જયારે હનુમાનજી હાર્યા એક તપસ્વી સામે, વાંચો હનુમાનજીના જીવનના અજાણ્યા કિસ્સા

0
501

જાણો કોણ હતા તે તપસ્વી જેમની સામે મહાબલી હનુમાનજીએ કરવો પડ્યો હતો હારનો સામનો.

શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને વીરોના વીર મહાવીર કહેવામાં આવે છે. જેમણે તેમના પ્રભુ રામનું રક્ષણ કરવા માટે ઘણા યુદ્ધ કર્યા અને જીત્યા. શાસ્ત્રોમાં તેમને સંકટમોચન કહેવામાં આવે છે, કેમ કે તે તેમના ભક્તોને દરેક સંકટ માંથી ઉગારે છે. રામાયણ મહાકાવ્યમાં મહર્ષિ વાલ્મીકીએ રામ ચંદ્ર અને હનુમાનજીના કાર્યોનું ઘણી જ સુંદર રીતે વર્ણન કર્યું છે. રામાયણ પરથી એ જાણી શકાય છે કે, હનુમાનજી તેમની નિસ્વાર્થ ભક્તિથી રામના મન મંદીરમાં વસેલા છે. રામજી માટે બજરંગબલીએ દરેક અસંભવ કાર્યોને પણ સંભવ કર્યા.

તેમણે તેમના પરાક્રમથી મોટા મોટા રાક્ષસોનો નાશ કર્યો. એટલું જ નહિ તેમણે તેમના પરાક્રમથી શનિદેવ, બાલી, અર્જુન, ભીમ જેવા મોટા મોટા વીરોને યુદ્ધમાં પરાજીત કરીને તેમનું અભિમાન તોડ્યું. પરંતુ શું તમને ખબર છે કે, સંકટમોચન હનુમાનજીએ તેમના જીવનકાળમાં અભિમાન વશ એક એવું યુદ્ધ પણ લડ્યું હતું, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. એટલું જ નહિ આ યુદ્ધમાં હનુમાનજીને હરાવવાવાળા કોઈ બીજા નહિ એક રામ ભક્ત જ હતા. તો આવો જાણીએ છેવટે કોણ હતા તે રામ ભક્ત.

હકીકતમાં મછીંદ્રનાથ નામના મોટા તપસ્વી હતા. એક વખત જયારે તે રામેશ્વરમાં આવ્યા તો રામજી દ્વારા નિર્મિત સેતુ જોઈ તે ભાવવિભોર થઇ ગયા, અને પ્રભુ રામની ભક્તિમાં લીન થઇને તે સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. ત્યારે ત્યાં વાનર વેશમાં ઉપસ્થિત હનુમાનજીની નજર તેમની ઉપર પડી, અને તેમણે મછીંદ્રનાથજીની શક્તિની પરીક્ષા લેવા માગી. એટલા માટે હનુમાનજીએ તેમની લીલા શરુ કરી, જેનાથી ત્યાં જોરદાર વરસાદ થવા લાગ્યો, તેવામાં વાનર રૂપી હનુમાનજી તે વરસાદથી બચવા માટે એક પહાડ ઉપર પ્રહાર કરી ગુફા બનાવવાનો પ્રયત્ન કરવાનો ઢોંગ કરવા લાગ્યા.

આમ તો તેમનો ઉદેશ્ય હતો કે મછીંદ્રનાથનું ધ્યાન તૂટે અને એવું જ થયું. તેમની નજર વાનર પર પડી. અને મછીંદ્રનાથે તે વાનરે કહ્યું, હે વાનર તું કેમ આવી મૂર્ખતા કરી રહ્યો છે. જયારે તરસ લાગે છે ત્યારે કુવો નથી ખોદવામાં આવતો. પહેલા જ તારે તારા ઘરની વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી. આ સાંભળતા જ વાનર રૂપી હનુમાનજીએ મછીંદ્રનાથને પૂછ્યું તમે કોણ છો? એટલે મછીંદ્રનાથે સ્વયંનો પરિચય આપ્યો, હું એક સિદ્ધ યોગી છું અને મને મંત્ર શક્તિ પ્રાપ્ત છે.

એટલે હનુમાનજીએ મછીંદ્રનાથની શક્તિની પરીક્ષા લેવાના ઉદેશ્યથી કહ્યું, આમ તો પ્રભુ શ્રીરામ અને મહાબલી હનુમાનથી શ્રેષ્ઠ યોદ્ધા આ સંસારમાં કોઈ નથી. પણ થોડા સમય તેમની સેવા કરવાને કારણે, તેમણે પ્રસન્ન થઈને તેમની શક્તિનો એક ટકા ભાગ મને પણ આપ્યો છે. તેથી જો તમારામાં એટલી શક્તિ છે અને તમે પહોંચેલા સિદ્ધ યોગી છો તો મને યુદ્ધમાં હરાવીને બતાવો, તો હું તમારા તપોબળને સાર્થક માનું. નહિ તો સ્વયંને સિદ્ધ યોગી કહેવાનું બંધ કરો.

એટલું સાંભળતા જ મછીંદ્રનાથે તે વાનરનો પડકાર સ્વીકારી લીધો અને યુદ્ધની શરુઆત થઇ ગઈ. તેમાં વાનર રૂપી હનુમાનજીએ મછીંદ્રનાથ ઉપર એક એક કરીને 7 મોટા પર્વત ફેંક્યા. આ પર્વતોને પોતાની તરફ આવતા જોઈ મછીંદ્રનાથે તેમની મંત્ર શક્તિઓ ઉપયોગ કર્યો અને તે તમામ પર્વતોને હવામાં સ્થિર કરી તેમને તેમના મૂળ સ્થાન ઉપર પાછા મોકલી દીધા. તે જોતા જ મહાબલીને ગુસ્સો આવ્યો. તેમણે મછીંદ્રનાથ ઉપર ફેંકવા માટે ત્યાં ઉપસ્થિત સૌથી મોટો પર્વત હાથમાં ઉપાડી લીધો. તે જોઇને મછીંદ્રનાથે સમુદ્રના પાણીના થોડા ટીપાને પોતાના હાથમાં લઈને તેને વાતાકર્ષણ મંત્રથી સિદ્ધ કરી તે પાણીના ટીપા હનુમાનજી ઉપર ફેંકી દીધા.

તે પાણીના ટીપાનો સ્પર્શ થતા જ હનુમાનજીનું શરીર સ્થિર થઇ ગયું અને તે હલન-ચલન કરવામાં પણ અસમર્થ થઇ ગયા. સાથે જ આ મંત્રની શક્તિથી થોડી ક્ષણો માટે હનુમાનજીની શક્તિ છિનવાઈ ગઈ અને તેથી તે પર્વતનો ભાર ન ઉપાડી શકવાને કારણે મુશ્કેલી અનુભવવા લાગ્યા. ત્યારે હનુમાનજીનું કષ્ટ જોઈ તેના પિતા તુલ્ય વાસુદેવ ત્યાં પ્રગટ થયા અને મછીંદ્રનાથને હનુમાનજીને ક્ષમા કરવાની પ્રાર્થના કરી.

વાસુદેવની પ્રાર્થના સાંભળી મછીંદ્રનાથે હનુમાનજીને મુક્ત કરી દીધા અને હનુમાનજી તેમના વાસ્તવિક રૂપમાં આવી ગયા. ત્યાર પછી તેમણે મછીંદ્રનાથને કહ્યું – હે મછીંદ્રનાથ તમે તો સ્વયં નારાયણનો અવતાર છો, તે હું સારી રીતે જાણતો હતો, છતાં પણ હું તમારી શક્તિની પરીક્ષા લેવાનો પ્રયત્ન કરી બેઠો, એટલા માટે તમે મારી આ ભૂલને માફ કરો. એ સાંભળીને સ્થિતિ સમજીને મછીંદ્રનાથે હનુમાનજીને માફ કરી દીધા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.