“ટૂંકી વાર્તા”
“યાદગાર ક્ષણ”
વાત છે આજ થી થોડાક વર્ષ પહેલાંની ગિરનાર લીલી પરિક્રમા દરમ્યાન થયેલ એક અદભુત અનુભવ ની….
બચપણ નો મિત્ર જયેશ અને હું અમદાવાદ માં એકજ પોળ માં સાથે મોટા થયા… તે સુરત પરણ્યો. અને થોડા સમય પછી તેને પોતાનો વેપાર પણ સુરત ટ્રાન્સફર કર્યો અને અમદાવાદી ભાઈ સુરતવાસી થઈ ગયા… મિત્રતા પાકી… અમદાવાદ આવે એટલે મળવા ચોક્કસ આવે… વોટ્સ અપ થી વાતો થાય.. મેં પાંચ વાર ગિરનાર લીલી પરિક્રમા કરેલી.. સુરત માં કોઈ મંદિર માં પ્રતીકાત્મક ગિરનાર પરિક્રમા એવી રચના કરેલી છે.
જયેશ ત્યાં ગયો એટલે એને ગિરનાર પરિક્રમા કરવાની ઈચ્છા થઈ ને મને ફોન કર્યો.. મેં માહિતી આપી કે ભાઈ ગિરનાર પરિક્રમા એ ગમે ત્યારે ના થાય. તે માત્ર કારતક સુદ અગિયારસ થઈ પૂનમ આ ચાર દીવસે જ થાય. બાકી આપણે આ ચાર દિવસ સિવાય જંગલ માં જઇ પણ ના શકીયે.. આ તો ગુરુ દત્તાત્રેય મહારાજ ની આણ છે.. ગિરનાર પરિક્રમા વિશે ટુક માં માહિતી આપી…
તે પછી તો વાત વિસરાઈ ગઇ. દિવાળી પછી કારતક સુદ અગિયારસે છાપા માં ગિરનાર પરિક્રમા ના ન્યુઝ જોઈને જયેશ ની પરિક્રમા ની ઈચ્છા જાગૃત થઈ ગઈ. તરત મને ફોન કર્યો કે ચાલો ગિરનાર પરિક્રમા માં….. મેં કહ્યું ચાલો… સાંજ સુધી અમદાવાદ આવી જા. રાત ની બસ માં જૂનાગઢ જઇએ. નક્કી થઈ ગયું. અમદાવાદ ના મિત્રો ને પૂછ્યું તો યોગેશ અને ભાવેશ બે મિત્રો તૈયાર થયા. ગિરનાર પરિક્રમા વિશે જાણ્યું હતું પણ આ બંને નો પહેલો અનુભવ હતો. અનુભવી માત્ર હું જ હતો એટલે હું ટીમ નો કપ્તાન.
રાત્રે બસ માં જૂનાગઢ જવું સવારે ભારતીબાપુ ના આશ્રમે ફ્રેશ થઈ સવારે સાડા છ સાતે ચાલવાનું શરૂ કરવું શાંતિ થી ચાલવું. જીણાબાબા ની મઢી થઈ રાત્રે માળવેલા ની જગ્યા એ રાત્રી નિવાસ કરવો અને બીજા દિવસે બોરદેવી થઈ સાંજ સુધી ભવનાથ પરત. રાત્રે બસ માં બેસી ને અમદાવાદ. આમ ત્રણ રાત્રી ને બે દિવસ ના પ્રવાસ નું આયોજન કર્યું. રાત્રે અગિયાર ની બસ માં ચાર ટીકીટ બુક કરવી દીધી. જયેશ સાડા છ એ અમદાવાદ આવી પહોંચ્યો. ઘેર હળવું ભોજન લીધું. અને નક્કી કર્યા પ્રમાણે અગિયાર વાગે ગીતા મંદિર બસ સ્ટોપ ઉપર સોમનાથ ની ચા પર ચારેય મિત્રો ભેગા થયા.
હું બધા થી મોટો… વળી ડાયાબિટીસ સાથે પાક્કી વર્ષો જૂની ભાઈબંધી. છેલ્લા ગિરનાર પરિક્રમા ને આઠ વર્ષ થયેલા…. ઉત્સાહ ખૂબ…. જરૂરી દવા ઇન્સ્યુલિન અને ઓછા માં ઓછો સામાન… સવારે ભારતી બાપુ ના આશ્રમે પહોંચ્યા. ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો. ને “જય ગિરનારી” ના ઉદઘોષ સાથે અમારી પરિક્રમા શરૂ થઈ. સૌથી વધારે થાક મને લાગતો. મન માં ઉત્સાહ જબરજસ્ત હતો પણ શરીર એનો જવાબ પણ આપે જ ને.
જયેશ, યોગેશ અને ભાવેશ અને હું જીણાબાબા ની મઢી એ પહોંચતા સુધી બધા નહીં પણ હું તો હું થાકીને લોથપોથ થઈ ગયો. બપોર જીણા બાબા ની મઢી એ થોડો આરામ કરી ને આગળ વધ્યા. માળવેલા ની જગ્યા પહેલા માળવેલા ની ઘોડી આવે એમા સીધું ચઢાણ છે. જયેશ અને ભાવેશ બે થોડા આગળ હતા. હું ને યોગેશ થોડા પાછળ હતા.. મારો થાક વધતો એમ શ્વાસ ચઢતો.. થોડી થોડી વારે વિસામો લેવા ઉભા રહેવું પડતું. આમ અમારું જયેશ, ભાવેશ વચ્ચે અંતર વધતું ગયું… અમે પાછળ રહી ગયા.
મને થાક ખુબજ ….શ્વાસ ચઢતો. ને ઉભું ચઢાણ આવે ત્યારે પગ ની નસો ખેંચાતી.. મારા શરીર ને ઉપર ધકેલવા માં મને ખુબ શ્રમ પડતો… પાંચ સાત કદમ ચાલી ને ઉભા રહેવું પડતું… અને માળવેલા ની ઘોડી પુરી થતી જ નહોતી. મન નું કામ છે સંકલ્પ-વિકલ્પ નું …. સારા-ખોટા વિચારો આવે…. સિક્કા ની બે બાજુ ઓ ની જેમ… માનસિક મક્કમતા અને શારીરિક અસ્વસ્થતા વચ્ચે યુ ધચાલતું. શરીર તો નબળું હતું જ. અને મન પણ વચ્ચે વચ્ચે ઝોલા ખાતું હતું….
થોડું ચાલી ને વિસામાં માટે હું રોકાતો. યોગેશ પણ મને સાથ આપતો મારી સાથે રહેતો. તેની શારીરિક ક્ષમતા ની મને ખબર હતી. પણ તે મારી સાથે મિત્ર ધર્મ બજાવતો હતો.. ધીમે ધીમે આગળ અને ઊંચે જતા એક જગ્યા એ હું વિસામાં માટે રોકાયો બેઠો થોડી જગ્યા હતી તો હું આડો પડ્યો.. મારી છાતી ધમણ ની જેમ ફુલતી અને પગ ની નસો ફૂલી ને ખેંચાતી.. તે ખૂબ દર્દ કરતી..
હું જ્યાં સૂતો હતો ત્યાં એક ભાઈ આવ્યા. “જય ગિરનારી”
ઉદઘોષ થયો. મેં પણ સામે પ્રતીઉત્તર આપ્યો “જય ગિરનારી”
તેઓ એ કહ્યું તમારી તબિયત ઠીક નથી લાગતી. શું સમસ્યા છે? મેં જવાબ આપ્યો ભાઈ રોજે ચાલવાની આદત ના હોય ને આ પરિશ્રમ નો શરીર જવાબ તો આપે જ ને…
તેમને કહ્યું હું એક્યુપ્રેશર નો ડોક્ટર છું. આપ ની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરી શકું? મેં કહ્યું જી હાં ચોક્કસ… કેમ નહીં?
એમને મેને ક્યાં દુ:ખે છે વગેરે પૂછ પરછ કરી ખિસ્સા માં થી એમનું એક બોલપેન જેવું સાધન કાઢ્યું અને મારા બંને હાથ ની આંગળી ઓ માં મને પ્રેશર આપી આપી ને ત્રણ ત્રણ પોઇન્ટ તેમના અનુભવ થી નક્કી કર્યા. તેમની પાસે ની બેગ માં થી મગ ના દાણા અને સફેદ ડ્રેસિંગ ટેપ કાઢી. બંને હાથ માં ત્રણ ત્રણ નક્કી કરેલ પોઇન્ટ ઉપર મગ નો દાણો મૂકી ટેપ મારી દીધી. અને કહ્યું. થોડી થોડી વારે આ મગ નો દાણો દબાવતા રહેશો. દશ મિનિટ માં આરામ થઈ જશે… મેં તેમનો આભાર માન્યો. અને તેઓ આગળ ચાલી નીકળ્યા.
હું ને યોગેશ પાંચ મિનિટ પછી ઉઠ્યા અને આગળ વધવા નું શરૂ કર્યું…. મને ખુબ આશ્ચર્ય થયું કે પગ નો દુ:ખાવો ગાયબ. નસો ફૂલી ગયેલી તેમાં પણ દુખાબો નહીં અને શ્વાસ પણ રેગ્યુલર… અમે દોડ્યા એમ તો ના કહેવાય પણ પહેલા કરતા ઘણા ઝડપ થી અમે આગળ વધ્યા.
માળવેલા ની જગ્યા એ પહોંચ્યા ત્યાં જયેશ અને ભાવેશે સુવા ની જગ્યા શોધી ને નક્કી કરી રાખી હતી.. પહોંચી કૂવા પાર હાથ પગ ધોઈ ફ્રેશ થયા. ભોજન ને ન્યાય આપ્યો. ચારેય મિત્રો બેસી ને આજ ના દિવસ ના સ્મરણો વાગોળ્યા… મારો આ અનુભવ કે યોગ્ય જગ્યા એ, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ મને મળ્યા…. મારી મદદે સ્વયં ગુરુ દત્તાત્રેય આવ્યા એવો હૃદય માં ભાવ જાગ્યો… મારા જીવન ની આ યાદગાર ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું….
“જય ગિરનારી”
– અંકુર ખત્રી. (અમર કથાઓ ગ્રુપ)