વહુ માટે ધૂળેટી શું અને દિવાળી શું? વાંચો વહુની ઉદાસી દુર કરનાર સાસુની સ્ટોરી.
ધૂળેટીના દિવસે સંધ્યા ઉદાસ મને ધૂળેટી રમવા આવનાર લોકો માટે પકોડા અને દહીં ભલ્લા બનાવવા રસોડામાં જતી હતી. તેણીએ રસોડામાં પગ મૂક્યો જ હતો કે તેની સાસુ કુસુમ બહેને તેણીને કહ્યું, વહુ પકોડા અને દહીં ભલ્લા બનાવવા માટે કંદોઈને ઓર્ડર આપી દીધો છે, તે નક્કી કરેલા સમયે બધું અહીં પહોંચાડી દેશે. જા તું તારા પતિ અને તારી બહેનપણીઓ સાથે રંગોથી ધૂળેટી રમ.
સાસુની વાત સાંભળીને સંધ્યા આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. એટલે સાસુએ સ્મિત સાથે તેણીને કહ્યું, આમાં નવાઈની વાત શું છે? તને પણ ધૂળેટી રમવા જવાનું મન થતું હશે ને, તો જા મન ભરીને રંગોથી રમ.
સાચે મમ્મી… તો તો હું મન ભરીને રમીશ… એમ કહીને સંધ્યા આનંદથી કૂદી પડી, અને સાસુના ચહેરા પર રંગ લગાવ્યો અને તેમને પગે લાગીને પોતાના પતિ અને બહેનપણીઓ સાથે ધૂળેટી રમવા લાગી.
લગ્નના ઘણા વર્ષો પછી પોતાની વહુને પહેલીવાર આટલી ખુશ જોઈને તેમને 1 દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ. જ્યારે તે જમ્યા પછી ચાલવા નીકળ્યા હતા ત્યારે તેમણે સંધ્યાને પોતાની બહેનપણી સાથે ફોન પર વાત કરતા સાંભળી.

સંધ્યા પોતાની બહેનપણીને કહી રહી હતી કે, વહુ માટે હોળી-ધૂળેટી શું અને દિવાળી શું? અમારો આખો દિવસ ઘરમાં આવનારા મહેમાનો માટે વાનગીઓ બનાવવામાં અને તેમને જમાડવામાં પસાર થઈ જાય છે. સાસુ અને સસરાએ પહેલેથી જ ઘણા બધા પકોડા, દહીં ભલ્લા બનાવવા પડશે એવું કહી દીધું છે.
બધા સાસુ સસરા અને પતિઓ પોતાના મિત્રો સાથે ખૂબ ધૂળેટી રમે છે અને વહુઓને કામની જવાબદારી સોંપી દે છે. પણ તેઓ એવું નથી વિચારતા કે વહુઓને પણ ધૂળેટી રમવાનું મન થયું હશે. ચલ હવે હું ફોન મુકું છું, મારે સવારે વહેલા ઉઠવાનું છે, ઘણી તૈયારીઓ કરવાની છે. પછી તે ફોન મૂકી દે છે અને જઈને સૂઈ જાય છે.
સંધ્યાની વાત સાંભળીને કુસુમ બહેન વિચારમાં પડી ગયા હતા અને પતિ અને પુત્ર સાથે વાત કર્યા પછી તેમણે વહુના માથા પરથી જવાબદારીનો બોજ ઓછો કરવાનો નિર્ણય લીધો, જેથી તે પણ ખુશીથી રંગોથી રમી શકે. જ્યારે સંધ્યાએ ફરીથી પ્રેમથી મમ્મી… કહેતા તેમના ચહેરા પર રંગ લગાવ્યો ત્યારે પોતાની વહુને ખુશ જોઈને કુસુમ બહેન ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા.