“તું શું સમજે છે મને..!!?”
“સ્ત્રી…!!”
કૉલેજના બાંકડે બેઠા બન્ને દોસ્ત મિલન અને બંસરી વાતોમાં પરોવાયેલા રહેતા.
બંસરી જેવું નામ એવી જ મીઠી પણ, એ મિલન સામે જ મધુર વાગતી કારણ કે, મિલન એનામાં નિઃસ્વાર્થ દોસ્તીના પ્રાણ પૂરતો.
બોલવામાં બેબાક પણ વ્યવહારુ…!!
નાનપણથી જ માં વગરનો ઉછેર એટલે કદાચ દુનિયાદારી વહેલી સમજમાં આવી ગયેલી.
એકંદરે મનમોજી માણસ અને પોતાના સિદ્ધાંત વિરુદ્ધ લગીરે’ય ચલાવી ના લે.
મિલનનું પુરુષ મન ઘણી વખત એને ઝંખતું પણ બંસરી એને ક્યારેક હકથી તો ક્યારેક દોસ્તીમાં મળતી હુંફથી એને સમજાવી દેતી અને મિલનને સમજાઈ પણ જતું કે, નિખાલસ દોસ્તી બન્ને ને સમૃદ્ધ બનાવે છે.
શંકાશીલ પણ ચિંતિત સ્વરે મિલન;
“બંસી, તારા મેરેજ પછી પણ આપણે આમ જ દોસ્ત રહીશું ને..!!”
“કોઈ ડાઉટ છે તને..!!?”
“એટલે જ તો સવાલ કર્યો..!!”
વ્હાલથી હાથ ઉગામતી બંસી;
“ચીરકૂટ લાઈફટાઈમ આમ જ રહીશું..!!”
“પણ, સાંભળને..!!”
“શુ..!!?”
“તારો હબી લુચ્ચો નીકળ્યો તો…!!?”
“તો બન્ને મળીને સુધારીશું ને એને..!!”
આટલું બોલી બન્નેની નિખાલસ દોસ્તી ખડખડાટનું ઝરણું બની ગઈ.
કોલેજ પૂરી થતાં પોતાની લાઈફમાં બન્ને જણ થોડાક વ્યસ્ત થતા પણ સોસીયલ મીડિયા થકી ટચમાં હતા અને કોલ્સ પણ સમયાંતરે ચાલુ જ રહેતા.
એક દિવસ અચાનક જ- વાયા વાયા ખબર પડી કે બંસીએ મેરેજ કરી લીધા.
મિલનને ધ્રાસકો પડ્યો. ગુસ્સામાં એણે કશું પૂછવાને બદલે સોસિયલ મીડિયામાં બ્લોક કરી એના નમ્બર સુધ્ધાં બ્લોક કરી નાખ્યા.
પણ જે લાગણીનો તાર જોડાયેલો હતો ત્યાં બ્લોકનો કોઈ ઓપશન નહોતો. અંદરખાને વ્હાલ હંમેશા ઓનલાઈન રહેતું.
પણ, કહેવાય છે ને કે, બધા દર્દોની દવા સમય છે.
સમયનું વહેણ વા’તા ક્યાં વાર લાગે છે એક..બે..એમ કરતાં કરતાં છ વર્ષ નીકળી ગયા.
બંસરી જોડે સંપર્ક તૂટ્યા પછી એ મોટેભાગે ગામડે જ રહ્યો અને આમેય પોતે ગામડાનો વ્યક્તિ છે. ગામથી થોડેક દૂર બીજું ગામ વસેલું છે ત્યાં વરસમાં એકવાર અખાત્રીજનો મેળો ભરાય છે.
આજે અખાત્રીજનો દિવસ મિલન તૈયાર થઈ બાઇક લઈ મેળામાં જવા ઉપડ્યો.
કદાચ, અધવચ્ચે પહોંચ્યો હશે અને બાઇકમા કશુંક ખરાબી થઈ.
મેળામાં ચાલીને આવતાજતા લોકોમાંથી એક સજ્જને કીધું;
“અહીંયા નજીકમાં ઘર છે એ ભાઈને ગેરેજ છે. એમના ઘરેથી પક્કડ-પાના લઈ આવો તો હું તમને મદદ કરી શકું..!!”
એ સજ્જને બતાવેલા ઘરે મિલન પહોંચ્યો. ઘરે કોઈને જોયું નહિ એટલે ઝાંપે ઉભા રહીને જ બૂમ મારી;
“કોઈ છે ઘરે…!!?”
કોઈ જ પ્રત્યુત્તર નહિ.
બસ, એક સ્ત્રી આવી.
સંપૂર્ણ ગામડાનો પહેરવેશ આછેરી ઓછણીમાં પરસેવો બાઝેલો હતો પણ દર્દ સમા કડલા પહેરી માંડ-માંડ ચાલતી એ ઇશારાથી પૂછ્યું;
“શુ કામ છે..!!?”
ઈશારા મારફતે વણબોલાયેલા શબ્દોના પ્રત્યુત્તર માં મિલન;
“પાના-પક્કડ જોઈએ છે. બાઇક નજીકમાં જ પડ્યું છે શક્ય એટલા જલ્દી પરત કરી જઈશ..!!”
બોલ્યા વગર એક ડબ્બો સામે રાખી એ ચાલી ગઈ.
મિલન થોડો મૂંઝવાયો પણ એના મગજે એટલી તસ્દી લીધી નહિ કારણ કે, ગામડામાં હજુય નાની વયની સ્ત્રીઓ પુરુષો સાથે વાતચીત કે મોઢું બતાવતી નથી એટલે એને આ સહજ લાગ્યુ.
મિલન એ જરૂરિયાત મુજબના પાના લઈ ડબ્બો પાછો આપતાં કહ્યું;
“થોડીક વાર લાગે અને ઘરે કોઈ પૂછે તો એટલું કહેજો બાજુના ગામવાળા મિલન લઈ ગયા છે..!!”
સ્ત્રીની અસમંજસ અને છ વર્ષનું ધરબાયેલું વ્હાલ એના હોઠને કાબૂ ના કરી શક્યું અને બોલી ઉઠી;
“હાં મિલન..!!”
હાથમાં પાના પકડ સાથે ખરા બપોરનો મિલન થિજાઈ ગયો અને એક જ શબ્દ નીકળ્યો;
“તું બંસરી..!!”
“અત્યારે હાલ કશું નહીં મિલન..!!”
“ના ના તું સમજે છે શું પોતાની જાતને અને આ શું છે બધું યાર..!!”
“પ્લીઝ તું જા યાર હમણાં કોઈક આવી જશે..!!”
“ના મારે જવાબ જોઈએ છે..!!”
“પ્લીઝ મિલન..!!”
આટલું બોલી બંસરી એ ડૂસકું ભર્યું.
કોલેજકાળથી મિલન બંસરી ને ક્યારેય રડતા તો શું પણ લગીરે’ય ઉદાસ ના જોઈ શકતો અને આજે બંસરીએ એની સામે ડૂસકું ભર્યું.
મિલન સમય સ્થળ પરિસ્થિતિનું ભાન ભૂલી ગયો એને મન એ કોલેજની બંસી જ હતી હજુય અને પોતે હગ કરવા જતો હતો ત્યાં, એને હડસેલતા જોશથી બંસી બોલી;
“મિલનનનન..!!”
એ હજુય એનો દોસ્ત જ છે બંસી ના ગુસ્સાથી ટેવાયેલો એને એ બાંકડાની જ સોડમ આવે છે અને એણે પૂછ્યું;
“બંસી મારા ગામની આટલી નજીક છે તું પણ એકેય વાર તને વિચાર ના આવ્યો અને અહીંયા કઈ રીતે કોઈ મજબૂરી છે શું છે..!!?”
એકીસામટા હજ્જારો સવાલ સામે બંસી મૌન રહી અને કીધું;
“તું સાચું કહેતો હતો હું સ્ત્રી છું..!!”
“બંસી મારે જવાબો જોઈએ છે..!!”
“ક્યારેક આપીશ..!!”
“ક્યારે..!!?”
“ખબર નથી..!!”
“એવું કેમ ચાલે.. ખબર નથી એટલે..!!”
“મિલન હું સ્ત્રી છું પત્ની છું કોઈકની..!!”
પત્ની શબ્દ સાંભળતા એ મિલનને યાદ આવ્યું, તું રહીશને જોડે,
અરે લાઈફટાઈમ રહીશ, એનું મગજ ફાટ-ફાટ થતું હતું.
મિલન ઝાંપાની બહાર નીકળતો હતો બંસી એની પાછળ પાછળ આવી
“મિલન..!!”
“હવે કશું બાકી છે..!!?”
“હા કોલેજનો જવાબ બાકી છે આપવાનો હજુ..!!”
“શુ?”
“તું પુરુષ છે. મારો પુરુષ મિત્ર!!”
આટલું બોલી બંસરી એ એના આ છ વર્ષ અલગ રહ્યાનું જાણે ઋણ ઉતારી દીધું. સ્ત્રી-પુરુષની મિત્રતા આડે સંસારસમાજ ઉભો હતો.
બંસી મિલનને એના સ્વભાવને ભલીભાંતી ઓળખતી હતી એટલે ફરી બોલી;
“પ્રોમિસ કર આવતા વર્ષે મેળામાં મળીશ..!!”
મિલન ત્યાંથી ચાલ્યો ગયો પણ બંસીએ તારીખ/તિથિના ડટ્ટામાં ગોળ કુંડાળું કરી દિવસો ગણી લીધા. બંસીને ખબર જ છે એ આવશે.
સ્ત્રી-પુરુષની મિત્રતાને પોતે કોઈ જ નામ આપવાનું પસંદ નથી કર્યું.
બસ એ છે જ. ભલે ને વર્ષો થયા.
-“રાહી”
-Aiden Davies
(સાભાર પઠાન યુસુફ ખાન, ગ્રામિણ જીવન ગ્રુપ)