હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ
ધરમ કરમ ના જોડ્યા બળદિયા ધીરજ ની લગામ તાણુ,
હરિ તું ગાડુ મારું….
સુખ ને દુ:ખ ના પૈડા ઉપર ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશા નો સૂરજ કદી અંધારુ થાય
મારઈ મુજ ને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….
પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મન ની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ક્યારે વાયે વાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….
ક્યાથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર, મન માં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું…..
(સંકલન : હસમુખ ગોહીલ, અમર કથાઓ ગ્રુપ)