અમને તો સુખમાં સાથી જોઈએ છે, દુ:ખમાં તો અમારી દીકરી એકલી જ પૂરતી છે… વાંચો હૃદયસ્પર્શી લઘુકથા.
આ પ્રસંગ છે એક બાપ-દીકરીનો. એક વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થયો. તે દિવસે તે ખુબ ખુશ થતા. ધીમી ધીમે સમય પસાર થયો ગયો અને દીકરી મોટી થઈ.
એક દિવસ દીકરીએ પોતાના પિતાને ખૂબ જ સહજ રીતે પૂછ્યું કે, “પપ્પા, શું મેં તમને ક્યારેય રડાવ્યા છે?”
આ સાંભળી પિતાએ કહ્યું, “હા.”
એટલે દીકરીએ ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું, “ક્યારે?”
પછી પિતાએ જૂની વાતને યાદ કરતા કહ્યું, “તે સમયે તું લગભગ એક વર્ષની હતી, તું ઘૂંટણ પર સરકતી હતી. ત્યારે મેં તારી સામે પૈસા, પેન અને એક રમકડું મૂક્યું હતું. કારણ કે હું જોવા માંગતો હતો કે તું ત્રણમાંથી કઈ વસ્તુ ઉપાડશે. તારી પસંદગી મને એ વાત જણાવતે કે તું મોટી થઈને કઈ વસ્તુને વધુ મહત્વ આપીશ.”
દીકરીએ પૂછ્યું, “તે કઈ રીતે પપ્પા.”
પિતાએ વાત આગળ વધારતા કહ્યું, “તેમાંથી પૈસા એટલે સંપત્તિ, પેન એટલે બુદ્ધિ અને રમકડું એટલે આનંદ. મેં આ બધું ખૂબ જ સહજતાથી અને ઉત્સુકતાવશ કર્યું હતું, કારણ કે હું ફક્ત તારી પસંદ જોવા માંગતો હતો. પછી તું એક જગ્યાએ બેસીને એ ત્રણેય વસ્તુઓને જોઈ રહી હતી.

હું તારી સામે મુકેલી તે વસ્તુઓની બીજી બાજુએ ચુપચાપ બેઠો હતો ફક્ત તારી તરફ જોઈ રહ્યો હતો. પછી તું હાથ અને ઘૂંટણ પર સરકતી આગળ વધી. હું તારી સામે જ જોઈ રહ્યો હતો. મારા હૃદયના ધબકારા થોડા ઝડપી થઈ ગયા હતા. અને તું થોડી જ ક્ષણમાં તે ત્રણેય વસ્તુઓને ફંગોળીને તેમને પાર કરીને સીધી મારા ખોળામાં આવીને બેસી ગઈ.
મને તો એ વાતનું ધ્યાન પણ રહ્યું નહોતું કે, તે ત્રણ વસ્તુઓ સિવાય, હું પણ તારી પસંદગીઓમાંથી એક હોઈ શકું છું. દીકરી, એ પહેલી અને છેલ્લી ઝણ હતી જ્યારે તેં મને રડાવ્યો હતો અને ખૂબ રડાવ્યો હતો.”
વાચક મિત્રો, દીકરી એ સૌથી અમૂલ્ય વારસો છે.
એક પિતાએ ખુબ જ સુંદર વાક્ય લખ્યું છે કે, અમને તો સુખમાં સાથી જોઈએ છે, દુ:ખમાં તો અમારી દીકરી એકલી જ પૂરતી છે.