“ચક્કર” : આ લઘુકથા સમજાવશે કે બાળકોમાં કેટલી ઊંડી સમજ શક્તિ હોય છે.

0
925

“ચક્કર”

– માણેકલાલ પટેલ

ચાંદનીના પપ્પા વિદેશ હતા.એમનો ખાસ મિત્ર હતો હિતેશ. નોકરી કરતો હોઈ એ રવિવારે જ આ પરિવારની ખબર લઈ શકતો.

ચાંદનીને પણ એ ગમતું.

એક દિવસ એણે એની મમ્મીને પૂછેલું : ” આ હિતેશકાકા દર રવિવારે રાત્રે આપણા ઘરે જ કેમ જમે છે? ”

” એતો તારા પપ્પા હતા ત્યારે પણ અહીં જમતા.” શોભનાબેને કહેલું : “જેનું અન્ન એક એનું મન પણ એક રહે. બેટા !”

બાલ સહજ કુતૂહલ એને થયા કરતું.

એ નિરૂત્તર રહેતી.

દિવસો વીતતા જતા હતા.

ધીરેધીરે એને અજબ બીમારી શરૂ થવા લાગી હતી. રવિવારે ચક્કર આવી જતા હતા. એની મમ્મીને ચાંદનીની ચિંતા થતી હતી. ડૉક્ટરના બધા રિપોર્ટ નોર્મલ હતા છતાંય ચાંદનીને ચક્કર આવવાના બંધ થતા નહોતા.

વિદેશથી ફોન આવે ત્યારે શોભનાબેન એમના પતિને ચિંતા ન કરવાનું કહેતાં. ફોન મોટાભાગે રવિવારે જ આવતો કે જેથી એમની હિતેશ સાથે પણ વાતચીત થઈ શકે.

સમય એનું કામ કર્યે જતો હતો.

ચાંદનીને રવિવાર સવારથી જ અમુંઝણ આવવાનું શરૂ થતું. બપોર સુધીમાં એનું માથું ભારે થઈ જતું અને સાંજના એને ચક્કર આવતા.

આ અઠવાડિક નિત્યક્રમ જ બની ગયો હતો.

ગજબની બીમારીથી એ પીડાતી જતી હતી.

એક રવિવારે એને વધારે તકલીફ જેવું લાગ્યું. એ સમયે એની મમ્મી બજારમાં ગઈ હતી.

એને ચક્કર આવવા શરૂ થયા એટલે એના ઘરમાં હાજર હિતેશે પૂછ્યું : ” ચાંદની, બેટા ! દવાખાને જવું છે? ”

ચાંદની કંઈ બોલી નહિ. એ માથું પકડીને પીડા સહન કરતી પલંગ પર બેસી રહી.

ત્યાં સુધીમાં તો શોભનાબેન પણ આવી ગયાં. હિતેશે વાત કરી કે ચાંદનીને ચક્કર આવે છે ત્યારે એ ઉચાટમાં આવી ગયાં. એ એના માથે હાથ ફેરવવા લાગ્યાં ત્યારે રડમસ અવાજે ચાંદનીએ પૂછ્યું : ” મમ્મી ! એ રવિવારે જ કેમ આવે છે? ”

– માણેકલાલ પટેલ