“હિંમતવાળાને હરિ મળે” – વખતબાની શૂરવીરતા અને સમજણનો આ પ્રસંગ વાંચવા જેવો છે.

0
603

હિંમતવાળાને હરિ મળે :

શ્રીજી મહારાજ ખોખરથી સીધા પૂર્વ દિશાના ગામ કણભા પધાર્યા. થયું એવું કે મહારાજ કણભા પધાર્યા એટલે બધા ભક્તોએ પધારો… પધારો… કહીને મહારાજને આવકાર્યા છે. મહારાજે કહ્યું પધારવાની વાત પછી તમે જાણો છો અમારી સ્થિતિ?

ના મહારાજ!….

અમને રાખવા હોય તો રાખો અમે રહેવા તૈયાર છીએ પરંતુ અમારી પાછળ અમને પકડવા માટે પેશ્વાનું લશ્કર આવે છે.

કેમ લશ્કર?

ખોખરમાં ઝગડો થઈ પડ્યો છે, મા-રા-મા-રી થઈ છે અને લશ્કર અમારી પાછળ પડ્યું છે. આ વાત સાંભળી કણભાના હરિભક્તોએ ગભરાઈને લીલી ઝંડી ફરકાવી દીધી. મહારાજ! આખું લશ્કર ગામમાં આવે તો નુકશાન થઈ જાય. મા-રા-મા-રી થઈ જાય અને આ હરિભક્તોએ ગભરાઈને મહારાજને વિદાય આપી દીધી. (ભક્તો હોવા છતાં શૌર્ય ન હોય ત્યાં આવું થાય) અહીંથી શ્રીજી મહારાજ હસતા હસતા ચાલી નીકળ્યા કે આ અમારા ભક્તો હોવા છતાં હજુ સંત સમાગમ કરીને બરાબર ઘડાયા નથી માટે અમને રાખવામાં એ ડરી ગયા.

મહાપ્રભુ કણભાથી આગળ વધ્યા. ખરી નદી ઓળંગી વહેલાલ જેશંગભાઈને ઘેર પધાર્યા. એમના બેન વખતબા ઘરે હતાં, એ પોતે નહોતા. ક્યાંક બહાર ગયા હશે. વખતબાએ મહારાજને આવકાર્યા. પધારો મહારાજ! પધારો… પધારવાનું પછી પણ તમે જાણો છો?

શું મહારાજ!

અમને પકડવા માટે અમારી પાછળ પેશ્વાનું લશ્કર પડ્યું છે. તમારી શક્તિ હોય તો અમને રાખો, નહીંતો બીજે જઈએ.

સાવધાન …… શૂરવીર ભક્તો કેવા હોય?

જેશંગભાઈના બહેન કહે, મહારાજ! કોનું લશ્કર? પેશ્વાનું? ઓહોહો… એમાં શું ડરવાનું! મહારાજ! મેં ગીતા સાંભળી છે કે જયાં ભગવાન છે ત્યાંજ વિજય છે, તમે મારા ઘરમાં બિરાજતા હો અને આખી ધરતીનું લશ્કર ચડી આવે તોય મારે કોઈની બીક નથી.

મહારાજને ઢોલિયો ઢાળી ઘરમાં પધરાવ્યા અને માણકી ઘોડી ઘરની અંદર બાંધી. આમ તો ઘોડી ચોકમાં બંધાય પણ કોઈ શત્રુ આવતા હોય એટલે મહારાજને સંતાડી દઉં એ ભાવથી ઘોડી અંદર બાંધી. ઘોડીને હાથ ફેરવીને કહે, જો તું અમારી જાતિની ગણાય, અવાજ ન કરતી. અને આ બહેને સાડલાનો છેડો કેડમાં ખોસી ઘરમાંથી સાંબેલું ઉઠાવ્યું. અને ગામની ભાગોળે પહોંચી ગયા.

ત્યાં જેશંગભાઈ આવ્યા કેમ બેન? આ બધું શુ છે? આવું રૂપ કેમ લીધું છે? મહારાજને પકડવા લશ્કર આવે છે. કોઈ નથી આવતું હું ત્રણ ગાઉથી આવું છું. કોઈ નથી ચાલો ઘરે અને બેન ને ભાઈ ઘરે આવ્યા.

શ્રીજી મહારાજ ઢોલિયે બિરાજ્યા છે અને હસતાં હસતાં કહે છે, લશ્કરને મા-રી-આવ્યા?

ના, મહારાજ! કોઈ લશ્કર નથી.

મહારાજ કહે છે, ના, તમારો જય થયો, લશ્કરનો પરાજય થયો. તમારી હિંમત એટલી હતી કે તમે જીતીને આવ્યાં છો. સ્વામિનારાયણ ભગવાન વખતબાની શૂરવીરતાથી, સમજણથી ખૂબ રાજી થયા.

વ્હાલા ભક્તો! જો જો સાવધાન રહેજો ક્યાંક આપણી પણ આવી અણધારી કસોટી થાય તો હિંમત હારતા નહિ. આપણા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે-

“હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે,

વિપતે વચ્ચી રે કેદી દીન વચન નવ ભાખે”

એટલે ઘરમાં કે જીવનમાં ભગવાનને રાખવા હોય તો હિંમતવાળા બનજો. ભક્તોમાં હિંમત હોય તો ભગવાન તેમને જરૂર મદદ કરે છે.

“જો હોય હિંમત રે નરને ઉરમાંહી ભારી,

દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી”

જય શ્રી સ્વામિનારાયણ.

– બીએપીએસ બ્લોગ પરથી.