પરિવાર પર ધ્યાન ના આપનાર વકીલ પતિને પત્નીએ આ રીતે ભણાવ્યો પાઠ, જાણવા અને સમજવા જેવો લેખ.

0
1002

લઘુકથા : “ભાષા”

– માણેકલાલ પટેલ.

વાત અહીંથી જ શરૂ થાય છે.

રામુ કંઈક વાંચી રહ્યો હતો. રમીલા રસોડામાં હતી. દેવી ટીવી જોતી હતી.

નયન મોબાઈલમાં ગેઈમ રમી રહ્યો હતો.

દેવી ટીવી બંધ કરી અને નયન મોબાઈલ મૂકી સૂવા માટે ગયાં. રમીલા પણ રસોડામાંથી બહાર આવી.

રામુ ચિંતાતુર ચહેરે હાથમાં રહેલ કાગળ વારંવાર વાંચતો હતો.

એણે રમીલાને પૂછ્યું : ” આ……”

“કાલે જવાબ આપી દેજો.”

“આમાં તો સહી જ કરવાની છે.”

“તો સહી કરી દેજો.”

રામુ શહેરનો નામાંકિત વકીલ હતો. સતત કામમાં વ્યસ્ત જ રહેતો હતો.

રમીલા ઘર સંભાળતી અને બાળકોના ઉછેરમાં પણ પૂરતું ધ્યાન આપતી હતી.

રમીલા એના રૂમમાં ચાલી ગઈ.

છૂટાછેડાની નોટીસ જેવું લખાણ વાંચી રામુ વિચલિત થઈ ગયો હતો.

સૂવા માટે કોના રૂમમાં જવું? રમીલાના કે બાળકોના? એ વિચારમાં પડી ગયો.

એ બાળકોના રૂમમાં ગયો.

થોડીવારે રમીલા બહાર આવી.

રામુને બેઠકરૂમમાં ન જોયો.

કોમ્પ્યુટરની બાજુમાં નોટિસ પડી હતી. એણે હસીને એ ફાડી નાખી.

સવારે એણે રામુને પૂછ્યું : “કેવી ઉંઘ આવી?”

દેવી અને નયન એક સાથે બોલ્યાં : “પપ્પા અમને છોડીને કાયમ માટે જવાના હોય તેમ વહાલ વરસાવતા હતા.”

“પેલી નોટિસ?” રામુએ પૂછ્યું.

“એ ક્યાં કાયદેસર હતી?”

“તો?”

“જેને જે ભાષા સમજાય એ ભાષામાં જ સમજાવવું પડે ને?” રમીલા હસી : “તમારે બે છોકરાંઓ છે એ આજે ખ્યાલ આવ્યોને?”

– માણેકલાલ પટેલ.