પોતાના કામને બોજ માનશો તો ક્યારેય તમને સુખ-શાંતિ નહિ મળે, આ પ્રસંગ દ્વારા સમજો આ વાત.

0
612

જો તમે ઈચ્છો છો કે જીવન સુખ-શાંતિથી પસાર થાય, તો જીવનમાં ક્યારેય ન કરતા આ ભૂલ, જાણો કઈ. એક સમયે રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો તો રાજાના ભંડાર ખાલી થવા લાગ્યા. પ્રજા પાસેથી કર મળતો ન હતો અને ભંડારમાં વધુ ધન રહ્યું ન હતું. તે વાતથી રાજા ઘણા દુઃખી રહેવા લાગ્યા હતા. થોડા સમય પછી સ્થિતિ થોડી સામાન્ય થઇ. પરંતુ રાજાની કમાણી વધતી ન હતી.

રાજાના દુશ્મનો પણ તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા માટે સેનાનું સંગઠન કરી રહ્યા હતા. તે વાતની રાજાને જાણ થઇ તો તેની તકલીફો ઘણી વધી ગઈ. એક દિવસ રાજાએ તેના મહેલમાં અમુક લોકોને ષડ્યંત્ર કરતા પકડી લીધા. આ બધી ઘટનાઓને કારણે રાજાના જીવનમાંથી સુખ-શાંતિ દુર થઇ ગઈ હતી.

રાજાનો એક સેવક આખો દિવસ શાહી બાગની દેખરેખ કરતો અને સવાર-સાંજ ભરપેટ સુકી રોટલી ખાતો હતો. પરંતુ તેના ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા જોવા મળતી હતી. રાજાને તે સુખી સેવકની ઈર્ષ્યા થતી હતી. રાજા વિચારતા હતા કે, મારા જીવનથી સારું તો આ સેવકનું જીવન છે. કોઈ ચિંતા નથી, પોતાનું કામ કરે છે અને સવાર-સાંજ ભરપેટ ખાવાનું ખાઈને આરામ કરે છે. મારી તો ભૂખ પણ મરી ગઈ છે અને ઊંઘ પણ નથી આવતી.

એક દિવસ રાજાના મહેલમાં પ્રસિદ્ધ સંત પધાર્યા. રાજાએ સંતનો આદર-સત્કાર કર્યો. સંત તેમની સેવાથી ઘણા પ્રસન્ન થયા. રાજાએ સંતને પોતાની તમામ તકલીફો જણાવી દીધી. સંતે તે રાજાને કહ્યું કે, રાજન તમારી ચિંતાનું મૂળ આ રાજપાઠ છે. તમે એક કામ કરો આ સંપૂર્ણ રાજપાઠ મને સોપી દો અને તમામ ચિંતામાંથી મુક્ત થઇ જાવ.

તે વાતથી રાજા સહમત થઈ ગયા. તેમણે સંતને રાજા જાહેર કરી દીધા. પછી સંતે તેમને કહ્યું કે, હવે તમે શું કરશો?

તો રાજાએ કહ્યું કે, હવે તો મારી પાસે ધન નથી. હું ક્યાંક નોકરી કરીશ. સંતે કહ્યું કે, તમે મારે ત્યાં જ નોકરી કરો. મારા રાજ્યનું સંચાલન કરો, તેનો તમને અનુભવ પણ છે. હું તો મારી કુટીરમાં જ રહીશ, તમે મહેલમાં રહીને રાજ્યની વ્યવસ્થા સાંભળી લો.

રાજા તે કામ માટે તૈયાર થઇ ગયા. હવે રાજા ચિંતા મુક્ત હતા. એક નોકર બનીને તેમને સુખ-શાંતિ મળી ગઈ હતી. હવે તે કુશળતાથી રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. ભરપેટ ખાતા અને ઊંઘ પણ સારી આવવા લાગી. કેમ કે રાજાને એ વાતની ચિંતા ન હતી કે, રાજ્ય ઉપર સંકટ આવી ગયું તો શું થશે? કેમ કે રાજ્ય તો સંતનું હતું.

થોડા દિવસો પછી સંત મહેલમાં આવ્યા તો રાજાએ કહ્યું મહારાજ હું હવે ઘણો ખુશ છું. સંતે તેમને કહ્યું કે, રાજન તમે પહેલા પણ આ બધું કામ કરતા હતા, પરંતુ તે સમયે તમે કામને બોજ માની લીધો હતો. હવે તમે તમારા કામને કર્તવ્ય માનીને કરી રહ્યા છો. પ્રસન્ન થઈને કામ કરવાથી તમારું મન શાંત રહેવા લાગ્યું છે. તે કારણે જ તમારી ચિંતાઓ દુર થઇ ગઈ છે.

સંતની વાત સાંભળીને રાજા સમજી ગયા કે કામને બોજ ન માની, તેને પોતાનું કર્તવ્ય માનીને પોતાનું કામ કરવું જોઈએ. પછી સંતે રાજાને ફરીથી તેમની ગાદી પાછી આપી અને રાજા સારી રીતે રાજ્યનો સંભાળવા લાગ્યા.

આ માહિતી દૈનિક ભાસ્કરઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.