ઉંદરોનું સ્વર્ગ : આજનો માનવી કેવું જીવન જીવી રહ્યો છે તે સમજવા આ લેખ જરૂર વાંચજો, કડવી વાસ્તવિકતા છે.

0
373

– શૈલેષ સગપરિયા.

અમેરિકામાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ’ નામની એક સંસ્થા છે. સ્થાપ્નાકાળથી આ સંસ્થા માનવજાતને ઉપયોગી થાય એવા જાત જાતના પ્રયોગો અવારનવાર કરતી રહે છે. અમૂક વર્ષ પહેલા આ સંસ્થાએ એક વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. સંસ્થાએ કરેલો આ પ્રયોગ અને એના પરિણામો આપણા બધા માટે આંચકારુપ અને આપણને બધાને વિચારતા કરી મૂકે એ પ્રકારના છે.

આ સંસ્થાએ સંશોધનના ઉદેશથી ઉંદર માટે એક સ્વર્ગ તૈયાર કર્યું. સ્વર્ગ એ અર્થમાં કે ઉંદરોને કોઇ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઉભી કરી હતી. માણસની જેમ ઉંદર પણ મોજથી રહી શકે એ મુજબની એની તમામ જરૂરીયાતોને ધ્યાન્માં લઇને ઉંદરો માટે એક માનવસર્જીત સ્વર્ગ તૈયાર કર્યુ હતું. આ માટે 4000 ઉંદર આરામથી રહી શકે એવી જગ્યા પસંદ કરી. એ જગ્યામાં 4000 ઉંદરો માટે પર્યાપ્ત હોય એટલા ખોરાક અને સુખ સગવડો મૂક્યા.

4000 ઉંદર ખુબ સારી રીતે જીવે શકે એવી વ્યવસ્થા હોવા છતા આ જગ્યા પર માત્ર 4 નર અને 4 માદા એમ કુલ 8 ઉંદરોને જ મુકવામાં આવ્યા. 4000 ઉંદર માટે પૂરતી થઇ શકે એવી સુવિધાવાળી જગ્યા પર માત્ર 8 જ ઉંદરને રાખ્યા એટલે ઉંદરોને તો મોજ પડી ગઈ. એમના આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ હતું. જાણે કે પૃથ્વી પરનું સ્વર્ગ જ હતું. ત્યાં કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી કે કોઈ હાડમારી નહોતી. 4 જોડી ઉંદરો સુખેથી જીવન વ્યતીત કરતા હતા.

ધીમે ધીમે ઉંદરોની વસ્તી વધવા લાગી. દર પંચાવન દિવસે ઉંદરોની સંખ્યા લગભગ બમણી થવા લાગી. આમ દિવસે દિવસે ઉંદરોની સંખ્યા વધતી ચાલી. સંખ્યા જ્યારે 600 થી પણ વધી ગઈ ત્યારે ઉંદરોની જીવનશૈલીમાં પરિવર્તન આવવા લાગ્યું.

પહેલા જે ઉંદરો કોઇપણ જાતની સમસ્યાઓ વગર આરામથી જીવન વ્યતિત કરતા હતા એ ઉંદરો વચ્ચે હવે સામાજિક પ્રશ્નો ઉભા થવા લાગ્યા. જે ઉંદરો હળીમળીને રહેતા હતા એની વચ્ચે હવે મા-રા-મા-રી, તોફાનો અને ખેંચાખેંચ થવા લાગી. મોટા ઉંદરો એમના માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોવા છતા તાજા જન્મેલા નાના બચ્ચાઓને ખાઈ જવા લાગ્યા.

મોટી ઉંમરના અને અનૂભવી વડીલ ઉંદરો સ્વર્ગનું સુખ માણવાના બદલે એકબીજાના ટાંટિયા ખેંચવાની રમતમાં લાગી ગયા. આ ઉંદરો જીવન પ્રત્યે ઉદાસીન બની ગયા અને માનસિક તનાવ નીચે જીવવા લાગ્યા. આંતરીક વિખવાદની અસર નવા જન્મ લેતા ઉંદરોમાં સ્પષ્ટપણે દેખાતી હતી. એકબીજાને સાથ સહકાર આપવાની વાત તો એક બાજુએ રહી, ઉલટાનું નવી પેઢીના ઉંદરો તો સાવ સ્વાર્થી અને નિર્માલ્ય બનવા લાગ્યા. નવું કોઈ પરાક્રમ કે કાર્ય કરવાનો ઉત્સાહ સાવ મ-રી-પ-ર-વા-ર્યો હોય એમ લાગતું હતું.

ઉંદરોની સંખ્યા જ્યારે 2000 ની આસપાસ પહોંચી ત્યારે તો આ પરિસ્થિતિ વધુ વકરી. જેટલી સંખ્યામાં ઉંદરો હતા એના જેટલી જ સંખ્યામાં હજુ બીજા વધુ ઉંદરોનો સમાવેશ થઇ શકે તેમ હતો. વ્યવસ્થા તો 4000 ઉંદર માટે હતી પરંતુ 2000 ઉંદરો પણ રહી શક્યા નહિ.

મિત્રો, હવે આ ઉંદરની જગ્યાએ માનવજાતને મુકીને વિચારો. તમને ઘણી સામ્યતા જોવા મળશે. પ્રભુએ આ જગતના દરેક માણસ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી છે. ધરતી પરનો દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી. ભગવાને આપણા માટે તૈયાર કરેલા સ્વર્ગની મજા માણવાના બદલે આપણે પણ ઉંદર જેવા થઇ ગયા છીએ.

ગાંધીજી ઘણીવાર કહેતા કે આ ધરતી પાસે એટલું બધુ છે કે એનાથી ધરતી પરના દરેક જીવની જરૂરીયાત (Need) પુરી કરી શકાય પણ આ ધરતી પાસે એટલુ નથી કે એક માણસની લાલસા( Greed ) પણ પુરી કરી શકે.

જો આપણે આપણી જરૂરીયાતો પુરી કરવાની હોય તો આ જગત આપણા માટે સ્વર્ગ જ છે. મ-રુ-ત્યુ-બા-દ સ્વર્ગ મળે કે કેમ એ તો પ્રભુ જાણે પણ જીવતા જ સ્વર્ગ અનુભવી શકાય એવી સુખ સુવિધાઓ આજે ઉપલબ્ધ છે. વર્ષો પહેલા મહારાજાને પણ જે સુખ નહોતું મળતું એવુ સુખ આજે સામાન્ય નાગરીક પણ ભોગવી શકે છે. પણ આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી.

જરા આપણી આજની અને અમૂક વર્ષો પહેલાની જીંદગી વચ્ચે એક સરખામણી કરી જુઓ, તમને જવાબ મળી જશે. જીવનધોરણ સુધર્યુ છે અને ભૌતિક સુવિધાઓ પણ ખુબ વધી છે પણ એની સરખામણીમાં આનંદ ઓસરતો જતો હોય એમ લાગે છે.

વધુ ને વધુ મેળવી લેવાની લ્હાયમાં જે છે એ માણવાનું પણ રહી જાય છે.

– શૈલેષ સગપરિયા.