અધર્મી દેવરાજને કેવી રીતે મળ્યું શિવલોકમાં સ્થાન? વાંચો અદ્દભુત કથા અને જાણો પ્રભુ પ્રાપ્તિનો માર્ગ.

0
127

શિવની લીલાઓ શાશ્વત-અનંત છે. તે આ સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારકર્તા છે. રુદ્ર સ્વરૂપ શિવ અયોનિજ અને અજન્મા છે. તે કોઈ માતાના ગર્ભમાંથી જન્મ લેતા નથી. દરેક મન્વન્તરના અંતે રુદ્ર રૂપ શિવ જ આ સૃષ્ટિનો નાશ કરીઅને મહાપ્રલય કરે છે. મહાપ્રલય પછી, આ સૃષ્ટિ વિલીન થઈ જાય છે. જે બચે છે તે હોય છે સદાશિવની જ્યોતિ.

શિવપુરાણમાં એ જ સદાશિવની કથાઓ વર્ણવવામાં આવી છે, જેમાંથી એક અહીં રજુ કરવામાં આવી છે. શિવપુરાણ કથાના પહેલા ભાગમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ક્રોધ, લોભ, કામ, વાસના વગેરેમાં વ્યસ્ત લોકોને શિવપુરાણ સાંભળવાથી મુક્તિ મળે છે.

શિવપુરાણ તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે જેનું ભૂતકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કાળરૂપી સર્પથી પ્રાપ્ત થયેલા મહાન પાસનો નાશ કરનારું શ્રેષ્ઠ સાધન છે. ગુરુદેવ વ્યાસે સનતકુમાર મુનિની સલાહ મેળવીને આ પુરાણને સંક્ષિપ્તમાં ખૂબ જ આદર સાથે પ્રસ્તુત કર્યું. આ પુરાણની ઉપાસનાનો હેતુ છે – કલયુગમાં જન્મેલા મનુષ્યોના પરમ લાભનું સાધન.

શિવપુરાણને ધરતી પર ભગવાન શિવનું સાહિત્ય સ્વરૂપ સમજવું જોઈએ અને તેનું દરેક રીતે સેવન કરવું જોઈએ. આનું વાંચન અને શ્રવણ સર્વસાધન રૂપ છે. જેવી રીતે શિવ ભક્તિ મેળવીને શ્રેષ્ઠ પદ પર પહોંચલ મનુષ્ય જલ્દી જ શિવ પદ પ્રાપ્ત કરી લે છે. તેવી જ રીતે આનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળવાથી માણસ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં પરમ સુખ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરે છે.

શિવ પુરાણ નામના આ ગ્રંથમાં ચોવીસ હજાર શ્લોક છે. તેમાં સાત સંહિતાઓ છે. માણસે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને ખૂબ આદરથી આ સાંભળવું જોઈએ. સાત સંહિતાઓ ધરાવતું આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્મા સમાન બિરાજમાન છે. અને સૌથી ઉત્તમ ગતિ આપનાર છે.

જે સતત શિવપુરાણ વાંચે છે અથવા પ્રેમથી તેનો પાઠ કરે છે, તે પવિત્ર આત્માને અંતકાળમાં ભગવાન મહેશ્વર પોતાનું ધામ આપે છે. જે વ્યક્તિ દરરોજ આદરપૂર્વક શિવપુરાણનું પૂજન કરે છે, તે આ સંસારના તમામ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરે છે. જે આળસથી મુક્ત થઈને આ શિવપુરાણને રેશમી વસ્ત્રો વગેરેથી સન્માનિત કરે છે તે હંમેશા સુખી રહે છે.

આ શિવપુરાણ શુદ્ધ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જેને આ લોક અને પરલોકમાં સુખ જોઈએ છે, તેણે આદરપૂર્વક તેનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ અને શ્રેષ્ઠ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારેય પુરૂષાર્થ આપનાર છે. તેથી, વ્યક્તિએ તેને હંમેશા પ્રેમથી સાંભળવું જોઈએ અને તેનો વિશેષ પાઠ કરવો જોઈએ.

મુનિ શૌનકે કહ્યું સુતજી! કળિયુગમાં આ કથા દ્વારા કયા-કયા પાપીઓ પાવન થાય છે? આ વિશે જણાવો.

ત્યારે સુતજી બોલ્યા, મુને! જે વ્યક્તિ પાપી, દુરાચારી, રમત-ગમત અને વાસના-ક્રોધ વગેરેમાં સતત ડૂબેલા રહે છે, તેઓ પણ આ પુરાણના શ્રવણ-વાંચનથી ચોક્કસપણે પવિત્ર થાય છે. આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઈતિહાસનું ઉદાહરણ આપે છે, જેને સાંભળવાથી જ પાપોનો સંપૂર્ણ નાશ થાય છે. આ સાથે સંબંધિત એક કથા સંભળાવું છું.

ઘણા સમય પહેલા કિરાતો (કિરાત – અરણ્યમાં રહેતી આ નામની એક પ્રાચીન જાતિ) ના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, જે જ્ઞાનમાં અત્યંત નબળો, ગરીબ, રસ વેચનાર અને વૈદિક ધર્મનો વિરોધી હતો. તે સ્નાન, સંધ્યા વગેરે કર્મથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વેશ્યાવૃત્તિમાં જોડાયેલો રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. તે પોતાનામાં વિશ્વાસ રાખનારા લોકોને છેતરતો હતો. તે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, શુદ્રો અને અન્ય લોકોની વિવિધ બહાને હત્યા કરીને સંપત્તિ હડપી લેતો હતો, પરંતુ તે પાપીનું થોડું પણ ધન ક્યારેય ધર્મના વપરાયું નહોતું. તે વેશ્યાગામી અને દરેક રીતે આચાર ભ્રષ્ટ હતો.

એક દિવસ તે ફરતો-ફરતો દેવયોગ પ્રતિષ્ઠાનપુર પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું, જ્યાં ઘણા સાધુ-મહાત્મા ભેગા થયા હતા. દેવરાજ તે શિવાલયમાં રોકાઈ ગયો, પણ ત્યાં તેને તાવ આવ્યો. તાવને કારણે તેને ખૂબ તકલીફ થવા લાગી. ત્યાં એક બ્રાહ્મણ દેવતા શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા.

તાવમાં પડેલો દેવરાજ, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલી એ શિવ કથા નિરંતર સાંભળતો રહ્યો. એક મહિના પછી, તે તાવથી પીડાતો મૃત્યુ પામ્યો. યમરાજના દૂતો આવ્યા અને તેને પાશથી બાંધી બળપૂર્વક તેને યમપુરી લઈ ગયા. એવામાં ત્યાં શિવલોકમાંથી શિવજીના પાર્ષદ ગણ આવ્યા. તેમના અંગો કપીર સમાન ઉજ્જવળ હતા, હાથ ત્રિશુલથી સુશોભિત હતા. તેમના આખા શરીર પર ભસ્મ લગાવેલી હતી અને રુદ્રાક્ષની માળા તેમના શરીરની સુંદરતામાં વધારો કરી રહી હતી.

તે બધા ક્રોધિત થઈને યમપુરી ગયા અને યમરાજના દૂતોને મારીને, વારંવાર ધમકાવીને દેવરાજને તેમની કેદમાંથી મુક્ત કરાવ્યો. ત્યારપછી જ્યારે શિવદૂતો એક અત્યંત અદભુત વિમાનમાં બેસીને કૈલાસ જવા માટે તૈયાર થયા ત્યારે યમપુરીમાં ઘણો ખળભળાટ મચી ગયો. તે ખળભળાટ સાંભળીને ધર્મરાજ પોતાના ભવનની બહાર નીકળ્યા.

સાક્ષાત બીજા રુદ્રો સમાન દેખાતા તે ચારેય દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજે તેમની વિધિપૂર્વક પૂજા કરી અને જ્ઞાન દૃષ્ટિથી જોઈને આખું વૃતાંત જાણી લીધું. તેમણે ડરને કારણે ભગવાન શિવના તે મહાત્મા દૂતોને કંઈ પૂછ્યું નહીં, ઉલટું તે બધાની પૂજા અને પ્રાર્થના કરી. તે પછી તે શિવદૂતો કૈલાસ ગયા અને ત્યાં પહોંચ્યા પછી તેઓએ તે બ્રાહ્મણ દેવરાજને દયાસાગર સાંબ શિવના હાથમાં આપી દીધો. આ રીતે શિવકથા સાંભળવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ થઈ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ધ ડિવાઈન ટેલ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.