શ્રદ્ધા નથી તો નામ જપ કરવો બેકાર, જાણો નામ જપની મહિમા.

0
506

ગુરુની વાતો પર શિષ્યને ભરોસો નહોતો, તો ગુરુએ શિષ્યને આ રીતે શીખવ્યો પાઠ.

એક ગામમાં એક સાધુ મહારાજ રહેતા હતા. સાધુ મહારાજ જ્યાં પણ જતા ત્યાં ભગવાનના નામનો જાપ કરવાનો ઉપદેશ આપતા હતા. સાધુ મહારાજની ભગવાનના નામનો જાપ કરવા પર આટલી શ્રદ્ધા જોઇને ઘણા લોકોએ તેમની પાસેથી રામ નામની દીક્ષા લીધી. અમુક લોકો તો તેમના સાનિધ્યમાં રહીને ભગવાનની કૃપા મેળવવા માટે તેમના શિષ્ય બની ગયા.

એકવાર સાધુ મહારાજ શિષ્યોને નામનો મહિમા સંભળાવી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે “જો શ્રદ્ધા હોય તો રામ નામનો જાપ કરવા માત્રથી માણસ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જાય છે.”

આ સાંભળીને સાધુ મહારાજનો એક શિષ્ય આનંદથી ઉછળ-કૂદ કરવા લાગ્યો. તેને જોઈને લાગતું હતું કે, જાણે કે તેને દરેક સંકટને દૂર કરવા માટે રામબાણ મળી ગયું હોય. તે દરરોજ ભિક્ષા લેવા માટે નદી પાર કરીને બીજા ગામમાં જતો હતો. તેના માટે તેણે નાવિકને ચાર આના આપવા પડતા હતા.

એક દિવસની વાત છે. સાધુ મહારાજનો તે શિષ્ય ભિક્ષા લેવા માટે જતો હતો. તે દિવસે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડ્યો હતો, જેના લીધે નદીમાં પૂર આવ્યું હતું. આથી નાવિકે તેને લઈ જવાની ના પાડી. ત્યારે શિષ્યને ગુરુજીનો ઉપદેશ યાદ આવ્યો કે – “ફક્ત રામના નામનો જાપ કરવાથી માણસ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જાય છે.” શિષ્યે વિચાર્યું – “જો રામ નામથી બધી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે, તો નદી પાર કરવી એ કઈ મોટી બાબત છે.” તેમ છતાં તેને શંકા ગઈ કે ક્યાંક ડૂબી ગયા તો! આથી તેણે પહેલા ગુરુજીને પૂછવું યોગ્ય સમજ્યું.

તે ગુરુજી પાસે પાછો ગયો અને બોલ્યો – “ગુરુજી! આજે નદીમાં પૂર આવ્યું છે અને નાવિકે પેલે પાર જવાની ના પાડી દીધી. હવે હું શું કરી શકું ?”

ગુરુજીએ કહ્યું – “કાંઈ નહીં! આજે પાણી પર દિવસ પસાર કરી લઈશું.” પરંતુ શિષ્યને પાણી પર દિવસ પસાર કરવો મંજૂર ન હતું. તેણે ગુરુજીને ફરીથી પૂછ્યું – “ગુરુજી! તમે કહો છો કે, રામના નામનો જાપ કરવાથી બધાં સંકટો દૂર થઈ શકે છે. તો શું રામ નામની નદી પાર નહિ થઈ શકે? ”

ગુરુજીએ કહ્યું – “જરૂર! શ્રદ્ધાપૂર્વક લીધેલું રામ નામ બધા સંકટો દૂર કરે છે. તેમાં કોઈ શંકા નથી કે નદી પાર થઈ શકે છે.”

પછી શું હતું. તો પછી જે બાકી હતું. ગુરુજીની વાત સાંભળ્યા પછી શિષ્ય ફરીથી નદી તરફ ચાલવા લાગ્યો. શિષ્યને પાકો વિશ્વાસ નહતો કે તે નદી પાર કરી શકશે, તેમ છતાં પણ તે રામના નામની પરીક્ષા લેવા નદીમાં ઉતર્યો. તે એક વખત રામ બોલ્યો અને એક ડગલું આગળ વધ્યો, તો કાંઈ નહીં થયું.

પછી બે વાર રામ – રામ બોલ્યો અને આગળ વધ્યો, છતાં પણ તેની કોઈ અસર જોવા મળી નહિ. હવે રામ – રામ બોલતા બોલતા તે આગળ વધવા લાગ્યો. પાણી તેના ગળા સુધી આવી ગયું. હવે તેણે વિચાર્યું કે રામ નામ નકામું છે, તે ફક્ત લોકોને ઉપદેશ આપવા માટે છે. ગુરુજી જૂઠું બોલે છે. પછી એક મોટી લહેર આવી અને તેને તણાવીને લઇ ગઈ.

શિષ્ય બિચારો ડૂબકી મારતો મારતો કોઈ રીતે કિનારા પર પહોંચ્યો. તેને ગુરુજી ઉપર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે તેમની પાસે જઈને બધી વાત કહી અને તેમને અપશબ્દો કહેવા લાગ્યો.

શિષ્યએ કહ્યું – “અરે ઢોંગી પાખંડી ગુરુ! કોઈ મરે છે કે જીવે તેનાથી તમને કોઈ ફરક નથી પડતો. કોઈ પણ ખરા-ખોટા ઉપદેશ આપતા રહો છો. આજે તમારા ઉપદેશના ચક્કરમાં હું મરતા મરતા બચ્યો છું. આ લો તમારી કંઠી માળા, આજે હું તતમને આખી દુનિયા સામે ઉઘાડા કરીશ.” ગુરુજી શાંતિથી બેઠા બેઠા હસી રહ્યા હતાં.

આ જોઈને શિષ્ય ગુસ્સાથી લાલ થઈ ગયો. “હું ગામલોકોને તમારી વાસ્તવિકતા જણાવવા જઈ રહ્યો છું.” એવું કહીને શિષ્ય ફરીથી નદી તરફ ગયો. ગુરુજી પણ તેની પાછળ-પાછળ ગયા. જ્યારે તેઓ નદી કાંઠે પહોંચ્યા ત્યારે નદી બેફામ વહી રહી હતી. શિષ્ય નદીના કાંઠે બેઠો અને નદીના શાંત થવાની રાહ જોવા લાગ્યો.

ગુરુજી નદી કિનારે અટક્યા વિના નદીમાં ઉતર્યા. સાધુ મહારાજ જેવા જ નદીમાં ઉતર્યા કે નદીએ તેમને માર્ગ આપ્યો. આ જોઈને શિષ્ય સ્તબ્ધ થઈ ગયો. તે તેની ભૂલ સમજી ગયો. તે પસ્તાવાની અગ્નિમાં બળીને નદીમાં કૂદી પડ્યો. તે સમયે તેને જીવનની કોઈ ચિંતા નહતી, ન તો કોઈ ભાન હતું. તે દોડતો દોડતો નદી પાર કરી ગયો અને ગુરુદેવના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યો. સાધુ મહારાજે તેને ઉભો કર્યો અને તેને ભેટ્યા. જ્યારે તેને ભાન આવ્યું તો તેણે પાછળ વળીને જોયું. નદી પહેલાંની જેમ જ વહી રહી હતી.

તેણે આશ્ચર્યચકિત થઈને ગુરુજીને પૂછ્યું- “ગુરુજી! આ રહસ્ય શું છે? જ્યારે મેં રામ નામનો જાપ કર્યો ત્યારે હું નદી પાર કરી શકતો નહિ અને હવે મેં કોઈ જાપ ન કર્યો હોવા છતાં હું નદી પાર કરી ગયો. એવું શા માટે ?”

ગુરુજીએ કહ્યું – “વત્સ! આ બધો શ્રદ્ધાનો ચમત્કાર છે. નામ તો શ્રદ્ધાનું એક સાધન માત્ર છે. તું રામ બોલ કે કૃષ્ણ, તેનાથી કોઈ ફરક નથી પડતો. જો શ્રદ્ધા છે તો કોઈપણ નામ અથવા વિચાર તને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે, અને જો શ્રદ્ધા નથી તો, બધા નામ નકામા છે. ”

ગુરુજીએ આગળ કહ્યું – “જ્યારે તું પહેલી વખત નદી પાર કરી રહ્યો હતો. તે સમયે તને નામમાં શ્રદ્ધા નહોતી, શંકા હતી. પરંતુ હવે જ્યારે તે મને તે જ નામથી નદી પાર કરતા જોયો, તો તને તારી ભૂલનો અનુભવ થયો અને તે તારા જીવનની ચિંતા કર્યા વગર સમર્પણ કરી દીધું. આ શ્રદ્ધા છે.”

“જ્યારે શ્રેષ્ઠતા પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ આપણા અંતઃકરણમાં આવે તો સમજવું કે શ્રદ્ધા પ્રગટ થઈ છે. હવે આપણું ઇષ્ટ નામ સાર્થક છે. શ્રદ્ધા અને સમર્પણ સાથે જ નામની સાર્થકતા છે.

આ માહિતી અધ્યાત્મ સાગર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.