“હું ગુજરાતી” હોવાની ગૌરવગાથા કવિએ ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે, વાંચીને તમારી છાતી ફૂલી જશે.

0
1033

હું એવો ગુજરાતી,

જેની;

હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી …..

અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર;

હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી ….. હું એવો ગુજરાતી

નવરાત્રિ નો ગર્ભદીપ હું, હું શત્રુંજય –શૃંગ,

સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી ….. હું એવો ગુજરાતી

દુહા- છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,

મીરાંની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;

વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી …. હું એવો ગુજરાતી

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક,

હું જ સત્યનું આયુ ધ જેની દિગદિગંતમાં ધાક;

હું સંતોનું સૌમ્ય સ્મિત, તલ વાર શૂરની તાતી …. હું એવો ગુજરાતી

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,

મારે શિરે ભારતમાતાનો આશિષનો વિસ્તાર;

હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ …. હું એવો ગુજરાતી

– કવિ વિનોદ જોશી. (જ્ઞાનસરિતા પરથી)