આ ચાલ દ્વારા દુર્યોધને પાંડવોના મામા શલ્યને યુદ્ધમાં કરી લીધા હતા પોતાની તરફ

0
514

પાંડવોના મામા શલ્ય જો યુદ્ધમાં તેમની સાથે રહેતે, તો મહાભારતના યુદ્ધમાં બંને પક્ષની સેના સમાન રહેતે.

મહાભારત યુદ્ધ નિશ્ચિત સમજીને કૌરવ અને પાંડવ બંને પક્ષે દેશ-દેશાંતરના રાજાઓ પાસે મદદ માટે પોતપોતાના દૂત મોકલ્યા. મદ્રરાજ શલ્યને પણ આ સમાચાર મળ્યા. તે પોતાના મહારથી પુત્રો સાથે બે અક્ષૌહિણી સેના લઈને પાંડ્વો પાસે ગયા. શલ્યની બહેન માદ્રીના લગ્ન પાંડુ સાથે થયા હતા. નકુલ અને સહદેવ તેમના સગા ભાણેજ હતા. પાંડવોને વિશ્વાસ હતો કે શલ્ય તેમના પક્ષમાં જ રહેશે.

શલ્યની વિશાળ સેના બે-બે ગાઉ (કોસ) પર છાવણી નાખતી આગળ વધી રહી હતી. દુર્યોધનને આ સમાચાર પહેલા જ મળી ગયા હતા. તેણે રસ્તામાં જ્યાં જ્યાં સેનાની છાવણીઓ હતી, ત્યાં કારીગર મોકલાવીને સભા-ભવન અને નિવાસ સ્થાન બનાવડાવી દીધા.

દુર્યોધનની જાળમાં ફસાયા મામા : દરેક છાવણીઓ પર ઉત્તમ ભોજન વગેરેની વ્યવસ્થા કરાવી દેવામાં આવી હતી. મદ્રરાજ શલ્ય અને તેમની સેનાનું રસ્તામાં દરેક છાવણીઓ પર ઉત્તમ સ્વાગત થયું. શલ્ય એવું જ સમજતા હતા કે, આ બધી વ્યવસ્થા યુધિષ્ઠિરે કરી છે. હસ્તિનાપુર નજીક પહોંચવા પર વિશ્રામ સ્થળ જોઈને શલ્યએ પૂછ્યું – યુધિષ્ઠિરના કયા કર્મચારીઓએ આ વ્યવસ્થા કરી છે? તેમને લઇ આવો. હું તેમને પુરસ્કાર આપવા માંગુ છું.

દુર્યોધન પોતે ત્યાં સંતાયેલો હતો. શલ્યની વાત સાંભળીને અને તેમને પ્રસન્ન જોઈને તે સામે આવ્યો અને હાથ જોડીને પ્રણામ કરતા કહ્યું – મામાજી, તમારા માર્ગમાં કોઈ કષ્ટ તો નથી આવ્યું ને? શલ્ય ચોંકી ગયા. તેમણે પૂછ્યું – દુર્યોધન, તે આ વ્યવસ્થા કરાવી છે?

દુર્યોધન નમ્રતા પૂર્વક બોલ્યો – ગુરુજનોની સેવા કરવી તો નાનાની ફરજ જ છે. મને સેવાના થોડા અવસર મળ્યા, આ મારું સૌભાગ્ય છે. શલ્ય પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું – સારું, તું મારી પાસે કોઈ વરદાન માંગી લે. દુર્યોધને માંગ્યું – તમે સેના સાથે યુદ્ધમાં મારો સાથ આપો અને મારી સેનાનું સંચાલન કરો. અને શલ્યએ દુર્યોધનનો આ પ્રસ્તાવ સ્વીકારવો પડ્યો.

પછી શલ્ય યુધિષ્ઠિરને મળ્યા, તેમણે નકુલ-સહદેવ પર આઘાત ન કરવાની પોતાની પ્રતિજ્ઞા દુર્યોધનને જણાવી અને યુદ્ધમાં કર્ણને નિરાશ કરતા રહેવાનું વચન પણ યુધિષ્ઠિરને આપ્યું, પણ યુદ્ધમાં તેમણે દુર્યોધનનો પક્ષ લીધો. જો શલ્ય પાંડવોના પક્ષમાં જતે, તો બંને દળોના સૈન્યની સંખ્યા બરાબર હોત, પણ તેમના કૌરવોના પક્ષમાં જવાથી કૌરવો પાસે બે અક્ષૌહિણી સેના વધારે ગઈ.

સાભાર – જાનકી શરણ શર્મા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.