પ્રયાસ આદર્યો છે, હવે થાય તે ખરું,
ચીલા ને ચાતર્યો છે, હવે થાય તે ખરું.
બીજ પણ વાવ્યું છે, ને જળ પણ સીંચ્યું છે,
છોડે ય પાંગર્યો છે, હવે થાય તે ખરું.
એ આવે અને બેસે, હતી એજ તમન્ના,
મેં તો પ્રાણ પાથર્યો છે, હવે થાય તે ખરું.
ચાલાકી ભર્યા કરતબ તો, ફાવતા નથી,
સદાચાર આચર્યો છે, હવે થાય તે ખરું.
તોફાન માંથી મછવો, બચી ગયો છે કિન્તુ,
મધ-દરિયે લાંગર્યો છે, હવે થાય તે ખરું.
દુનિયા ની દોડ માહીં, દોડયા પછી ઘણું,
ઉત્સાહ ઓસર્યો છે, હવે થાય તે ખરું.
બધા સારા વાના થાશે, એમ કહેતાં કહેતાં,
મેં ખુદને છેતર્યો છે, હવે થાય તે ખરું.
પીડા વિના, જીવન ની મઝા ય શું? કહો,
ઘા, મેંજ ખોતર્યો છે, હવે થાય તે ખરું.
લેવાને જે પણ આવે, યમદૂત કે ફરિશ્તો,
મારો જ નોતર્યો છે, હવે થાય તે ખરું.
એક પણ ધડકન માં, ભુલ્યો નથી ઈશ્વર ને,
એને હૈયે કોતર્યો છે, હવે થાય તે ખરું.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)