સમજ પડે નહીં કાના, તારા કયા રૂપને હું અપનાવું? વાંચો કૃષ્ણ ભક્તિની અદ્દભુત રચના.

0
962

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

લાડ લડાવું ‘લાલા’ને કે [૨] , યોગેશ્વર ને શીશ ઝુકાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

છાસ ની સાટે ખુબ તું નાચ્યો , કાલિય નાગ ને પણ તેં નાથ્યો,

છાસ ની માટે સાથે નાચું , [૨] કે હું નાગ-દમન ને વધાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

મુખમાં તું બ્રહ્માંડ બતાવે , પાછો ખાંડણીએ બંધાયે ,

પૂજું હું બ્રહ્માંડ-પતિને , [૨] કે ખાંડણિયે થી છોડાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

બંસીધર તું વૃજ નો લાલો , ગિરિધર પણ તું સહુ નો વ્હાલો,

ખોવાઉં બંસી- ધૂન માં કે , [૨] ગોવર્ધન ની છાંયે આવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

યમુના તટ પર રાસ રમાંડ્યા , માખણ ચોરી સખાને જમાડયા,

રાસ રમી હું રૂમૂ-ઝૂમું કે [૨], માખણ માં હું ભાગ પડાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

ગોપી કેરાં ચીર હર્યા તેં , દ્રૌપદી કેરા ચીર પૂર્યા તેં,

ચીર -હરણ લીલા વંદું કે [૨] , ચીર -ભરણ લીલા બિરદાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

દૈ ત્યો હણ્યા તે એકલે હાથે , સૈન્ય છતાં રણ છોડી ભાગ્યો,

દૈત્ય-દમન લીલા ને નમુ કે , [૨] રણછોડ સાથે દોડ લગાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

રાધા ને છોડી ને ગયો તું , રૂક્ષ્મિણી ને જઈને હરી લાવ્યો,

રાધા સાથે અશ્રુ સારું કે , [૨] રૂક્ષ્મિણી સાથે સજોડે વધાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

કંસ હણ્યો તે મથુરા મધ્યે , શિશુપાલ પર ચક્ર ચલાવ્યું,

આતતાયી નો નાશ સ્મરું કે , [૨] સુદર્શન ની શરણે જાઉં?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

વિદુર ની ભાજી તેં ચાખી ,સુદામા ની તેં ભાવટ ભાંગી,

વિદુર જેમ હું વનમાં જઉં કે , [૨] સુદામા ની જેમ દ્વારકા આવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

યુદ્ધ રોકવા થયો ‘મધ્યસ્થી , યુદ્ધ પ્રેરવા થયો સારથી,

‘મધ્યસ્થી’ ને માન દઉં કે , [૨], સારથી સાથે યુદ્ધ ગજાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

ગીતા જ્ઞાન તણો ગાયક તું , મહાભારત નો અધિનાયક તું,

‘ધર્મ સ્થાપના’ને ઉજવું કે [૨] , ગીતા -જ્ઞાન માં ડૂબકી લગાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

વિષ ના પ્યાલા અમૃત કીધા , હૂંડી ના તેં નાણાં દીધા ,

મીરાની જેમ બાવરો થઉં કે , [૨] નરસિંહ સમ કરતાલ બજાવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

કર્મ-અકર્મ-વિકર્મ બતાવ્યા ધર્મ -અધર્મ -સ્વધર્મ જણાવ્યા,

‘સકામ’ કર્મો છોડી દઈ ને , [૨] ‘સ્વધર્મ’ દ્વારા તને રીઝાવું .

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

માયાપતિતું ,રાજેશ્વરતું ,બાંકે-બિહારી , પરમેશ્વર તું,

કયા નામ થી તને બોલાવું [૨] કયા રસ્તે તુજ પાસે આવું?

સમજ પડે નહીં કાના , તારા કયા રૂપને હું અપનાવું?

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.