“હરસિદ્ધિ અધ હારણી” – માં હરસિદ્ધની આ સ્તુતિથી કરો તેમને પ્રસન્ન.

0
1125

પરમાર શાખમાંથી કુલ પાંત્રીસ શાખાઓનું પ્રાગટય થયું. પરમારોના કુળદેવી માં હસિધ્ધિ અને પ્રગટેલી શાખાઓમાં પણ કુળદેવી તરીકે હરસિદ્ધ પૂજાય છે. હા એમાં ચડુ માતા તરીકે બીજી શક્તિઓ પૂજાતી હશે, પણ આજ માં હરસિદ્ધની બહુ ઓછી સ્તુતિ, અરજ, ચરજ, દુહા કે છંદ જોવા મળે છે, ત્યારે સારસી છંદમાં માં હરસિદ્ધની આ સ્તુતિ સૌ શકિત ઉપાસકો માટે.

દુહો

હરે વિઘન મા હરસિધ્ધિ, કરે આત્મ કલ્યાણ,

જય જય જય જગદીશ્વરી, નમુ શક્તિ નિર્માણ.

છંદ સારસી

નમુ હર્ષદ માત નિર્મળ, આદ્ય શક્તિ અંબિકા,

બળવંત જોદ્ધા માર બંકા ચંડ રોળણ ચંડીકા,

ઉજજૈનવાસી ઈશ્વરી, નવ રૂપ છો નારાયણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

શરણાઈ ભેરી નાદ સિંધુ ગડડ નોબત ગડગડે,

બળવંત સિંહ માત બ્રાજી, ધરા પડ સહુ ધડહડે,

તર વાર ચક્ર ગદા ત્રિશૂળ, ધનુષ ભાથા ધારણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

પ્રભાતસેને કરી પરગટ ચાવડો તાવે ચડ્યો,

વિક્રમ રાજા વંકડો પરદુઃખથી વચ્ચમાં પડ્યો,

ઉજ્જૈનથી ઉતારીયા, કોહલા પર્વત કારણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

ભભકંત દરિયે વહાણ ભક્ષત કાળ રૂપે કાલિકા,

પરચંડ મોજાં પ્રાછટે ત્યાં, અકળ ચંડી અંબિકા,

જગડું તણા જપ જાપથી, ધરા પરે પગ ધારણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

સમરાંગણે તું આદ્ય શક્તિ ભીડ ભંજન ભુધરી,

વસમી વખતમાં વાર કરવા, આવ અંબા ઈશ્વરી,

સંહાર વખતે ચંડીકા ઓમકાર શબ્દ ઉચ્ચારણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

સમરણ થકી સૌ રોગ નાશે, ભૂતપ્રેતા ભાગતા,

જાત્રા તણા સહુ જૂથ ઝાઝા, લળી પાયે લાગતા,

અરજી ધરીને ઉર અંબા તરત સાગર તારણી,

પરચંડ શક્તિ તુંહી પરગટ, હરસિદ્ધિ અધ હારણી.

– સાભાર શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)