શિવલિંગની ઉપર એક મસ્તક અથવા એકથી વધારે મસ્તકો કંડારેલા હોય છે તે શું દર્શાવે છે, જાણો.

0
261

અનંતની કલ્પનાનો વિચાર માત્ર મનુષ્ય જ કરી શકે છે. આ પ્રકારની અમૂર્ત કલ્પનાને મનુષ્ય શબ્દો અને પ્રતીકો દ્વારા સમજાવી શકે છે, કારણ કે મનુષ્યને કલ્પનાશક્તિ આશીર્વાદ રૂપે મળી છે અને આ જ બાબત મનુષ્યને અન્ય પ્રાણીજગત કરતા વિશિષ્ટ બનાવે છે.

મનુષ્ય કલ્પના કરી શકે છે કારણ કે એની પાસે એવું વિકસિત મસ્તિષ્ક છે, જેની આગળ મોટા ગોળા જેવો લટકતો એક ભાગ છે. શરીરરચનાની દ્રષ્ટિએ આ બાબત મનુષ્યને પ્રકૃતિમાં રહેતી અન્ય જીવસૃષ્ટિથી આલગ પાડે છે. ભારતીય અધ્યાત્મવિદ્યાની એક શાખા-સાંખ્યમાં પુરુષને પ્રકૃતિથી અલગ બતાવામાં આવે છે. આધ્યત્મવિદ્યામાં આ મુખ્ય ભેદ ગણવામાં આવે છે કારણ કે મનુષ્ય ઈંદ્રિયાતીત સત્યની, પ્રકૃતિની પેલે પાર રહેલા સત્યની કલ્પના કરી શકે છે.

જો અતિવિકસિત મસ્તિષ્ક (બુદ્ધિ) ન હોત તો કલ્પનાશક્તિ ન હોત અને તે ન હોત તો પરમેશ્વરની કલ્પના કરી શકાઈ ન હોત.

કુદરતમાં દરેક વસ્તુને(જીવને) એનું સ્વરૂપ છે. આ સ્વરૂપોને સ્થળકાળની મર્યાદા છે. પોતાના સ્વરૂપને ટકાવી રાખવા માટે એણે ખોરાક લેવો પડે છે. વંશવૃદ્ધિ કરવા માટે – વંશાવલી ટકાવવા માટે જાતીયપ્રવૃત્તિ કરવી પડે છે. કાળક્રમે બધા જ સ્વરૂપો નાશ પામે છે અને એની જગ્યા નવા સ્વરૂપો આવે છે. આમ, પ્રકૃતિ આત્મનિર્ભર છે. ઘટનાઓનું ભાવિકથન કરી શકનાર ચક્ર છે. જ્યાં નવા સ્વરૂપો આવે છે ને જાય છે.

સર્જન અને વિસર્જન છે, પરંતુ કલ્પનાશક્તિને કારણે મનુષ્ય એવા વિશ્વની કલ્પના કરી શક્યો છે જ્યાં પ્રકૃતિનો નિયમોનો ધ્વંસ કરવામાં આવ્યો છે એવું વિશ્વ, જેમાં સ્વરૂપો નથી. એવું વિશ્વ જ્યાં કોઈ સીમા નથી, મર્યાદા નથી. એવું વિશ્વ, જ્યાં કાર્યકરણના સંબંધની પ્રતિક્રિયાનો અનુભવ થતો નથી.

એવું પરમ શ્રેષ્ઠ વિશ્વ જે ખોરાક અને પ્રજોત્પત્તિ તથા સર્જન અને વિસર્જનની પેલે પાર છે. એવું પ્રગાઢ શાંત વિશ્વ, જ્યાં અશાંતિ અને ક્ષુબ્ધતા નથી. જ્યાં છે માત્રને માત્ર અપાર શાંતિ અને સ્વર્ગીય આંનદ. બીજા શબ્દોમાં મનુષ્ય પ્રકૃતિથી પેલે પારના વિશ્વની કલ્પના કરી શકે છે. લિંગમાં આ કલ્પના રહેલી છે.

ભારતમાં ઘણા મંદિરોમાં લિં ગની ઉપર એક મસ્તક અથવા એકથી વધારે મસ્તકો કંડારેલા હોય છે, અથવા લિં ગની ઉપર પિત્તળનું માનવ મસ્તકનું મોહરું જડેલું દેખાય છે. આ મસ્તક શિવ સાથે જોડાયેલું હોય છે. અર્થાત શિવથી અભિન્ન છે. એ સૂચવે છે કે મનુષ્યનું મસ્તક અન્ય પ્રાણીઓના મસ્તક કરતા વિશિષ્ટ છે.

મનુષ્ય અતિવિકસિત મસ્તક ધરાવે છે. તેથી તે કલ્પના કરી શકે છે અને મનુષ્યને ક્રમશ: દિવ્યતાના પથ સુધી લઇ જઈ શકે છે. ભક્તોને કપાળ પર આ જ કારણે પવિત્ર ચિન્હ કરાવવામાં આવે છે, જે તેમને મળેલી વિશિષ્ટ નિર્ણયશક્તિ અને કલ્પનાશક્તિની યાદ અપાવે છે અને તે આપણી માનવતાને ઓળખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આપણે કલ્પનાશક્તિ દ્વારા આપણા જગતનું દર્શન કરી શકીએ છીએ. ભવિષ્યનું દર્શન કરી શકીએ છીએ અબે એથીયે વધારે મહત્વનું આપણે આત્મદર્શન – આપણું પોતાનું દર્શન કરી શકીએ છીએ. આપણે કોણ છીએ અને શું બનવા ઇચ્છીએ છીએ તેની કલ્પના કરી શકીએ છીએ. આ દર્શનને આપણી ચોતરફની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. આપણી સ્મૃતિમાં જે સંઘરાયેલું છે કે ભૂકાળમાં આપણને જે કહેવામાં આવ્યું હતું એમાં સુધાર હોઈ શકે. કલ્પના કરી આપણે જાણી શક્યા છીએ કે આપણે પ્રકૃતિથી ભિન્ન છીએ.

બીજા શબ્દોમાં, કલ્પના કરીને આપણે આત્મજાગૃતિ કેળવી શકીએ છીએ. કલ્પના કરીને આપણે જાણી શકીએ છીએ કે કોઈપણ બે વ્યક્તિઓની એક જ વસ્તુ માટેની કલ્પના સરખી હોતી નથી. તેથી આપણે કોણ છીએ તે જાણવા માટે પૃથ્થકરણ કરવા માટે, સંયોજન કરવા માટે, તેમ જ વિચારવિનિમય કરવા માટે આશ્ચર્ય પમાડે તે રીતે કલ્પના કરી શકાય છે. કલ્પના કરતા રહેવાથી આપણે નિષ્ક્રિય બનતા અટકીએ છીએ. એ આપણામાં સુધાર લાવવા માટે પ્રેરે છે. એ આપણો વિકાસ કરવા આપણને પ્રેરે છે.

– દેવદત્ત પટનાયક.