જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ ન રહયા
પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ‘કાગડા’
આવા ભગવાનશ્રી રામના પરમ ભક્ત અંજની પુત્ર હનુમાન વિશેની કૃતિ :
જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા
રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા
ન કરી કદીએ ઉઘરાણી જેમ (૨) સામા ચોપડા ન રાખ્યા ..
આગણ કેરા વેણ હરખથી, કોઈને મોઢે ન ભાખ્યા
અસીમ કૃપાથી સુખે સંસારી (૨) સ્વાદ ભર્યા નવ ચાખ્યા ..
હરીએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડાં મોઢામાં નાખ્યા
મોતીડાં કરડી એણે માળા જ ફેંકી, તાગડા તોડી નાખ્યા ..
રામના સઘળાં કામ કર્યા ને, બેસણા બારણે રાખ્યા
રાજસત્તાના ભડકા ભાળ્યા, ને એણે ધૂળમાં ધામા નાખ્યા ..
અંજની માતની કુંખ ઉજાળી, નિત રખોપા રાખ્યા
ચોકી રામની કદીએ ન છોડી, ઝાંપે ઉતારા રાખ્યા ..
“કાગ” કે બદલો ક્યારે ન માગ્યો, પોરષ કદીએ ન ભાખ્યા
જેણે બદલો લીધો એના, મોઢા પડી ગયા ઝાંખા ..
સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)