નોકરી અને પૈસા માટે પોતાનું સત્ય છુપાવવાથી થાય છે મોટું નુકશાન, કુંભારની સ્ટોરી પરથી સમજો વાત.

0
188

એક સમયની વાત છે. એક ગામમાં એક ગરીબ કુંભાર રહેતો હતો. તે દિવસે માટલા વેચીને કમાણી કરતો હતો અને રાત્રે તે પૈસાથી દારૂ પીતો હતો. એક રાત્રે કુંભાર નશામાં ધૂત થઈને ઘરે પરત ફરી રહ્યો હતો.

રસ્તામાં તે એક મોટા પથ્થર સાથે અથડાઈને નીચે પડ્યો અને રસ્તા પર પડેલા પથ્થરોમાંથી એક તેના કપાળમાં વાગ્યો અને કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. કોઈક રીતે તે પોતાના ઘરે પહોંચ્યો અને પીધેલી હાલતમાં જ સૂઈ ગયો.

સવારે ઉઠતાની સાથે જ તે વૈદ્ય પાસે ગયો અને મલમપટ્ટી કરાવી. વૈદ્યએ કુંભારને કહ્યું, “ઘા બહુ ઊંડો છે, તેને રૂઝતાં ઘણો સમય લાગશે, ઘા રૂઝાઈ જશે, પણ તે નિશાન છોડી જશે.”

થોડા દિવસો પછી ગામમાં દુકાળ પડ્યો, જેના કારણે ગામના લોકો પોતાના ઘર છોડીને બીજા રાજ્યમાં જવા લાગ્યા, કુંભાર પણ તેમની સાથે બીજા રાજ્યમાં ગયો.

કોઈ કામ ન હોવાને કારણે તે પોતાના મિત્રો સાથે રાજાના દરબારમાં કામ માંગવા ગયો. એક પછી એક બધાને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા.

રાજાની નજર કુંભારના કપાળ પરના નિશાન પર પડી. આટલું મોટું નિશાન જોઈને રાજાએ વિચાર્યું કે તે બહાદુર યોદ્ધા હોવો જોઈએ. તેને કપાળ પર આ ઈજા યુદ્ધ દરમિયાન જ થઈ હોવી જોઈએ.

રાજાએ તેને પોતાના રાજ્યના સૌથી મહત્વપૂર્ણ સૈનિકોમાંથી એક બનાવવાનું નક્કી કર્યું. આ જોઈને રાજાના મંત્રીઓ અને સૈનિકોને તે કુંભારની ઈર્ષ્યા થવા લાગી. કુંભારે પણ મોટા પદ અને ધનના લોભને કારણે રાજાને સત્ય ન કહ્યું.

થોડા સમય પછી, અચાનક પડોશી રાજ્યએ હુમલો કર્યો, રાજાએ પોતાના બધા સૈનિકોને બોલાવ્યા અને યુદ્ધ લડવા માટે હથિયારો આપ્યા. પેલો કુંભાર સાચો સૈનિક ન હોવાથી યુદ્ધમાં જવાથી ડરવા લાગ્યો.

બીજો કોઈ વિકલ્પ ન જોઈને કુંભાર રાજા પાસે ગયો અને તેમને સત્ય કહ્યું કે મહારાજ, આ ઈજા મને યુદ્ધમાં નથી થઈ, હું તો એક ગરીબ કુંભાર છું.

એક દિવસ જ્યારે હું દારૂના નશામાં ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક મોટા પથ્થર સાથે અથડાઈને હું રસ્તા પર પડી ગયો અને રસ્તામાં પડેલો પથ્થર મારા કપાળમાં વાગી ગયો. જેના કારણે ઊંડો ઘા થઈ ગયો અને તે નિશાન બની ગયો.

રાજા ગુસ્સે થયા અને કુંભારને સજા કરવાનો આદેશ આપ્યો. રાજાએ કુંભારને તેના પદ પરથી હટાવી દીધો અને તેને રાજ્ય છોડવાનો આદેશ આપ્યો. પછી કુંભારે રાજાને વિનંતી કરી કે તે યુદ્ધ લડશે.

પરંતુ રાજાએ તેની એક પણ વાત ન સાંભળી અને તેને કહ્યું કે, તારામાં ભલે સૈનિક હોવાના ગુણો હોઈ શકે, પણ તેં છેતરપિંડી કરીને આ પદ મેળવ્યું હતું. સારું રહેશે કે તું અહીંથી જતો રહે નહીંતર જો લોકોને તારી સત્યતા ખબર પડી જશે તને મારી નાખશે.

કુંભાર સમજી ગયો કે રાજા શું કહેવા માંગે છે. નિરાશ થઈને કુંભારે રાજ્ય છોડી દીધું.

પાઠ : વ્યક્તિએ જુઠાણું લાંબો સમય છુપાવી શકાતું નથી, એક દિવસ સત્ય બહાર આવે જ છે. તેના કારણે તે વ્યક્તિને સૌથી વધુ નુકસાન થાય છે જે તમારા પર આંધળો વિશ્વાસ કરે છે.