“હરિ તો હાલે હારોહાર” તમારા ભજનની યાદીમાં આ એક ભજન પણ ઉમેરી દેજો.

0
930

હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વાર

હરિ તો હાલે હારોહાર

નહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર?

હરિ તો હાલે હારોહાર.

ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ

પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ

હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર

હરિ તો હાલે હારોહાર.

વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ

સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ

તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર

હરિ તો હાલે હારોહાર.

મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ

પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ

એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર

હરિ તો હાલે હારોહાર.

-કૃષ્ણ દવે