પૌરાણિક કથા અનુસાર જાણો કેવી રીતે થયો હતો નારિયેળનો જન્મ?

0
628

ઘણા ઓછા લોકોને જ ખબર છે નારિયેળના જન્મ વિષે, વાંચો પૌરાણિક કથા.

હિંદુ ધર્મમાં નારિયેળ એટલે કે શ્રીફળનું વિશેષ મહત્વ છે. નારિયેળ વગર કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન નથી થતા. નારિયેળ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે, જે અનુસાર નારિયેળનું આ ધરતી પર અવતરણ ઋષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અમે તમને નારિયેળના જન્મ સાથે જોડાયેલી એક સ્ટોરી જણાવવાના છીએ. તો આવો જાણીએ કે કેવી રીતે થયો હતો નારિયેળનો જન્મ?

આ સ્ટોરી પ્રાચીન કાળના એક રાજા સત્યવ્રત સાથે જોડાયેલી છે. સત્યવ્રત એક પ્રતાપી રાજા હતા, જેમનો ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તેમની પાસે બધું હતું પણ તેમના મનની એક ઈચ્છા હતી, જેને તે કોઈ પણ રૂપમાં પુરી કરવા માંગતા હતા. તે ઇચ્છતા હતા કે તે કોઈ પણ રીતે પૃથ્વીલોકમાંથી સ્વર્ગલોકમાં જઈ શકે. સ્વર્ગલોકની સુંદરતા તેમને પોતાની તરફ આકર્ષિત કરતી હતી, પણ ત્યાં કઈ રીતે જવું તે સત્યવ્રતને ખબર ન હતી.

એકવાર ઋષિ વિશ્વામિત્ર તપસ્યા કરવા માટે પોતાના ઘરથી ઘણા દૂર નીકળી ગયા હતા, અને લાંબા સમયથી પાછા આવ્યા ન હતા. તેમની ગેરહાજરીમાં તે ક્ષેત્રમાં દુકાળ પડી ગયો, અને તેમનો પરિવાર ભૂખ્યો-તરસ્યો ભટકી રહ્યો હતો. ત્યારે રાજા સત્યવ્રતે તેમના પરિવારની મદદ કરી અને તેમની દેખરેખની જવાબદારી લીધી.

જયારે ઋષિ વિશ્વામિત્ર પાછા આવ્યા ત્યારે તેમના પરિવારે તે રાજાની ભલાઈ વિષે જણાવ્યું. પછી વિશ્વામિત્ર રાજાને મળવા માટે તેમના દરબારમાં પહોંચ્યા અને તેમનો આભાર માન્યો. આભારના રૂપમાં રાજાએ ઋષિ વિશ્વામિત્રને એક વરદાન આપવા માટે વિનંતી કરી. ઋષિ વિશ્વામિત્રએ તેમને વરદાન માંગવાની આજ્ઞા આપી.

ત્યારે રાજા બોલ્યા કે તે સ્વર્ગલોક જવા માંગે છે, તો શું તેઓ પોતાની શક્તિઓની મદદથી તેમને સ્વર્ગ જવાનો માર્ગ દેખાડી શકે છે? પોતાના પરિવારની મદદનો ઉપકાર માનતા ઋષિ વિશ્વામિત્રએ જલ્દી જ એક માર્ગ તૈયાર કર્યો જે સીધો સ્વર્ગલોક જતો હતો.

રાજા સત્યવ્રત ખુશ થઈ ગયા અને તે માર્ગ પર ચાલતા ચાલતા સ્વર્ગલોક પાસે પહોંચ્યા. તે સ્વર્ગલોક પાસે પહોંચ્યા જ હતા કે, સ્વર્ગલોકના દેવતા ઇન્દ્રએ તેમને નીચે ધકેલી દીધા. ધરતી પર પડતા જ રાજા સત્યવ્રત ઋષિ વિશ્વામિત્ર પાસે પહોંચ્યા અને રડતા રડતા સમગ્ર ઘટનાનું વર્ણન કરવા લાગ્યા. દેવતાઓના આ પ્રકારના વ્યવહારથી ઋષિ વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા, પરંતુ અંતમાં સ્વર્ગલોકના દેવતાઓ સાથે વાર્તલાપ કરી પરસ્પર સહમતીથી એક ઉકેલ કાઢવામાં આવ્યો. તે અનુસાર રાજા સત્યવ્રત માટે અલગથી એક સ્વર્ગલોકનું નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

આ નવું સ્વર્ગલોક પૃથ્વી અને અસલી સ્વર્ગલોકની વચ્ચે આવેલું હતું, જેથી ન તો રાજાને કોઈ મુશ્કેલી થાય અને ન તો દેવી-દેવતાઓએ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે. રાજા સત્યવ્રત પણ આ ઉકેલથી ઘણા ખુશ થયા, પણ ઋષિ વિશ્વામિત્રને એક ચિંતાએ ઘેરી લીધા હતા.

તેમને એ વાત પરેશાન કરી રહી હતી કે, ધરતી અને સ્વર્ગલોકની વચ્ચે હોવાને કારણે આ નવું સ્વર્ગલોક હવાના જોરથી ડગમગી ના જાય. જો એવું થયું તો રાજા ફરીથી ધરતી પર આવી જશે. એનો ઉકેલ શોધતા ઋષિ વિશ્વામિત્રએ નવા સ્વર્ગલોકની નીચે એક થાંભલાનું નિર્માણ કર્યું, જેથી તેને ટેકો આપી શકાય.

માનવામાં આવે છે કે, આ થાંભલો સમય જતા એક ઝાડના મોટા થડના રૂપમાં ફેરવાઈ ગયો અને રાજા સત્યવ્રતનું માથું એક ફળ બની ગયું. આ ઝાડના થડને નારિયેળનું ઝાડ અને રાજાના માથાને નારિયેળ કહેવામાં આવવા લાગ્યું. એટલા માટે આજના સમયમાં પણ નારિયેળનું ઝાડ ઘણી ઊંચાઈ પર લાગે છે.

આ કથા અનુસાર સત્યવ્રતને સમય આવવા પર એક એવા વ્યક્તિની ઉપાધિ આપવામાં આવી, ‘જે ન તો અહીંના છે અને ન તો ત્યાંના.’ એટલે કે એક એવો વ્યક્તિ જે બંને ધરી વચ્ચે લટકેલા છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.