કેવી રીતે થયો બાલી અને સુગ્રીવનો જન્મ અને કેવી રીતે પડ્યું ઋષ્યમૂક પર્વતનું નામ.

0
672

વાંચો રામાયણ સાથે જોડાયેલા બે એવા કિસ્સા જેના વિષે તમે ક્યારેય વાંચ્યું નહીં હોય.

આજે આ લેખમાં અમે તમને બે પૌરાણિક ઘટનાઓ વિષે જણાવીશું, જેમાંથી એક છે ઋષ્યમૂક પર્વતનું નામ કઈ રીતે પડ્યું? અને બીજી એ કે બાલી અને સુગ્રીવનો જન્મ કઈ રીતે થયો?

(1) ઋષ્યમૂક પર્વતનું નામ કઈ રીતે પડ્યું?

ઋષ્યમૂક પર્વત શ્રેણીઓ અંતર્ગત એક પર્વત પર એક વિશાળ વાનર રહેતો હતો, જેનું નામ ઋક્ષરાજ હતું. કોઈએ તેને પૂછ્યું કે, આ પર્વતનું નામ ઋષ્યમૂક કેમ પડ્યું? તો તેણે કહ્યું કે, રાવણે જેમને પરેશાન કર્યા હતા એવા ઘણા બધા ઋષિઓ એક સાથે એક જગ્યાએ મૂક એટલે કે મૌન થઈને રાવણનો વિરોધ કરી રહ્યા હતા.

રાવણ જયારે વિશ્વ વિજય માટે ત્યાંથી નીકળ્યો, તો તેણે એક સાથે લાખો ઋષિઓને એક જગ્યાએ ભેગા થયેલા જોઈને પૂછ્યું કે, આટલા બધા મહાત્મા લોકો અહીં શું કરી રહ્યા છે? તો રાક્ષસોએ જવાબ આપ્યો કે – મહારાજ, આ તમારા દ્વારા પરેશાન કરવામાં આવેલા ઋષિઓ છે જે મૂક થઈને તમારા વિરોધ સ્વરૂપ અહીં ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે. આ સાંભળી રાવણ ગુસ્સે થયો અને કહ્યું, તેમની આટલી હિંમત? મારી નાખો આ દરેકને. રાવણની આજ્ઞાથી રાક્ષસોએ તે દરેક ઋષિઓને મારી નાખ્યા. તેમના અસ્થિ અવશેષોથી અહીં એક પર્વત બની ગયો, જેથી આનું નામ ઋષ્યમૂક પર્વત પડ્યું.

(2) બાલી અને સુગ્રીવનો જન્મ કઈ રીતે થયો?

તે ઋક્ષરાજ નામનો વાનર ઘણો જ શક્તિશાળી હતો. તે પોતાના બળના અભિમાનમાં આમતેમ વિચરણ કરતો રહેતો હતો. તે પર્વતની નજીક એક ઘણું જ સુંદર તળાવ હતું, તે તળાવની એ વિશેષતા હતી કે, જે તેમાં સ્નાન કરતુ તે એક સુંદર સ્ત્રી બની જતું. ઋક્ષરાજને આ વાત ખબર ન હતી. એકદિવસ ઋક્ષરાજ મસ્તીમાં તે તળાવમાં કૂદી પડ્યો, અને જયારે બહાર આવ્યો તો તેણે જોયું કે તે એક સુંદર સ્ત્રી બની ગયો હતો.

આ જોઈને તેને શરમ અનુભવવા લાગી, પરંતુ તે કાંઈ કરી શકતો ન હતો? એટલામાં દેવરાજ ઇન્દ્રની દૃષ્ટિ તે સ્ત્રી પર પડી. તેને જોતા જ તેમનું તેજ સ્ખલિત થઈ ગયું. તે તેજ તે સ્ત્રીના વાળ પર પડ્યું. તેનાથી બાલીની ઉત્પત્તિ થઇ. થોડીવાર પછી સૂર્યોદય થવા પર સૂર્યની દૃષ્ટિ પણ તે સુંદર સ્ત્રી પર પડી, તો સૂર્યદેવ પણ તેની સુંદરતા પર મોહિત થઈ ગયા. તેમનું તેજ પણ સ્ખલિત થઈ ગયું, જે તે સ્ત્રીની ગ્રીવા પર પડ્યું. તેનાથી જે પુત્રનો જન્મ થયો તેનું નામ સુગ્રીવ પડ્યું. ગ્રીવા પર તેજ પડ્યું હતું, એટલે તે સુગ્રીવ કહેવાયા.

તે બંને સગા ભાઈ હતા. મોટો ભાઈ બાલી ઇન્દ્રનો પુત્ર અને નાનો ભાઈ સુગ્રીવ સૂર્યનો પુત્ર હતો. વાળ પર તેજ પડવાથી બાલી અને ગ્રીવા પર તેજ પડવાથી સુગ્રીવ નામ પડ્યું. બંનેનું ભરણપોષણ તે ઋક્ષરાજ વાનરમાંથી બનેલી સ્ત્રીએ કર્યું હતું, અને તે ઋષ્યમૂક પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.