ભગવાન હનુમાનનું ઘર કહેવાય છે આ મંદિર, અહીં ભક્તને દરેક પ્રકારના દોષોથી મળે છે મુક્તિ.
યુપીના અયોધ્યાને રામનગરી પણ કહેવામાં આવે છે. જ્યાં રામલલાનું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં એક બીજું મંદિર છે, જ્યાં ગયા વિના રામલલાના દર્શન અધૂરા ગણાય છે. આ મંદિરનું નામ હનુમાનગઢી છે. આ એ જ મંદિર છે જે ભગવાન રામે તેમના પ્રિય ભક્ત હનુમાનજીને લંકાથી પાછા ફર્યા બાદ રહેવા માટે આપ્યું હતું. જાણો આ પ્રાચીન મંદિરનું મહત્વ અને ઇતિહાસ.
હનુમાનગઢી ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીનું મંદિર છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે અયોધ્યા આવતા પહેલા હનુમાનગઢીમાં બેઠેલા હનુમાનજીના દર્શન કરવા જોઈએ. કારણ કે જ્યારે રામજીએ આ મંદિર હનુમાનજીને આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ ભક્ત અયોધ્યા આવશે ત્યારે તે પહેલા હનુમાનજીના દર્શન કરશે.
હનુમાનગઢી, હનુમાનજીનું પૌરાણિક મંદિર છે, જે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં આવેલું છે. આ મંદિરની આસપાસ ઋષિ-મુનિઓના રહેઠાણ છે. હનુમાનગઢીની દક્ષિણે સુગ્રીવ ટીલા અને અંગદ ટીલા નામના સ્થળો આવેલા છે. કહેવાય છે કે હાલના મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલા સ્વામી અભયારામદાસજીના નિર્દેશ અનુસાર કરવામાં આવી હતી. અહીંના લોકોની એવી માન્યતા છે કે આજે પણ ભગવાન રામના આદેશ પર હનુમાનજી અયોધ્યાનો કાર્યભાર સંભાળે છે. અહીં દૂર-દૂરથી લોકો હનુમાનજીના દર્શન કરવા આવે છે.
આ મંદિર અયોધ્યા શહેરની મધ્યમાં બનેલું છે અને એવું માનવામાં આવે છે કે હનુમાનજી અહીં હંમેશા બિરાજે છે. હનુમાનજીનું આ મંદિર રાજદ્વારની સામે એક ઊંચા ટેકરા પર આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ પણ ભક્ત આ મંદિરમાં હનુમાનજીને લાલ ચોળો ચઢાવે છે તો તેને દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. અહીં મુખ્ય મંદિરમાં બાળ હનુમાનની સાથે અંજની માતાની મૂર્તિ છે.
આ મંદિરની એક વિશેષતા એ છે કે અહીં લંકા વિજય પછી લાવવામાં આવેલા નિશાન પણ રાખવામાં આવ્યા છે. મંદિરમાં એક ખાસ ‘હનુમાન નિશાન’ છે, જે લગભગ ચાર મીટર પહોળો અને આઠ મીટર લાંબો ધ્વજ છે. માન્યતા અનુસાર દરેક પૂજા પહેલા હનુમાન નિશાન રામ જન્મભૂમિ સ્થાન પર લઈ જવામાં આવે છે. જ્યાં પહેલા તેની પૂજા કરવામાં આવે છે. 200 લોકો ભેગા મળીને રામજન્મભૂમિ પર આ નિશાન લઈ જાય છે.
આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોએ 76 પગથિયાં ચઢવા પડે છે. આ મંદિરની તમામ દિવાલો પર હનુમાન ચાલીસા અને ચોપાઈઓ લખેલી છે.
શ્રીરામની નગરીમાં હનુમાનજીનો ડંકો :
અયોધ્યા સ્વયં ભગવાન શ્રી રામની નગરી છે. આ સ્થાનના દરેક કણમાં શ્રી રામનો વાસ છે. અહીંની માટી પણ શ્રી રામના ચરણોથી પાવન થઈ છે. હવે જ્યાં ભગવાન શ્રી રામ છે, તેમના પરમ ભક્ત હનુમાન પણ ત્યાં જ હોવા જોઈએ. લોકો દૂર-દૂરથી હનુમાનજીના દર્શન કરવા આવે છે.
હનુમાનગઢી ભગવાન હનુમાનનું ઘર છે :
અયોધ્યાના હનુમાનગઢી મંદિરને ભગવાન હનુમાનના ઘર તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન હનુમાનજીને રહેવા માટે આપવામાં આવ્યું હતું, તેથી તેને હનુમાનજીનું ઘર પણ કહેવામાં આવે છે. હનુમાન ગઢી મંદિરના મહંત ગૌરી શંકર દાસના જણાવ્યા અનુસાર હાલના આ મંદિરનો ઈતિહાસ આજથી 300 વર્ષ જૂનો છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એબીપી, ઈન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.