હાઈસ્કૂલમાં ભરતી માટે લેવાયેલા અનોખા ઈન્ટરવ્યુંનો આ પ્રસંગ મહત્વની શીખ આપે છે, વાંચવાનું ચુકતા નહિ.

0
1099

“અનોખું ઈન્ટરવ્યુ” :

હાઈસ્કૂલ ની લોબીમા નિયત સમયે બધા હાજર હતા અને લાઈન માં ઉભા રહ્યા હતા. વીસ વર્ષથી લઈ છેક પાંત્રીસ ચાળીસ વર્ષ ના પણ હતાં. બે ચાર વડીલોને જોઈ યુવાન છોકરાઓ ગમ્મત ગમ્મત માં પુછવા લાગ્યા ‘કાકા તમેં પણ આ ઉંમરે અમારી સાથે’. કાકાએ પણ હળવાશથી કહ્યું ‘જુઓને તમારી કાકી એ કહ્યું કે નવરા ઘરે રહો છો એના કરતા…’ બધાએ વાતને ઉપાડી લીધી ‘મતલબ આ ઉંમરે પણ તમે નવરા ન રહેવા જોઈએ અને ઘરે પણ નહીં.

અંદરથી એક વ્યક્તિ બહારની માહિતી માટે ઓફિસ ની બહાર આવીને જુએ છે. ધાર્યા કરતાં વધારે છોકરાઓ લાઈન માં ઉભા છે. અંદર જઈ કંઈક નિર્ણય બદલવાની અને હવે શું કરવું એના માટે વાતચીત ચાલી રહી છે.

બહાર બધા આતુરતાથી ક્યારે શરૂઆત થાય અને પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા છે. અચાનક કંઈક તુટવાનો અવાજ આવ્યો. એટલામાં એક શિક્ષક બહાર આવીને જણાવે છે કે, મિત્રો માફ કરજો અંદર અમારા સાથીની ભુલ થઈ ગઈ અને ઓફિસમાં ચા ઢોળાઇ ગઈ છે, કપ -રકાબી તુટી ગયા છે. બધું સાફસુફ કરવું પડે એમ છે. કદાચ તમારામાંથી કોઈ એક જણ આવીને આ કરી દે તો પછી આપણે આગળ વધીએ.

બધા એકબીજા સામું જોવા લાગ્યા. પેલા વડીલ કહે કે ‘હું જાઉં? ના મારાથી કેમ જવાય. ભાઈ કોઈ જઈ આવોને ફટાફટ કામ પતે જલદી. થાકી ગયા ઉભા ઉભા અને વળી આ લોકોની ભુલના કારણે વધારે સમય વેડફાશે. તમારામાંથી કોઈ ન જાય તો પછી હું જઈ આવું બીજું શું?’ એક સાદો, સરળ છોકરો બોલ્યો, ‘વડીલ તમે રહેવા દો લાવો હું જઈ આવું છું’ કહી ઓફિસમાં ગયો અને કામે લાગી કામ પુરું કર્યું.

થોડી વાર પછી પેલા વડીલે યુવા છોકરાઓને કહ્યું કે, કહો હવે ઈન્ટરવ્યુ ચાલુ કરે. છોકરાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચાલુ કરે અને આપણો નંબર આવે.

થોડીવાર થઈ બધો સ્ટાફ બહાર આવ્યો. નવાઈની વાત તો એ થઈ પેલા વડીલ પણ તેમની સાથે તેમની હરોળમાં ઊભા રહ્યાં. પેલા વડીલે વાતોનો દોર હાથમાં લેતાં કહ્યું કે, હું આ હાઈસ્કૂલ નો પ્રિન્સિપાલ છું. તમે સૌ જાણો છો કે અમારી હાઈસ્કૂલમાં “પટાવાળા” ભાઈ ની જરૂર હતી એનાં માટે અમે જાહેરાત આપી હતી અને આપ સૌ એ માટે આવ્યા હતા.

તમારી સામે જે આખો ઘટનાક્રમ ઊભો થયો તે અમારી અગાઉથી જ નક્કી કરેલ “ઈન્ટરવ્યુ” નો એક ભાગ હતો. અમને યોગ્ય લાયક માણસ મળી ગયો છે. આપ બધા જઈ શકો છો. અમારી પસંદગી પુરી થઈ. બધા અવાક્ બની આ અનોખું ઈન્ટરવ્યુ જોઈ રહ્યા.

કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. આપણી લાયકાત અને આપણા લાયક કામની આપણને ખબર હોવી જોઈએ. વાચક મિત્રો આપના સહયોગ થકી કંઈક લખવાની ઉમ્મીદ જાગે છે અને આપની સમક્ષ રજુ કરું છું આશા રાખું આપને જરૂર ગમશે.

જય હિંદ.

– સૌજન્ય રમેશભાઈ પરમાર. (અમર કથાઓ ગ્રુપ)