જીવનમાં ખુશમિજાજ કેમ રહી શકાય તે જાણવું હોય તો આ લઘુ કથા વાંચો, દરેકને ઉપયોગી સાબિત થશે.

0
430

લઘુકથા – ખુશમિજાજ

– માણેકલાલ પટેલ.

ઘનશ્યામભાઈની ઉંમર પંચોતેરે પહોંચવા આવી હતી છતાંય હોંશ અને હોંસલો તો જેમનો તેમ જળવાઈ રહેલો. ઘણા મિત્રો એમને આનું રહસ્ય પૂછતા ત્યારે એ માત્ર હસતા.

એમનો પરિવાર વિશાળ હતો. બે દીકરા, એમની વહુઓ અને ચાર છોકરાંઓ. નહોતી એક સૂર્યા. પાંચેક વર્ષ પહેલાં એ પ્રભુને પ્યારી થઈ ગઈ હતી.

એ હતી ત્યારે ઘર આખામાં એમનું એકચક્રી શાસન ચાલતું હતું. બધાં એમનો પડ્યો બોલ ઝીલી લેતાં હતાં. પહેલેથી જ આમ તો એ શિસ્તના આગ્રહી હતા.

હવે તો ઘણું બદલાઈ ગયું હતું. હવે એ ઓછું બોલતા. અચાનક એ ઘણીવાર ઘરની બહાર બોલ્યા સિવાય નીકળી જતા. છતાંય, એમની ખુશમિજાજીનું રહસ્ય એમના મિત્રો સમજી નહોતા શકતા.

એક દિવસ એમનો ખાસ મિત્ર ગોરધન એમને મળવા ઘરે આવ્યો. સવારના અગિયાર વાગ્યા હતા. એમણે હાકલ કરી : “વહુ ! એક કપ ચા બનાવજો.”

રસોડામાંથી કોઈ જવાબ ન મળ્યો પણ બાજુની રૂમમાંથી મોટી વહુનો અવાજ આવ્યો : “એ અત્યારે ચા બનાવવાનો કોઈને સમય નથી.”

“અરે, હા !” ઘનશ્યામભાઈએ હસીને કહ્યું : “હું તો ભૂલી જ ગયેલો, ગોરધન ! ચાલ, આપણે બહાર જઈએ. ચા ત્યાં પી લઈશું.”

હોટલના બોંકડે બેઠેલા બધા મિત્રોને ઘનશ્યામભાઈની ખુશમિજાજીનું રહસ્ય ગોરધન સમજાવતો હતો ત્યારે એતો આ વાત સાંભળીને મંદ મંદ હસી રહ્યા હતા.

– માણેકલાલ પટેલ.