નારીને ગુસ્સે કરશો તો તેને મહાકાળી બનતા વાર ન લાગે, વાંચો રસપ્રદ લઘુકથા.

0
771

“પાંચ ખાંડી ઘઉં”

મધરાતે દેકારો થયો.. પાદરમાં ભ ડકા દેખાયા.. સૌ પાણીના ઠામ લઈને આવ્યા.. પણ આગે ભરડો લઈ લીધો, મોહનના ચાર વિઘાના ઘઉં બળી ગયા..

મોહન નાનો ગરીબ ખેડૂત હતો.. પાદરમાં ચાર વિઘા જેટલી નાની વાડી હતી.. ઘઉં પાકીને તૈયાર હતા.. હવે વાઢવાના જ હતા.. પાંચેક ખાંડી થવાનો આશરો હતો.. હાથમાં આવેલું ગયું.. મોહન અને સવિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રોયા..

દિકરી કાન્તુ વીસ વરસની થઈ ગઈ હતી.. સગાઈની વાત વહેતી કરી હતી.. એ ઉંચી કાંઠાળી અને મજબુત બાંધાની હતી.. એને લાયક ઠેકાણું મળી જાય તો સગાઈનો ખર્ચો ઘઉંમાંથી ઉપડી જાય.. તેમ હતું..

આખી રાત કોઈને નીંદર ન આવી.. કાન્તુને સવાર પડ્યે ઝોલું આવ્યું હશે.. સવિતાએ શીરામણ કરવા ઉઠાડી..

એણે ભાખરીનું એક બટકું મોંમાં નાખ્યું.. તરત જ ઉભી થઈ ગઈ.. ચોટલાનો જેમ તેમ અંબોડો વાળ્યો.. દુપટ્ટો કમર પર કસીને બાંધ્યો.. બારણા પાછળથી લાંબા હાથાનું ધારીયું ઉપાડ્યું.. ને ચાલતી થઈ..

” હું જાઉં છું.. મારા ઘઉંનું વેર લેવા.. આજ ખુશાલિયો નહીં.. કાં હું નહીં..”

ખુશાલ.. એનો શેઢા પાડોસી.. મોહનની બેય બાજુ એના મોટા કટકા.. શરીરે ખડમાકડી , પણ ખુંધો અને ખટપટી.. મોહનનું કટકું પાણીના ભાવે પડાવી લેવા.. રોજ નવા પેંતરા કરતો.. કાન્તુને મનમાં હતું કે ‘ગામમાં આવું કોઈદી થયું નથી.. આ ખુશાલના જ કામા છે..’

મોહન અને સવિતા કાન્તુને રોકવા પાછળ દોડ્યા.. પણ નીલગાય જેવી સ્ફુર્તિવાળી કાન્તુને થોડા પહોંચે..

પાદરે માણસોની અવર જવર હતી.. ખુશાલ મંદિરે દર્શન કરીને પાછો આવતો હતો.. કાન્તુએ એક ઝા પટે હેઠો પાડી દીધો.. હાથ મ રડી ઉંધો કર્યો.. વાંસા પર લોખંડી પગ મુક્યો.. ધારિયું ગળે અડાડ્યું..

” હ રામી.. મારા ઘઉં કેમ બાળ્યા? આજ તું પુરો..”

બીજા વચ્ચે પડવા આવ્યા.. કાન્તુનું ધારિયું હવામાં ઘુમરી લેવા માંડ્યું.. ” રહેવા દેજો.. વચ્ચે પડશો તો જીવના જશો..”

મો તભાળી ગયેલો ખુશાલ કર ગરવા લાગ્યો.. લોકોની વચ્ચે ગુનો કબુલ કર્યો..

જથ્થાબંધ માલના વેપારી માધવજી શેઠે મધ્યસ્થી કરી.. બધાની હાજરીમાં આજના ભાવે પાંચ ખાંડી ઘઉંના પૈસા મોહનના નામે જમા કરવા કબુલાત આપી..

શેઠે મોહનને કહેણ મોકલ્યું.. ” તમે બેય માણસ મારે ઘરે આવીને પૈસા લઈ જજો..”

મોહન અને સવિતા પૈસા લેવા ગયા.. લેતીદેતી પુરી થઈ..

શેઠ બોલ્યા.. ” મોહન , મેં તને પૈસા દીધા .. તું મને કાન્તુ દે..”

સવિતા બોલી.. ” પણ શેઠ , અમે તો ગરીબ.. ને તમે પૈસાવાળા.. તમારો દિકરો જાજું ભણેલ છે.. કાન્તુ તો થોડુંક જ ભણી છે..”

શેઠાણી વાતમાં વચ્ચે પડ્યા.. ” પણ બેન , અરવીંદે જ સામેથી કહ્યું છે..”

– જયંતીલાલ ચૌહાણ ૧૬-૮-૨૧

નોંધ- દિકરીઓને સૈનિક શાળામાં પ્રવેશ આપવાની સ્વતંત્રતા દિવસે જાહેરાત થઈ.

હવે નવી કાન્તુઓ.. દુશ્મનો સામે..

ધારિયાને બદલેમ શીનગન ઉપાડશે.