ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે, જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે.

0
554

વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે. જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’

– સંકલન/સંપાદન : ચીમન ભલાલ (અમર કથાઓ ગ્રુપ)