હું માનવી માનવ થાઉં તો ઘણું, ભૂતનાથ ટ્રસ્ટમાં બનેલા આ બનાવો માનવતાના દ્રષ્ટાંત આપે છે.

0
135

ભુજનું સ્મશાન એટલે ખારીનદી ને જેમણે લગભગ ઘર બનાવી લીધું છે એવા ભૂતનાથ ટ્રસ્ટના શ્રી અજીત ભાઈના છેલ્લા 10 દિવસ ના સ્વઅનુભવ.

RSS અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે

આ છેલ્લા 10 દિવસ માં બનેલી બે ત્રણ ઘટના ….

(૧) એક મુસ્લિમ ભાઈ નો ફોન આવ્યો :- ભાઈ મારો લાકડાનો નાનો બેનસો છે … મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે .. એકાદ યુટીલિટી ભરાય તેમ છે … મોકલી આપું છું …

મેં કહ્યું :- મોકલો ને ભાઈ અત્યારે જે મોકલો એ ઉપયોગી … કેટલા રૂપિયા થશે? વાહન ખર્ચ અને મજૂરી કેટલી થશે? એ કહેજો અમે ચૂકવી દઈશું….

એ ભાઈ કહે …. એની કશીય જરૂર નથી …. બસ આવતીકાલે સવારે તમને લાકડું મળી જશે.

(૨) લાકડા ના કટિંગ માટે મજૂરો મળવા મુશ્કેલ.. એમાંય કટિંગ મશીન હેન્ડ કટર ચલાવે એવા મજૂર તો મળવા જ મુશ્કેલ હાલ ની સ્થિતિ માં ….

એક મુસ્લિમ ભાઈના નંબર મળ્યા… મેં ફોન કર્યો ભાઈ તાત્કાલીક લાકડાનું કટિંગ કરવું છે. કરી આપશો? કેટલા રૂપિયા લેશો?

મેં બીજા બે ત્રણ જણ પાસેથી પણ જાણી લીધું હતું કે કેટલી મજૂરી થાય.

એ ભાઈ એ કહ્યું …. રોજની આટલા રૂપિયા તારીખ ચાલે છે. પણ તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ. હેવર ત હી સેવા વડી ચોવાજે આંઈ હેડો કયો તા ત અંસી ઍતરો ત કૈયું …. અર્થ : અત્યારે આ મોટી સેવા કહેવાય … તમે આવડું બધું કરો છો તો અમે આટલું તો કરીએ.

(3) અંતિમ વિધિ પછી અસ્થિ સાચવવા માટે નાની માટલીની જરૂર પડે. આમ તો વર્ષોથી એક કુંભાર ભાઈ અહીં એ પહોંચાડે છે. પણ આકસ્મિક જરૂરીયાત ઉભી થતા માટલી ની પણ અછત ઉભી થઇ છે. કેટલાય સ્વયંસેવક મિત્રો અલગ અલગ સ્થળે થી થોડી થોડી માટલીઓ લઈને આવ્યા. હું પૂછું તો કહે ભાઈ ડબલ ભાવ આપતા માંડ મળે છે.

હું જે રેગ્યુલર અહીં માટલી મોકલે છે એ કુંભાર ભાઈની પાસે ગયો. કહ્યું – ભા… માટલી ગચ જ ખપધી… ( માટલી ઘણી જોઈશે ) કેમ કરશું?

તે કહે મલી વેંધી … (મળી જશે)

મેં કહ્યું એક નંગ ના કેટલા રૂપિયા?

તે કહે… તમે પહેલા આપતા હતા એનાથી પણ 3 રૂપિયા ઓછા.

મેં કહ્યું… હેં? એમ કેમ? ગામમાં તો ડબલ ભાવ ચાલે છે હમણાં.

બાજુમાં એના વૃદ્ધ મા બેઠા હતા… તરત જ બોલ્યા – સે… ભા… મથેવારે જે ઘરે આંકે ને અસાંકે બૉય કે હસાબ ડીણો પોન્ધો કે ન? ને ડબલ રૂપિયા ગની ને રખણા પણ કેડા? હી મડે વનેતા સે ક્યા મથે ખણી વનેતા… અસાંકે વધુ ન ખપે ભા … ને હી 3 રૂપિયા ઓછા ગનુતા સે મથેવારે વટે અસાંજા જમા ત થીંધા ને!! બસ ઍતરો ઘણે આય …

અર્થ : તે.. ભાઈ… માથેવાળાને અમને અને તમને બન્ને ને હિસાબ તો આપવો પડશે ને કે નહીં… ડબલ રૂપિયા લઈને રાખવા પણ ક્યાં? આ બધા જે માથે જઈ રહ્યા છે તેમાંથી કોણ શુ માથે ભેગું લઈ ગયું? અમને વધુ ન જોઈએ ભાઈ… ને આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને? બસ એટલું અમને ઘણું ….

(4) આટલા 10 દિવસમાં શહેરમાં થી કેટલાય મુસ્લિમ મિત્રો ટ્રેકટર કે નાનો ટેમ્પો ભરીને લાકડા આપી ગયા… એ પણ ક્યાંય નામ ન લખવા કે ન આપવા નું કહી ને.

કેટલાય મજૂરો ઓછી મજૂરી લઈ ગયા તો કેટલાકે સાવ જ ન લીધી, કેટલાય ટેમ્પો વાળા ભાડું લીધા વગર ગયા તો કેટલાકે માત્ર ડીઝલના રૂપિયા લીધા.

ના…. માનવતા હજુ મ રી ન થી પરવારી એ ચોક્કસ …..

હું માનવી માનવ થાઉં તો ઘણું … !!

જય ભૂતનાથ

(મોટી મોટી બે ચાર દુર્ઘટનાની આડે… આવી હજારો સારી ઘટનાઓની નોંધ ક્યાંય કોઈ લેતું નથી.)

– વાયા વોટસઅપ

(સાભાર જુમા સફિયા, અમર કથાઓ ગ્રુપ)