શેઠે પ્રશ્ન પૂછ્યો તો સાધુએ કહ્યું હું તમને જવાબ આપવા નથી આવ્યો, શેઠને આવ્યો ગુસ્સો અને પછી જે થયું તે… 

0
1042

ઘણી વખત લોકો કારણ વગરના એકબીજા સાથે ઝગડી પડે છે. વાત ઘણી નાની એવી હોય છે અને તેને એકબીજા સાથે બેસીને ઉકેલી શકાય છે, પણ લોકો વિવાદને ઉકેલવાને બદલે વધારતા હોય છે. તેનું મુખ્ય કારણ છે ગુસ્સો.

ગુસ્સાના કારણે કામ બગડી જાય છે, સંબંધોમાં તણાવ વધી શકે છે. તેથી ગુસ્સાથી દુર રહેવું જોઈએ. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે શીખવાડે છે કે ગુસ્સો કરવાથી દુર રહેવું જોઈએ. આવો તે પ્રસંગ વાંચીએ.

એક શેઠ પાસે સાધુ ભિક્ષા માંગવા ગયા. શેઠ પણ ધાર્મિક સ્વભાવના હતા. તેમણે એક વાટકી ચોખાનું દાન સાધુને કરી દીધું. શેઠે તેમને કહ્યું કે, ગુરુજી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું.

સાધુએ કહ્યું કે, ઠીક છે પૂછો, શું પૂછવા માંગો છો?

શેઠે પૂછ્યું કે, ગુરુજી હું એ જાણવા માંગુ છું કે લોકો એકબીજા સાથે ઝગડા કેમ કરે છે?

શેઠની વાત સાંભળીને સાધુએ કહ્યું કે, હું અહિયાં ભિક્ષા લેવા આવ્યો છું તમારા મુર્ખામી ભરેલા પ્રશ્નોના જવાબ આપવા નથી આવ્યો.

પ્રતીકાત્મક ફોટો

સાધુના મોઢેથી આવું સાંભળીને શેઠને ગુસ્સો આવી ગયો. તે વિચારવા લાગ્યો કે આ કેવા સાધુ છે, મેં તેમને દાન આપ્યું અને તે મને આવા જવાબ આપી રહ્યા છે. શેઠે ગુસ્સામાં સાધુને ઘણું આડું અવળું સંભળાવી દીધું.

થોડી વાર પછી શેઠ શાંત થઇ ગયા. પછી સાધુએ કહ્યું કે, જેવી રીતે મેં તમારી સાથે થોડું ગેરવર્તન કર્યું, અને તમને ગુસ્સો આવી ગયો. ગુસ્સામાં તમે મને ખીજાવા લાગ્યા, આ સ્થિતિમાં જો હું પણ તમારી ઉપર ગુસ્સે થઇ જાત તો આપણી વચ્ચે વિવાદ ઘણો વધી જાત.

સાધુએ શેઠને સમજાવ્યું કે, ગુસ્સો જ દરેક ઝગડાનું મૂળ છે. જો આપણે ગુસ્સો નહિ કરીએ તો ક્યારેય પણ વાદ વિવાદ થશે જ નહિ. ગુસ્સામાં કામ સુધરતા નથી અને વધુ બગડી જાય છે. તેથી ગુસ્સાને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે જ જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. હંમેશા ધીરજ જાળવી રાખવી જોઈએ.

લાઈફ મેનેજમેંટ : એક કહેવત છે કે ગુસ્સો એ અગ્નિ છે જેમાં વ્યક્તિ બીજાની સાથે સાથે પોતાને પણ નુકશાન પહોંચાડી બેસે છે. જે વ્યક્તિ ગુસ્સામાં આવીને કોઈ પગલું ભરે છે કે નિર્ણય લે છે, તેમાં નુકશાન સિવાય બીજું કાંઈ નથી મળતું. તેથી ગુસ્સો ન કરવો જોઈએ.