ઓફીસ કે દુકાન તેમજ મિત્રો વગેરેમાં વ્યસ્ત રહેતા પતિઓ જીવનનું આ સત્ય સમજી લે તો સુખી થઈ જશે.

0
1187

ગઈકાલે હું દુકાનેથી વહેલો ઘરે આવ્યો હતો. હું સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યા પછી આવું છું, પણ ગઈકાલે જ 8 વાગ્યે આવ્યો હતો. વિચાર્યું હતું કે ઘરે જઈને થોડી વાર મારી પત્ની સાથે વાત કરીશ, પછી કહીશ કે ચાલ ક્યાંક બહાર જમવા જઈએ. ઘણા વર્ષો પહેલા અમે આવું કરતા હતા.

હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની ટીવી જોઈ રહી હતી. મેં વિચાર્યું કે જ્યાં સુધી તે આ સિરિયલ જોઈ રહી છે, ત્યાં સુધી હું મારા કમ્પ્યુટર પર કેટલાક મેઈલ ચેક કરી લઉં. હું મેઈલ ચેક કરવા લાગ્યો, થોડી વાર પછી પત્ની ચા લઈને આવી તો હું ચા પીતા પીતા દુકાનના કામ કરવા લાગ્યો.

હવે મારા મનમાં હતું કે હું મારી પત્ની સાથે બેસીને વાત કરીશ, પછી અમે બહાર જમવા જઈશું, પણ ક્યારે 8 થી 11 વાગી ગયા તે ખબર જ ન પડી. પત્નીએ ટેબલ પર જમવાનું મૂક્યું, હું ચુપચાપ ખાવા લાગ્યો. જમતી વખતે મેં કહ્યું કે, જમ્યા પછી આપણે નીચે ચાલવા જઈશું, વાતો કરીશું. આ સાંભળી મારી પત્ની ખુશ થઈ ગઈ.

અમે જમી રહ્યા હતા તે દરમિયાન મારી ફેવરિટ સિરિયલ આવવા લાગી તો હું જમતા જમતા તે સિરિયલ જોવામાં મગ્ન થઇ ગયો. સિરિયલ જોઈને હું સોફા પર સૂઈ ગયો. જ્યારે હું જાગ્યો ત્યારે અડધી રાત થઈ ગઈ હતી.

મને ઘણો પસ્તાવો થયો. હું મનમાં એવું વિચારીને ઘરે આવ્યો હતો કે, વહેલો આવીને આજે હું મારી પત્ની સાથે થોડો સમય પસાર કરીશ. પણ અહીં તો અડધી રાત પસાર થઈ ગઈ હતી ને હું પત્નીને સમય આપી શક્યો નહિ.

જીવનમાં એવું જ થાય છે. આપણે વિચારીએ કંઈક અલગ છીએ, અને થાય છે કંઈક અલગ. આપણે વિચારીએ છીએ કે એક દિવસ આપણે જીવી લઈશું, પરંતુ આપણે ક્યારેય જીવતા નથી. આપણે વિચારીએ છીએ કે એક દિવસ આપણે આ કામ કરીશું, પરંતુ આપણે તે કરી શકતા નથી.

મધરાતે સોફા પરથી જાગીને હાથ મોં ધોઈને રૂમમાં ગયો. પત્ની આખા દિવસના કામથી થાકીને સૂઈ ગઈ હતી. હું બેડરૂમમાં ખુરશી પર શાંતિથી બેઠો અને કંઈક વિચારી રહ્યો હતો.

પ્રતીકાત્મક ફોટો

હું આ છોકરીને પચીસ વર્ષ પહેલાં પહેલીવાર મળ્યો હતો. મને તે પીળા રંગના ડ્રેસમાં મળી હતી. પછી મેં તેની સાથે લગ્ન કર્યા. મેં તેને વચન આપ્યું હતું કે, હું જીવનના દરેક વળાંક પર સુખમાં, દુઃખમાં તારી સાથે રહીશ.

પણ આ કેવો સાથ? હું સવારે જાગું છું અને કામમાં વ્યસ્ત થઈ જાઉં છું. તે સવારે ઉઠે છે મારા માટે ચા બનાવે છે. ચા પીધા પછી હું કોમ્યુટર પર વિશ્વ સાથે જોડાઈ જાઉં છું, તે નાસ્તો બનાવે છે. પછી અમે બંને દુકાનના કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, હું દુકાન માટે તૈયાર થઈ જાઉં છું, તે મારા જમવાની વ્યવસ્થા કરે છે. પછી અમે બંને ભવિષ્યના કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ.

હું દુકાને ગયા પછી એવું માનું છું કે મારા વિના મારી દુકાન ચાલતી નથી. અને મારી પત્ની ઘરના કામ કરે છે અને રાત્રિભોજન બનાવે છે. હું મોડી રાત્રે ઘરે આવું છું અને જમીને સુઈ જાઉં છું. આખો દિવસ જીવવાની તૈયારીમાં પસાર થઈ જાય છે.

એ પીળા ડ્રેસ વાળી છોકરી મને ક્યારેય ફરિયાદ નથી કરતી. તેનું કારણ મને ખબર નથી. પણ મને મારી જાત સાથે ફરિયાદ છે. જે માણસને તે સૌથી વધુ પ્રેમ કરે છે, તે તેનું ઓછામાં ઓછું ધ્યાન રાખે છે. શા માટે?

ઘણી વખત એવું લાગે છે કે, હવે આપણે આપણા માટે કામ નથી કરતા. આપણે કેટલાક અજાણ્યા ભય સામે લડવા માટે કામ કરીએ છીએ. જીવવા માટે જીવન બગાડીએ છીએ.

ગઈ કાલથી હું વિચારી રહ્યો છું કે, એ કયો દિવસ હશે જ્યારે આપણે જીવવાનું શરૂ કરીશું. શું આપણે કાર, ટીવી, ફોન, મુસાફરો, કપડાં ખરીદવા માટે જીવીએ છીએ?

હું તો આ બાબતે વિચારી જ રહ્યો છું, તમે પણ વિચારો.

આ જીવન બહુ ટૂંકું છે. તેને આ રીતે વેડફશો નહીં. તમારા પ્રેમને ઓળખો, તેની સાથે સમય પસાર કરો. પોતાના માં-બાપ, ભાઈ-બહેન અને સગાં સંબંધી તમામને છોડીને જેણે તમારા સુખ-દુઃખમાં જોડાવાનું વચન આપ્યું છે તેના સુખ-દુ:ખ વિષે પૂછો તો ખરા.

એક દિવસ પસ્તાવો કરવા કરતા સારું છે કે એ સત્યને સમજો કે જીવન મુઠ્ઠીમાં પકડેલી રેતી જેવું છે. તે મુઠ્ઠીમાંથી ક્યારે નીકળી જશે, ખબર પણ નહિ પડે.