પતિએ મિત્રને કહ્યું મારી પત્ની મમ્મી-પપ્પાનું પણ ધ્યાન નથી રાખતી, પછી જે થયું તે દરેકે સમજવા જેવું છે.

0
3165

પતિ અને સાસુ-સસરા વાતે વાતે મહિલાને મહેણાં સંભળાવતા, પછી પતિના મિત્રએ જે કર્યું તે જાણવું જોઈએ.

મોહન અને મનીષ ઘણા જુના મિત્રો. બંને વહેલી સવારે મોર્નિંગ વોક માટે એક પાર્કમાં ભેગા થાય અને ચાલતા ચાલતા વાતો કરે. આજે મનીષ થોડો વધારે જ નિરાશ દેખાતો હતો. મોહને તેનું કારણ પૂછ્યું.

‘તને શું કહું યાર… મને તો એવું થાય છે કે આ બધું છોડીને ક્યાંક દૂર જતો રહું… પત્ની ના તો ઘર સંભાળી શકે છે ના તો ઓફિસ. મમ્મી-પપ્પાનું પણ ધ્યાન નથી રાખતી. બાળકો સાથે પણ એવું જ છે.’ મોર્નિંગ વોક કરતી વખતે મનીષે નિરાશામાં કહ્યું.

મોહમ મનીષની વાત સાંભળી કંઈક વિચારવા લાગ્યો. પણ મનીષની વાત હજુ ચાલુ જ હતી. ‘તારું જીવન સારું છે યાર… નિરાલી ભાભી ઘર-બહાર બધું જ સારી રીતે સંભાળે છે. તું ખરેખર નસીબદાર છો.’

‘હા એ તો છે… સારું સાંભળ, આજે તું રજા પર છે ને, તો આજે મારા ઘરે આવ. સાથે નાસ્તો કરીશું. તારો મૂડ પણ સારો થઈ જશે અને કદાચ તને તારી સમસ્યાનું સમાધાન પણ મળી જશે.’

મોહને આગ્રહ કર્યો એટલે મનીષ તેની સાથે તેના ઘરે ગયો.

ઘરે જતા સમયે મોહને રસ્તામાંથી બ્રેડ, દૂધ, શાકભાજી અને ફળો ખરીદ્યા. તેઓ લગભગ સાત વાગ્યે મોહનના ઘરે પહોંચ્યા ત્યારે મોહનના માતા-પિતા ડાઈનિંગ ટેબલ પર બેસીને ચા પી રહ્યા હતા. મોહન અને મનીષને જોઈને નિરાલીએ હસીને તેમનું સ્વાગત કર્યું અને પછી ઝડપથી ત્રણ કપ ચા બનાવી. ચા પૂરી થતા જ મોહન અને નિરાલી બંને રસોડામાં પ્રવેશ્યા.

નિરાલી રોટલી બનાવવા લાગી. દાળ, શાક, સલાડ વગેરે તેણીએ પહેલા જ બનાવી લીધું હતું. એટલામાં મોહને બ્રેડ ટોસ્ટ બનાવ્યા અને દૂધ ગરમ કરીને બે ગ્લાસમાં ભરી લીધું. મોહને બાળકોના ટિફિનમાં રોટલી-શાક અને ફળો પણ પેક કર્યા. દસ મિનિટમાં બાળકો પણ ત્યાં આવી ગયા. જ્યારે બાળકોએ નાસ્તો પૂરો કર્યો ત્યારે મોહન તેમને લઈ ગયો અને બસ સ્ટોપ સુધી મૂકી આવ્યો. આ દરમિયાન નિરાલીએ પોતાનું અને મોહનનું ટિફિન પેક કર્યું અને નાસ્તામાં પોહા અને ઢોકળા બનાવ્યા. પછી તે તૈયાર થવા જતી રહી.

મોહન પાછો આવ્યો કે તરત જ તેણે તેના માતા-પિતાને કહ્યું ‘હું આજે સિંગોડા લાવ્યો છું, તમને બહુ ભાવે છે ને. અને હું મેથી પણ લાવ્યો છું. સાંજે મેથીના પરોઠા અને રાયતું બનાવીશું, ચાલશે ને.

‘તેં ખૂબ સારું કર્યું છે મોહન. હું અને તારી મમ્મી મેથીના પાન તોડીને તૈયાર રાખીશું, કાલે પણ પાલક અને મેથી લેતો આવસજે. ફક્ત શિયાળામાં જ તો સારા લીલા શાકભાજી ખાઈ શકીએ છીએ.’ તેના પિતાએ સ્મિત સાથે જવાબ આપ્યો.

બસ આવી નાની નાની વાતો પર હસવામાં અને હસાવવામાં થોડો સમય પસાર કર્યો. વાત કરતા કરતા મોહને ટેબલ ગોઠવી દીધું અને નાસ્તા માટે ફ્રુટ્સ કાપી નાખ્યા. મનીષે ઘણી ના પાડી પણ મોહને તેને હલવો પણ ખવડાવ્યો. તેણે કહ્યું ‘અરે ભાઈ તું મારા હાથનો હલવો ખાશે તો બીજાના હાથનો હલવો તને ગમશે નહીં!’ મોહનની વાત સાંભળીને મનીષ અચકાતો હતો. મોહનને ઘરના દરેક કામ આવડતા હતા અને મનીષ આ બધા કામોને હાથ પણ લગાવતો ન હતો.

હવે નિરાલી પણ ઓફિસ માટે તૈયાર થઈ ગઈ હતી. ઈસ્ત્રી કરેલી સાડી અને સારી રીતે સેટ કરેલા વાળ. મનીષને પોતાની પત્ની શાલિનીનો સુકાઈ ગયેલો ચહેરો યાદ આવ્યો, ગમે તેમ લપેટેલી સાડી અને વિખરાયેલા વાળ. અહીં મોહન નિરાલીને ઘરના દરેક કામમાં સાથ આપતો હતો… ત્યાં શાલિનીએ પોતાના ઘરમાં એકલીએ જ બધું કરવાનું હતું.

નાસ્તો-રસોઈ, ટિફિન પેક કરવાનું, બાળકોને બસમાં મુકવાના, શાકભાજી-ફળો લાવવાના બધું એ બિચારી એકલી જ કરતી હતી. તે પોતે અને તેના માતા-પિતા તેને માત્ર મહેણાં સંભળાવતા રહે છે. તે પોતે મેથીના પાન પણ નથી તોડતો. કદાચ તેથી જ હવે તે મોટાભાગે ફક્ત તે જ શાકભાજી લાવે છે જે ઝડપથી કાપી શકાય. માત્ર દૂધી, કોબીજ અથવા ભીંડા. મેથીના પરોઠા અને રાયતું ખાધાને તો જમાનો વીતી ગયો હતો. આ માટે પણ શાલિનીને ટોણા સંભળાવવામાં આવતા હતા.

‘અરે શું વિચારે છે… ચાલ નાસ્તો કરીએ’ મોહન પણ તૈયાર થઈને આવી ગયો. બધાએ શાંતિથી બેસીને નાસ્તો કર્યો. નાસ્તો કરતી વખતે નિરાલી પણ છાપું વાંચી રહી હતી. શાલિનીને છાપું વાંચવાનો ભાગ્યે જ સમય મળે છે. ક્યારેક તે કંઈક વાંચવા પણ બેસી જતી તો તે કે મમ્મી-પપ્પા કે બાળકો કોઈ ને કોઈ કામ સોંપી દેતા.

‘ચલ ભાઈ, ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. નિરાલી મને મેટ્રો સ્ટેશન પર ડ્રોપ કરશે. રસ્તામાં તને પણ તારા ઘર સુધી ડ્રોપ કરી દઈશું.’ મોહને કહ્યું. પછી મનીષે તેના માતા-પિતાની વિદાય લીધી.

‘મમ્મી, મેં દિવસનું ભોજન માઇક્રોવેવમાં રાખ્યું છે. તમે તેને ગરમ કરીને જ્યારે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. બાળકો આજે બપોરે સ્કૂલ પછી એક મિત્રના જન્મદિવસ માટે તેના ઘરે જવાના છે તો તેઓ ત્યાં જમી લેશે અને સાંજે ચાર વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જશે.’ નિરાલીએ ઘરની બહાર નીકળતાં કહ્યું.

‘હા વહુ, તું ચિંતા ના કર. બાળકો ઘરે પહોંચતા જ હું તને ફોન કરીશ.’ સાસુ-વહુની વાતમાં એકબીજાનું ધ્યાન રાખવાની ટેવ સ્પષ્ટ દેખાતી હતી.

‘બીજી વખત શાલિની ભાભીને પણ લાવજો.’ નિરાલીએ હસીને આત્મીયતાથી મનીષને કહ્યું.

નિરાલી અને મોહન તેમના જીવનમાં કેટલા ખુશ હતા, તે તેમના તેજસ્વી ચહેરા જ કહી રહ્યા હતા. મનીષ જ્યારે તેના ઘરની બહાર પહોંચ્યો ત્યારે શાલિની ઉતાવળમાં ઓફિસે જવા નીકળી રહી હતી. પહેલા તો મનીષ અચકાયો, પણ પછી હિંમત કરીને બોલ્યો.

‘સાંભળ, હું તને આજે ઓફિસે મૂકી જઉં છું. મારે આજે રજા છે. રસ્તામાં એ પણ કહી દેજે કે ક્યા ફળ અને શાકભાજી ખરીદવાના છે? હું તે લેતો આવીશ. તું ઓફિસેથી પાછા ફરતી વખતે બજારમાં જવાને બદલે સીઘી ઘરે આવી જજે.’

મનીષની વાત સાંભળીને શાલિની આશ્ચર્યથી તેના ચહેરા સામે જોવા લાગી. મનીષે કારની ચાવી લેવા ગયો ત્યારે તે વિચારતો હતો કે આજે રાત્રે તે પોતાના હાથે ખીચડી અને રાયતું બનાવશે અને જમ્યા પછી શાલિની સાથે ફરવા જશે.

દરેક કામ માત્ર અને માત્ર શાલિની જ કેમ કરે? આ જૂની વિચારસરણીને કારણે તેણે લગ્નના બાર વર્ષ વેડફ્યા, પણ હવે બસ… હવે તેણે પણ શાલિનીને એ જ જૂના રૂપમાં પાછી જોવી છે.

એ જ શાલિની જે સાડી અને હળવા મેક-અપમાં પહેલી નજરે તેને ગમી ગઈ હતી. જેને ફિલ્મો-પુસ્તકો-નાટકની દુનિયાની દરેક વસ્તુમાં રસ હતો. દિવસમાં ભાગ્યે જ પાંચ કલાકની ઊંઘ સાથે,શાલિની આખો દિવસ ગુલામની જેમ કામ કરતી રહે છે. આ વિચારસરણી બદલવી પડશે. તેના માટે પહેલા તે પોતાની જાતને બદલશે. પછી મમ્મી – પપ્પા અને બાળકો પણ ધીમે ધીમે બદલાશે.

લગ્નના બાર વર્ષ પછી, આખરે મનીષ શાલિનીનો જીવનસાથી બન્યો.