્રીકૃષ્ણ સુધી વાત પહોંચી કે, કોઈ વાનરે રાજ્યના બગીચાને બરબાદ કરી દીધો છે. આથી શ્રીકૃષ્ણએ ગરુડને બોલાવ્યા અને કહ્યું, તમે સેના સાથે જાવ અને તે વાનરને પકડી લાવો. પછી ગરુડે કહ્યું, પ્રભુ એક સામાન્ય વાનરને પકડવા માટે સેનાની શું જરૂર છે? હું એકલો જ તેને પકડી લાવીશ. આ સાંભળી શ્રીકૃષ્ણ મનમાં ને મનમાં હસી પડ્યા. પછી તેમણે ગરુડને કહ્યું, તમે જેવું ઈચ્છો એવું કરો, પણ તેને રોકો.
ગરુડ બગીચામાં પહોંચ્યા અને હનુમાનજીને લલકારતા કહ્યું, બગીચાને બરબાદ કેમ કરી રહ્યો છે? ફળ શા માટે તોડી રહ્યો છે? ચાલ, તને શ્રીકૃષ્ણ બોલાવી રહ્યા છે. પછી હનુમાનજીએ ગરુડને કહ્યું, હું કોઈ કૃષ્ણને નથી જાણતો. હું તો શ્રીરામનો સેવન છું. જાવ કહી દો, હું નહિ આવું. ગરુડ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, તું નહિ આવે તો હું તને પકડીને લઇ જઈશ. હનુમાનજીએ તેનો કોઈ જવાબ નહિ આવ્યો અને ગરુડની અવગણના કરીને ફળ તોડવા લાગ્યા. પછી હનુમાનજીએ ગરુડને સમજાવ્યા કે, વાનરનું કામ ફળ તોડવાનું અને ફેંકવાનું છે, હું મારા સ્વભાવ અનુસાર કરી રહ્યો છું. મારા કામમાં દખલ ના કરો. શા માટે ઝગડો કરી રહ્યા છો, અહીંથી જાવ… મને આરામથી ફળ ખાવા દો.
ગરુડ માન્યા નહિ. પછી હનુમાનજીએ પોતાની પૂંછડી મોટી કરી અને ગરુડને તેમાં જકડી લીધા. તેમનો અભિમાન દૂર કરવા માટે ક્યારેક તેમની પૂંછડી ઢીલી કરી દેતા ત્યારે ગરુડ શ્વાસ લઇ શકતા, અને જયારે હનુમાનજી ફરી પૂંછડીની પકડ મજબૂત કરતા તો એવું લાગતું કે ગરુડના પ્રાણ જ નીકળી જશે. પછી હનુમાનજીએ વિચાર્યું, આ તો ભગવાનના વાહન છે તેમના પર હુમલો નહિ કરી શકું. પણ તેમને પાઠ તો ભણાવવો જ પડશે. પછી તેમણે પોતાની પૂંછડીને ઝટકો આપ્યો અને ગરુડને સમુદ્રમાં ફેંકી દીધા. પછી ગરુડ ઘણી મુશ્કેલીથી દરબારમાં પહોંચ્યા અને ભગવાને સમગ્ર ઘટના જણાવી અને કહ્યું, તે કોઈ સાધારણ વાનર નથી. હું તેને પકડીને નહિ લાવી શકું. ભગવાન હસ્યા અને વિચાર્યું ગરુડનું અભિમાન તો દૂર થઈ ગયું, પણ તેના વેગનું અભિમાન દૂર કરવાનું બાકી છે.
શ્રીકૃષ્ણએ કહ્યું, ગરુડ તે શ્રીરામના ભક્ત છે, એટલે નહિ આવ્યા. જો તમે કહેતે કે શ્રીરામે બોલાવ્યા છે, તો તરત આવી જતે. તે હવે મલય પર્વત પર પહોંચી ગયા છે. તમે ઝડપથી જાવ અને તેમને કહો કે, શ્રીરામે તેમને બોલાવ્યા છે. તમે ઝડપથી ઉડી શકો છો, તમારી ગતિ ધણી વધારે છે. તેને સાથે જ લઇ આવજો.
ગરુડ ઝડપી વેગે ઉડીને મલય પર્વત પર પહોંચ્યા. તેમણે હનુમાનજીની માફી માંગી અને કહ્યું કે, શ્રીરામે તમને યાદ કર્યા છે, તમે અત્યારે જ મારી સાથે આવો, હું તમને મારી પીઠ પર બેસાડીને મિનિટોમાં દ્વારકા લઇ જઈશ. તમે જાતે ચાલશો તો ઘણી વાર લાગશે. મારી ગતિ ઘણી વધારે છે. તમે તેની સરખામણી નહિ કરી શકો. હનુમાનજી હસ્યા અને પ્રભુની લીલા સમજી ગયા. તેમણે કહ્યું, તમે જાવ, હું તમારી પાછળ જ આવી રહ્યો છું.
દ્વારકામાં શ્રીકૃષ્ણ રામનું રૂપ ધારણ કરી અને સત્યભામાને સીતાજી બનાવી સિંહાસન પર બેસી ગયા. તેમજ સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે, હે સુદર્શનજી! દ્વાર પર રહેજો. આજ્ઞા વગર કોઈ અંદર નહિ આવવું જોઈએ, અને જો કોઈ આજ્ઞા વગર અંદર આવવાનો પ્રયત્ન કરે તો તેનો વધ કરી દેજો. શ્રીકૃષ્ણ જાણતા હતા કે શ્રીરામનો સંદેશ સાંભળીને તો હનુમાનજી એક ક્ષણ પણ રોકાઈ નહિ શકે. તે હમણાં આવતા જ હશે. હનુમાનજીએ ગરુડને વિદાય આપી અને પોતે તેમનાથી પણ તીવ્ર ઝડપે ઉડીને તેમના કરતા પહેલા દ્વારકા પહોંચી ગયા. પણ દરબારના દ્વાર પર સુદર્શને તેમને રોક્યા અને કહ્યું, આજ્ઞા વગર અંદર જવાની મનાઈ છે.
જયારે શ્રીરામ બોલાવી રહ્યા હોય ત્યારે હનુમાનજી વિલંબ સહન કરી શકે નહિ. હનુમાનજીએ સુદર્શનને પકડ્યું અને એલચીની જેમ દાઢમાં દબાવીને મોં માં મૂકી દીધું અને અંદર આવી ગયા. અંદર શ્રીરામ અને સીતાજી સિંહાસન પર બેઠા હતા. હનુમાનજી સમજી ગયા અને શ્રીરામને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ આવવામાં મોડું તો નથી થયુંને? સાથે જ કહ્યું, પ્રભુ માતા ક્યાં છે? આજે તમારી પાસે આ દાસી કોણ બેઠી છે?
સત્યભામાએ આ સાંભળ્યું તો શરમ અનુભવી, કારણ કે તે સમજતા હતા કે શ્રીકૃષ્ણ દ્વારા પારિજાત લાવીને આપવા પર તે સૌથી સુંદર સ્ત્રી બની ગયા છે. હવે સત્યભામાનું અભિમાન તૂટી ગયું. પછી શ્રીકૃષ્ણએ હનુમાનજીને પૂછ્યું, હનુમાન! તમે અંદર કઈ રીતે આવ્યા? કોઈએ રોક્યા નહિ? હનુમાનજીએ જવાબ આપ્યો, રોક્યો હતો ભગવન, સુદર્શને, પણ મેં વિચાર્યું તમારા દર્શનમાં વિલંબ થશે, એટલા માટે તેની સાથે લડ્યો નહિ, તેને મારા મોં માં જ દબાવી લીધું. આટલું કહીને હનુમાનજીએ મોં માંથી સુદર્શન ચક્ર કાઢીને પ્રભુના ચરણોમાં મૂકી દીધું. હવે સુદર્શન ચક્રનું અભિમાન પણ તૂટી ગયું હતું.
તે સમયે ગરુડ દરબારમાં પહોંચ્યા. ઝડપી ગતિએ ઉડવાને કારણે તે હાંફી રહ્યા હતા, તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો, તે થાકેલા દેખાઈ રહ્યા હતા. અને હનુમાનજીને દરબારમાં જોઈને તે ચકિત રહી ગયા. તે વિચારમાં પડી ગયા કે, મારી ગતિ કરતા ઝડપી ગતિએ હનુમાનજી દરબારમાં કઈ રીતે પહોંચી ગયા? તે શરમથી પાણી-પાણી થઈ ગયા. આ રીતે ગરુડની શક્તિ અને તેજ ગતિથી ઉડવાનું અભિમાન પણ તૂટી ગયું. અને શ્રીકૃષ્ણ એજ ઇચ્છતા હતા.
શ્રીકૃષ્ણ હનુમાનજીને હૃદયથી ભેટ્યા, હૃદયથી હૃદયની વાત થઇ અને શ્રીકૃષ્ણએ હનુમાનજીને વિદાય આપી. પરમાત્મા પોતાના ભક્તોમાં, પોતાની નજીકના લોકોમાં અભિમાન રહેવા નથી દેતા. જો શ્રીકૃષ્ણ હનુમાનજીની મદદથી સુદર્શન ચક્ર, સત્યભામા અને ગરુડનું અભિમાન દૂર ન કરતે, તો તેઓ પરમાત્માની નજીક રહી નહિ શકતે. પરમાત્માની નજીક તે જ રહી શકે છે, જે ‘હું’ થી રહિત થઈને ‘નમઃ’ ને જાણી લે છે. નમઃ નો અર્થ જ એ છે કે હું કાંઈ નથી, વરણ પરમેશ્વર જ સર્વત્ર છે તથા તેજ પરમેશ્વરને હું વારંવાર નમન કરું છું. એટલે ભક્તિમાર્ગનું પહેલું પગલું છે અહમ અને અભિમાન રહિત જીવન.
શ્રીરામ સાથે જોડાયેલા વ્યક્તિમાં ક્યારેય અભિમાન હોઈ નથી શકતું. ન તો શ્રીરામમાં અભિમાન હતું, ન તો તેમના ભક્ત હનુમાનમાં, ન તો શ્રીરામે કહ્યું કે – મેં કર્યું છે, અને ન તો હનુમાનજીએ કહ્યું કે – મેં કર્યું છે. એટલા માટે બંને એક થઈ ગયા, ન અલગ હતા, ન અલગ રહ્યા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.